Western Times News

Gujarati News

શહેરમાં ચોમાસા પહેલાં ૧૦૦૦ પરકોલેટીંગ વેલ કાર્યરત થઇ જશે

અમદાવાદ, શહેરમાં આગામી ચોમાસા દરમિયાન ભૂગર્ભ જળસંચય અભિયાન હેઠળ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનાં પ્રોજેક્ટ અંતર્ગત સાત ઝોનમાં એક હજાર જેટલાં પરકોલેટીંગ વેલ કાર્યરત કરી દેવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

મ્યુનિ.ઇજનેર ખાતામાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરમાં વર્ષાેથી પીવાનાં પાણી માટે કે ફેક્ટરી ઉપયોગ માટે બોરવેલની મદદથી ભૂગર્ભ જળ ઉલેચવામાં આવી રહ્યાં છે. નર્મદાનાં નીર ઘર ઘર સુધી પહોંચાડવાનાં દાવા છતાં મ્યુનિ.હદમાં આવેલી સંખ્યાબંધ સોસાયટીઓ અને ફેક્ટરીઓમાં હજુ પણ હજારોની સંખ્યામાં ખાનગી બોરવેલ લાખો લિટર ભૂગર્ભજળ ઉલેચી રહ્યાં છે.

તેના પરિણામે શહેરભરમાં પીવાલાયક ભૂગર્ભજળનાં સ્તર ખાસા ઉંડા ઉતરી ગયાં છે અને હવે તો આરોગ્યને હાનિ પહોંચાડે તેવા હાઇ ટીડીએસવાળા પાણી આવી રહ્યાં છે.

શહેરી વિસ્તારમાં ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે પહેલાં મ્યુનિ.હદમાં આવેલાં તળાવો ઉંડા કરીને તેમાં પરકોલેટીંગ વેલ બનાવાયા હતા, પરંતુ ખાટલે મોટી ખોડ એ હતી કે, તળાવો સુધી વરસાદી પાણી લઇ જવા માટે જરૂરી અલાયદી સ્ટોર્મ વોટર લાઇનોનો અભાવ હતો. ચોમાસા દરમિયાન વરસાદ પડે ત્યારે મોટાભાગનુ વરસાદી પાણી તળાવોમાં જવાને બદલે ગટર લાઇનોમાંથી સીધુ નદી તરફ વહી જાય છે.

બીજી બાજુ વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ નહિ થવાનાં કારણે અનેક વિસ્તારોમાં રોડ ઉપર અને સોસાયટીઓ કે ચાલીઓમાં ઘૂંટણસમાણા પાણી ભરાઇ જવાની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે.

વરસાદી પાણીને લગતી સમસ્યા હલ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જુદી જુદી યોજનાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી રહી છે. તેમાં રાજ્ય સરકારે ભૂગર્ભ જળસંચય માટે ખાનગી સોસાયટીઓમાં પરકોલેટીંગ વેલ બનાવવા માટે ૭૦-૨૦-૧૦ની યોજનાને મંજૂરી આપી છે.

તેમ છતાં પરકોલેટીંગ વેલ માટે અનેક ખાનગી સોસાયટીઓ ૧૦ ટકા ફાળો ભોગવવા તૈયાર ન થતાં સોસાયટીઓનાં ૧૦ ટકા કોર્પાેરેટર, ધારાસભ્ય અને સાંસદ ગ્રાન્ટમાંથી ફાળવી શકાય તેવી જોગવાઇ કરીને સાત ઝોનમાં પરકોલેટીંગ વેલ બનાવવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના અંતર્ગત સાત ઝોનમાં અત્યારસુધીમાં ૫૦૮ પરકોલેટીંગ વેલ બનાવી દેવાયા છે અને આગામી ચોમાસા પહેલાં એક હજાર પરકોલેટીંગ વેલ બનાવવાનો લક્ષ્યાંક મ્યુનિ.નાં ઇજનેર ખાતાને આપવામાં આવ્યો છે, જેને પાર પાડવા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. એક પરકોલેટીંગ વેલ પાછળ સરેરાશ ૧૦ લાખ જેટલો ખર્ચ ગણવામાં આવી રહ્યો છે અને પરકોલેટીંગ વેલ કાર્યરત થતાં લાખો લિટર વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.