Western Times News

Gujarati News

અમદાવાદના વિદ્યાર્થીઓએ રેલી અને ચિત્રકામ દ્વારા મતાધિકારનો પવિત્ર સંદેશ ફેલાવ્યો

(પ્રતિનિધિ) અમદાવાદ,  સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026ના આયોજનને ધ્યાને રાખીને અમદાવાદના નાગરિકોમાં મતદાન પ્રત્યે સભાનતા વધે તેવા શુભ આશય સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર મતદાનમાં મહત્તમ જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ‘સ્વેપ’ (Systematic Voters’ Awareness Plan-SVAP) અભિયાન હેઠળ શહેરની વિવિધ શાળાઓમાં ચિત્ર અને નિબંધ લેખન સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સાથે જ લોકશાહીના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ, ભવ્ય સાયકલ રેલી અને મતદાર જાગૃતિ રેલીઓનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાનના ભાગરૂપે ઈસનપુર પબ્લિક સ્કૂલ-1, શારદા ગર્લ્સ સ્કૂલ, એન. વી. તંવર હિન્દી હાઇસ્કૂલ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ, કાંકરિયા ગુજરાતી શાળા નંબર 8, દેવળિયાપરા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી વિશેષ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’, ‘મારો મત, મારી તાકાત’ અને ‘મારો મત, લોકશાહીનો આધાર’ જેવા વિષયો પર મતાધિકારના મૂલ્યને સુંદર રીતે કંડાર્યું હતું.
શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની કલમ અને કલાના માધ્યમથી સમજાવ્યું હતું કે જાગૃત મતદાર જ દેશને યોગ્ય નેતૃત્વ આપી સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. વિદ્યાર્થીઓએ હાથમાં બેનરો લઈને શેરીઓમાં રેલી કાઢી વાલીઓ અને સ્થાનિક રહીશોને અચૂક મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
મહત્વની બાબત એ રહી હતી કે વિદ્યાર્થીઓની દ્વિતીય સત્રાંત કસોટીના અભ્યાસક્રમ કે સમયપત્રકને કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે રીતે આ તમામ પ્રવૃત્તિઓનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં મૂકવામાં આવેલા સેલ્ફી પોઈન્ટ્સ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેનો હેતુ સોશિયલ મીડિયા દ્વારા મતદાનની જાગૃતિ ફેલાવવાનો હતો.
કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તમામ સહભાગીઓએ 18 વર્ષ પૂર્ણ થયા બાદ અચૂક મતદાન કરવાની તથા સમાજના દરેક વર્ગને મતદાન માટે પ્રેરિત કરવાની પવિત્ર શપથ લીધી હતી. આમ, શિક્ષણ વિભાગના આ સરાહનીય પ્રયાસ દ્વારા શાળાઓના માધ્યમથી ઘરે-ઘરે મતદાનનો સંદેશ પહોંચાડવાનું ઉમદા કાર્ય સંપન્ન થયું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.