અમેરિકાની નાકાબંધીથી ઇરાનને રોજનો રૂ.૪૦૦૦ કરોડનો ફટકો
(એજન્સી)તહેરાન, અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી કરતાં ઇરાનને રોજનો રૂ. ૪૦૦૦ કરોડનો ફટકો પડી રહ્યો છે. ઇરાનના અર્થતંત્ર માટે આ નાકાબંધી મોટો ફટકો સાબિત થઈ શકે છે. ટ્રમ્પે ૧૩ એપ્રિલથી ઇરાનની નાકાબંધીની જાહેરાત કરી હતી.
પાકિસ્તાનમાં ઇરાન સાથેની ૨૧ કલાકની શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી ઇરાનની નાકાબંધી કરવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ માત્ર ઇરાનના બંદરો પર જતા જહાજોની નાકાબંધી માટે અમેરિકાએ ૧૦ હજાર સૈનિકો અને જહાજો ખડક્યા છે.
જોકે, આ સિવાયના જહાજોને જવા દેવામાં આવે છે.અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી શરૂ કરી છે ત્યારે ભારતના હજી પણ ૧૫ ટેન્કર ત્યાં ફસાયેલા છે. અત્યાર સુધી ઇરાને ભારતીય જહાજોને છૂટ આપી હોવાથી ઘણા ભારતીય જહાજ હોર્મુઝની ખાડી પાર કરવામાં સફળ રહ્યા છે,
પરંતુ હવે અમેરિકાની નાકાબંધીના કારણે ભારતની ચિંતા વધી ગઈ છે. જો કે ભારતે આશા છોડી નથી અને જહાજોને લાવવાના પ્રયત્ન જારી છે.જો કે અમેરિકાની નાકાબંધી છતાં પણ અમેરિકા દ્વારા પ્રતિબંધિત ચીની ટેન્કર રિચ સ્ટારી નાકાબંધી શરૂ થયા પછી હોર્મુઝ પાર કરનારું પ્રથમ જહાજ બન્યું છે.
ઇરાન સાથે કારોબાર કરવાના લીધે ટેન્કર અને તેના માલિક શાંઘાઈ જુઆનરુ શિપિંગ કંપની પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હતો. ચીની જહાજ પછી બીજું જહાજ લાઇબેરિયાના ધ્વજવાળુ ક્રિસ્ટિયાના કેરિયર ત્યાંથી પસાર થયું હતું. તેણે ઇરાનના બંદર પર મકાઈ અનલોડ કરી હતી. આ સિવાય અન્ય જહાજ કોરોમોસ લારાક આઇલેન્ડ પાસેથી પસાર થયું હતું.
