રશિયાનો યુક્રેન હવાઈ હુમલો: 700 ડ્રોન અને મિસાઈલોથી કિવ ધણધણી ઉઠ્યું, 16ના મોત
પ્રતિકાત્મક
કિવ, યુક્રેન: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત વિનાશક તબક્કે પહોંચ્યું હોય તેમ જણાય છે. બુધવારે મોડી રાત્રે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક શહેરો પર સેંકડો ડ્રોન અને ઘાતક મિસાઈલો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૨ વર્ષના માસૂમ બાળક સહિત કુલ 16 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 80 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
બે અઠવાડિયાનો સૌથી મોટો હુમલો
યુક્રેનિયન વિદેશ પ્રધાન એન્ડ્રી ત્સિબિહાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ ભયાનક હુમલાની વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, રશિયાએ આશરે 700 ડ્રોન અને ડઝનબંધ બેલિસ્ટિક તેમજ ક્રુઝ મિસાઇલોનો મારો ચલાવ્યો હતો. છેલ્લા 14 દિવસમાં રશિયા દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોટો હવાઈ હુમલો છે.
કયા શહેરમાં કેટલી જાનહાનિ?
રશિયન સેનાએ મુખ્યત્વે રહેણાંક વિસ્તારો અને નાગરિકોને નિશાન બનાવ્યા હતા:
-
કિવ: રાજધાનીમાં 4 લોકોના મોત થયા છે (જેમાં એક બાળક સામેલ છે) અને 50 થી વધુ ઘાયલ છે.
-
ઓડેસા: દક્ષિણ બંદર શહેરમાં સૌથી વધુ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે.
-
ડિનિપ્રો: મધ્ય યુક્રેનમાં 3 લોકોના મોત અને 36 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
-
ઝાપોરિઝ્ઝિયા: અહીં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.
“આવા હુમલાઓને સામાન્ય ગણી શકાય નહીં. આ યુદ્ધ અપરાધ (War Crimes) છે, તેમને તાત્કાલિક રોકવા જોઈએ અને જવાબદારોને કડક સજા થવી જોઈએ.” – એન્ડ્રી ત્સિબિહા, વિદેશ પ્રધાન, યુક્રેન
યુક્રેનિયન એર ડિફેન્સની પ્રશંસનીય કામગીરી
હુમલો ભલે ભીષણ હતો, પરંતુ યુક્રેનની વાયુસેનાએ તેની હવાઈ સંરક્ષણ પ્રણાલી (Air Defence System) દ્વારા મોટી તબાહી રોકી હતી.
-
કુલ 703 હુમલાખોર લક્ષ્યોમાંથી 667 ને તોડી પાડવામાં અથવા નિષ્ક્રિય કરવામાં સફળતા મળી છે.
-
તોડી પાડવામાં આવેલા લક્ષ્યોમાં 636 શાહેદ પ્રકારના ડ્રોનનો સમાવેશ થાય છે.
-
વાયુસેનાના રિપોર્ટ અનુસાર, 20 ડ્રોન અને 12 મિસાઈલો સંરક્ષણ કવચ તોડીને 26 સ્થળોએ ત્રાટકવામાં સફળ રહી હતી.
