Western Times News

Gujarati News

હનુમાનજી શોભાયાત્રાઃ ગજરાજ, ઊંટગાડી, વિશાળ ગદા, ટ્રક ઉપરાંત ‘ઑપરેશન સિંદૂર’નો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા

મુખ્યમંત્રીશ્રીએ દાદાના આશીર્વાદ લીધા અને રથનું પૂજન કરી, રાજ્યના નાગરિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી

અમદાવાદના શાહીબાગ સ્થિત કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ બાદ આ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હનુમાનજીના રથની આરતી ઉતારી હતી અને ત્યાર બાદ શ્રીફળ વધેરીને શોભાયાત્રાના મુખ્ય રથને પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હનુમાન દાદાની પૂજા-અર્ચના કરી, રાજ્યના નાગરિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

ઉલ્લેખનીય છે કે, શોભાયાત્રામાં ગજરાજ, ઊંટગાડી, વિવિધ ટ્રક, ‘ઓપરેશન સિંદૂર’ના ટેબ્લો, વિશાળ ગદા, ભજન મંડળીઓ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. યાત્રાના રૂટ પર ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

શાહીબાગ કેમ્પ હનુમાનથી નીકળેલી આ શોભાયાત્રા બપોરે વાસણા બેરેજ સ્થિત વાયુદેવતા મંદિરે પહોંચશે અને ત્યાંથી સાંજે નિજ મંદિરે પરત ફરશે.

આ પ્રસંગે કેમ્પ હનુમાન મંદિરના પ્રમુખ સુધીરભાઈ નાણાવટી, એડીસી બૅન્કના ચેરમેન અજયભાઈ પટેલ, મંદિરના અન્ય ટ્રસ્ટીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

કયા કારણસર અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા હનુમાનજીને કેમ્પ હનુમાનજી કહેવાય છે?

આ મંદિર અમદાવાદના કેન્ટોનમેન્ટ (Cantonment) વિસ્તારમાં આવેલું છે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન, જે વિસ્તારમાં લશ્કરી છાવણી અથવા સૈનિકોના ઉતારા હોય તેને અંગ્રેજીમાં ‘Camp’ (કેમ્પ) કહેવામાં આવતો હતો. આ મંદિર લશ્કરી વસાહતની સરહદની અંદર આવેલું હોવાથી તે ‘કેમ્પના હનુમાન’ તરીકે ઓળખાવા લાગ્યું.

એવું માનવામાં આવે છે કે આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે. જ્યારે બ્રિટિશરોએ શાહીબાગ વિસ્તારમાં પોતાની લશ્કરી છાવણી (કેન્ટોનમેન્ટ) સ્થાપી, ત્યારે આ મંદિર તે વિસ્તારની મધ્યમાં આવી ગયું હતું.

એક પ્રચલિત લોકવાયકા મુજબ, જ્યારે અંગ્રેજો આ વિસ્તારમાં કેન્ટોનમેન્ટ બનાવી રહ્યા હતા, ત્યારે તેમણે આ મંદિરને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો.

  • એવું કહેવાય છે કે જ્યારે મૂર્તિને ખસેડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે અચાનક મોટી સંખ્યામાં ભમરાઓએ અંગ્રેજ સૈનિકો પર હુમલો કર્યો હતો.

  • આ ઘટનાથી ડરીને અંગ્રેજોએ મંદિર હટાવવાનો વિચાર માંડી વાળ્યો અને મંદિરને ત્યાં જ રહેવા દીધું.

  • ત્યારથી બ્રિટિશરો પણ આ જગ્યા પ્રત્યે આદર રાખતા થયા અને લશ્કરી વિસ્તારમાં હોવાને કારણે તેનું નામ ‘કેમ્પ હનુમાન’ તરીકે પ્રચલિત થયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.