Western Times News

Gujarati News

યુરોપ-કેનેડાના વિઝાના બહાને લાખોની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ

અમદાવાદ, વિદેશ જવાના ઈચ્છુક યુવાનોને ટાર્ગેટ બનાવી વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી મહેશ ઉર્ફે એમ.પી. કનૈયાલાલ પ્રજાપતિની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે.

આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે ગંભીર પ્રકારના આર્થિક ગુનામાં આરોપીની સંડોવણી છે, આરોપીએ ભોગ બનનારના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી ગંભીર ગુનો આચર્યાે છે. તપાસ હજુ ચાલુ હોવાથી અને આરોપીની ગુનાહિત પૃષ્ઠભૂમિ જોતા આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં.

આરોપી મહેશે ફરિયાદી અને તેના મિત્રોને ઓછા ખર્ચે યુરોપ અને કેનેડાના વર્ક વિઝા કરાવી આપવાની લાલચ આપી હતી. વિશ્વાસ જીતવા માટે તેણે એવી લોભામણી વાતો કરી હતી કે જો બેંક એકાઉન્ટમાં મોટું ટ્રાન્ઝેક્શન અને બેલેન્સ બતાવવામાં આવશે તો વિઝા જલ્દી મળી જશે. આ બહાને તેણે ફરિયાદી અને અન્ય ૨૬ જેટલા વ્યક્તિઓ પાસેથી અંદાજે રૂ. ૨૦થી ૨૧ લાખ પડાવી લીધા હતા.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી માત્ર વિઝાના નામે પૈસા જ નહોતો પડાવતો, પરંતુ તે સાયબર ફ્રોડ સાથે પણ જોડાયેલો હતો. તેણે ફરિયાદીઓના બેંક એકાઉન્ટની વિગતો મેળવી તેનો ઉપયોગ ફ્રોડથી મેળવેલા નાણાં (કાળું નાણું) ટ્રાન્સફર કરવા માટે કર્યાે હતો. આ રકમ આંગડિયા મારફતે ઉપાડી લેવામાં આવતી હતી. આરોપી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી મહેશ પ્રજાપતિએ જામીન માટે અરજી કરી હતી.

જેમાં એવી રજૂઆત કરી હતી કે, આરોપી માર્ચ ૨૦૨૬થી જેલમાં છે અને તેની સામેની ફરિયાદમાં ૯ મહિનાનો વિલંબ છે. વધુમાં, આ ગુનામાં મહત્તમ ૭ વર્ષની સજાની જોગવાઈ હોવાથી તેને જામીન મળવા જોઈએ. આરોપી ક્યાંય નાસી કે ભાગી જાય તેમ નથી. જ્યારે સરકારી વકીલ વી. કે. રાવે જામીનનો વિરોધ કરતા જણાવ્યું કે આરોપીએ અનેક લોકોનો વિશ્વાસ તોડી લાખોની ઠગાઈ કરી છે.

તપાસ અધિકારીના સોગંદનામા મુજબ આરોપી સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પણ અન્ય એક ગુનો નોંધાયેલો છે. આ મામલે તપાસ જારી છે, ત્યારે આરોપીને જામીન આપવામાં આવે તો તપાસ પર અસર પડે અથવા સાક્ષી ફોડે તેવી શક્યતા છે. ત્યારે જામીન ન આપવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.