Western Times News

Gujarati News

ડિપ્લોમાથી ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે ૨૨૦૪૬ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન

અમદાવાદ, ધો.૧૦ પછી ડિપ્લોમા ઈજનેરી અને ફાર્મસી કરી ચૂકેલા વિદ્યાર્થીઓને સીધા ડિગ્રી ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદત બે દિવસ પહેલા પૂર્ણ થઈ ચૂકી છે. ચાલુ વર્ષે કુલ ૨૨૧૩૮ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી ૨૨૦૪૬ ફી ભરી હતી. આમ, કુલ ૩૬૨૧૨ બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આગામી ૨૬મી એપ્રિલે ઓફલાઈન પરીક્ષા લેવાશે. ગત વર્ષે કુલ ૧૯૩૦૦ની સામે ચાલુ વર્ષે અંદાજે ત્રણ હજાર વિદ્યાર્થીનો વધારો થયો છે.ડિપ્લોમા ઈજનેરી પૂર્ણ કર્યા બાદ અગાઉ સીધા મેરિટના આધારે ડિગ્રી ઈજનેરીના બીજા સેમેસ્ટરમાં પ્રવેશ ફાળવવામાં આવતો હતો.

હવે ડિગ્રીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડે છે. પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને ગત ૯મી ફેબ્›આરીથી ૩૦મી માર્ચ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની સૂચના આપવામાં આવી હતી.

પ્રવેશ સમિતિએ જાહેર કરેલી આંકડાકીય વિગતો પ્રમાણે, ૨૨૦૪૬ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવીને ફી ભરી દીધી છે. જેમાં જનરલ કેટેગરીના ૮૦૪૬, ઈડબલ્યુએસ કેટેગરીના ૩૧૧૦, એસસી કેટેગરીમાં ૧૬૫૩, એસટી ૨૦૧૧ અને એસઈબીસી કેટેગરીની ૭૧૨૬ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

રજિસ્ટ્રેશન કન્ફર્મ કરાવનારા વિદ્યાર્થીઓમાં ૫૨૮૬ વિદ્યાર્થિનીઓ અને ૧૬૭૬૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. મહત્ત્વની વાત એ છે કે, રજિસ્ટ્રેશન કરનારા વિદ્યાર્થીઓ માટે કુલ ૩૬૨૧૨ બેઠકો ઉપલબ્ધ છે.

જેમાં ૧૬ સરકારી, ૩ ગ્રાન્ટેડ કોલેજોન ૨૦૬૮ બેઠકો અને ૧૨૦ સ્વનિર્ભર કોલેજોમાં ૩૪૧૪૪ બેઠકોનો સમાવેશ થાય છે. જે તે વર્ષમાં રાજ્યમાં આવેલા માન્ય બોર્ડમાંથી ડિપ્લોમા પાસ કરનારા વિદ્યાર્થીઓ તેમજ સરકારી સંસ્થા ખાતે ૫ ટકા બેઠકો પર સમગ્ર દેશમાંથી ડિપ્લોમા પાસ કરનારા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે.

અગાઉના વર્ષમાં ડિપ્લોમા પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ માટે લાયક ગણાશે. કાઉન્સિલની જોગવાઈ પ્રમાણે બીએસસી અને વોકેશનલ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ પણ ડિપ્લોમાથી ડિગ્રી માટે લાયક ગણવામાં આવશે. આગામી ૨૬મી એપ્રિલે ઓફલાઈન પરીક્ષા લેવાશે. જેની પ્રોવિઝનલ આન્સર કી ૨૭મીએ જ જાહેર કરી દેવાશે. વિદ્યાર્થીઓને આન્સર કી સામે કોઈ વાંધો હોય તો ૨૮મીથી બીજી મે દરમિયાન રજૂ કરી શકશે. જેના આધારે મે માસના પ્રથમ સપ્તાહમાં ફાઈનલ આન્સર કી જાહેર કરીને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરાશે.

ડિપ્લોમાથી ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે ૨૬મી એપ્રિલના રોજ પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. આજે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. તેમાં ૨૬મી એપ્રિલે જ મતદાન યોજાવાનું છે. આ સ્થિતિમાં ડિપ્લોમાથી ડિગ્રી ઈજનેરી માટે લેવાનારી પરીક્ષા યથાવત રહેશે કે તારીખ બદલાવવી પડશે તેની ચર્ચાઓ શરૂ થઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.