Western Times News

Gujarati News

બાળકી સાથે અડપલાં કરનાર આરોપીને ૫ાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારાઇ

ગાંધીનગર, કલોલ તાલુકાના વડસર ગ્રામ પંચાયત પાસે ૮ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં અને છેડતી કરનાર મુળ મહેસાણાના આરોપી હસમુખજી ધનાજી ઠાકોરને કલોલના ચોથા એડિશનલ સેસન્સ જજ બી.આર. રાજપુતની કોર્ટે સમાજમાં દાખલો બેસે તેમાટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. આધેડ વયના આરોપીને ગુનેગાર ઠેરવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.

તેમજ આરોપીને રૂ. ૫૦ હજારનો દંડ અને ભોગ બનનાર બાળકીને રૂ. ૨,૦૦,૦૦૦ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યાે છે.ન્યાયાધીશ દ્વારા ‘ધર્મ એવ હતો હન્તિ ધર્મ રક્ષતિ રક્ષિતઃ’ એ શ્લોક ચુકાદાની શરૂઆતમાં ટાંકવામાં આવ્યો હતો. કોર્ટે તેનો મર્મ સમજાવ્યો હતો કે ’જો ધર્મ-ન્યાય-કાયદાનો નાશ થાય તો આપણો પણ નાશ કરે છે, પરંતુ જો ન્યાયનું રક્ષણ કરવામાં આવે તો તે આપણું રક્ષણ કરે છે.’

આવા ગંભીર ગુનાઓમાં જો ન્યાય કરવામાં નિષ્ફળતા મળે તો સામાજિક વ્યવસ્થા ખોરવાઈ શકે છે. કોર્ટે આ મુજબનું અવલોકન ચુકાદો આપતા કર્યું હતું. ચોંકાવનારા કેસની વિગત મુજબ, ૧૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ વડસર ગ્રામ પંચાયત પાસે રમતી ૮ વર્ષની બાળકીને આરોપી હસમુખ ઠાકોર શેરડીનો રસ પીવડાવવાની લાલચ આપી બાથરૂમ પાસે લઈ જઇ અડપલા કરી તેની છેડતી કરી હતી. ત્યારે ગભરાઇ ગયેલી બાળકીએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવતા આરોપી નાસી છૂટ્યો હતો.

બનાવ અંગે સાંતેજ પોલીસ મથકમાં પોક્સોનો ગુનો દાખલ થયો હતો. આ કેસ અંગે સરકારી વકીલ જીગ્નેશ એચ. જોશીએ ધારદાર દલીલો કરી હતી અને પંચાયતની ઓફિસ બહારના સીસીટીવી ફૂટેજના પુરાવા સાબિત થયા હતા.

પેનડ્રાઈવમાં રજૂ કરાયેલા આ ફૂટેજના આધારે સાહેદોએ કોર્ટમાં આરોપીને ઓળખી બતાવ્યો હતો. જે દલીલો અને પુરાવાને ગ્રાહ રાખી કોર્ટ આરોપી હસમુખજી ધનાજી ઠાકોરને પાંચ વર્ષની કેદ અને ૫૦ હજારનો દંડ ભોગવવા ઉપરાંત પીડિતાને બે લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યાે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.