Western Times News

Gujarati News

AMC ચૂંટણી 2026: ભાજપે લોન્ચ કર્યુ ‘વિકાસલક્ષી’ સંકલ્પ પત્ર; સ્લમ મુક્ત શહેર અને AI ટ્રાફિક સિસ્ટમ પર ભાર

આગામી AMC ચુંટણી માટે સંક્લ્પ પત્ર-૨૦૨૬નું વિમોચન મહાનગર કાર્યાલય ખાતે ઋષિકેશ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યુ

સંકલ્પ પત્રની મુખ્ય વિશેષતાઓ:

  • રહેઠાણ અને આરોગ્ય: શહેરને સંપૂર્ણ સ્લમ મુક્ત બનાવવા 50 હજાર નવા આવાસનું નિર્માણ અને કેન્સરની અદ્યતન હોસ્પિટલની સ્થાપના કરવામાં આવશે.

  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિક: ટ્રાફિક સમસ્યા નિવારવા સમગ્ર શહેરમાં AI આધારિત સિગ્નલ સિસ્ટમ, 17 ઓવરબ્રિજ અને 3 અંડરપાસ બનાવવામાં આવશે.

  • પર્યાવરણ અને ઉર્જા: ગ્રીન કવરને 12.5% થી વધારી 18% કરવા અને 100% રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પિરાણા ડમ્પ સાઇટ હટાવી ત્યાં ગાર્ડન બનાવાશે.

  • સ્પોર્ટ્સ અને હેરિટેજ: ‘કોમનવેલ્થ ગેમ્સ 2030’ માટે દરેક ઝોનમાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રથયાત્રા રૂટને હેરિટેજ વોક તરીકે વિકસાવવાનું આયોજન છે.

  • મહિલા અને વરિષ્ઠ નાગરિકો: BRTSમાં પિંક બસ, દરેક વોર્ડમાં પિંક ટોઈલેટ અને મહિલા જીમ તેમજ કોર્પોરેશનની ભરતીમાં 33% મહિલા અનામતની જોગવાઈ કરાશે. વરિષ્ઠ નાગરિકોને નિ:શુલ્ક ‘અમદાવાદ દર્શન’ કરાવવામાં આવશે.

અમદાવાદ,  કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગની એક અખબાર યાદીમાં જણાવે છે કે, આજરોજ કર્ણાવતી મહાનગર કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી અને મહાનગરના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, મહાનગરના અધ્યક્ષશ્રી પ્રેરકભાઇ શાહ, મહાનગર ચુંટણી સમિતિના ઇન્ચાર્જ અને પુર્વ ધારાસભ્યશ્રી રાકેશભાઇ શાહ, પુર્વ મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈન, પુર્વ ડે.મેયરશ્રી જતિનભાઇ પટેલ, પુર્વ સ્ટે.કમિટી ચેરમેનશ્રી દેવાંગભાઇ દાણીના વરદ હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણી -૨૦૨૬ના સંક્લ્પ પત્રનુ વિમોચન કરવામાં  હતુ.

પત્રકાર પરિષદને સંબોધતા કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યુ કે, ભાજપના ઉમેદવારો વિકાસના ઇતિહાસ તેમજ વિકાસ પથ પર અગ્રેસર ગુજરાતની બાબતો સાથે સૌ મતદારો પાસે વધુમાં વધુ મતદાનની અપિલ કરી રહ્યા છે.

ગત સંક્લ્પ પત્રના અંતર્ગત ૯૬ ટકા જેટલા સંક્લ્પો પરિપુર્ણ કરીને અમારા ઉમેદવારો પ્રજાજનો સમક્ષ પોતાનો રિપોર્ટ કાર્ડ લઇને આશિર્વાદ લેવા જઇ રહ્યા છે. ભુતકાળમાં અમદાવાદની શુ પરિસ્થિતિ હતી અને હાલમાં અમદાવાદ ક્યાં છે અને ભવિષ્યમાં વિકાસની યોજનાઓ થકી ક્યાં પહોંચશે તેનો ચિતાર આ સંક્લ્પ પત્રમાં રજુ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણી -૨૦૨૬ના સંક્લ્પ પત્રની pdf 24 પાનાની PDF નીચે જૂઓ (ડાઉનલોડ પણ કરી શકાશે)

Skip to PDF content

***********

આ સંક્લ્પ પત્રમાં રિવરફ્રન્ટ અંતર્ગત થનાર આગળનુ આયોજન વોટર પ્રોજેક્ટ, વોટર સપ્યાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુએજ અને સ્ટ્રોમ વોટર પ્લાનિંગ શહેરના તમામ ઝોનમાં ડ્રેનેજ લાઇન અને સ્ટ્રોમ વોટર નેટવર્કના રિહેબિલિટેશનનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. ફાયર સેફ્ટી પ્લાન અંતર્ગત અમદાવાદને કેવી રીતે વધુ સુરક્ષિત બનાવી શકાય તે અંગેનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. સિનિયર સિટિઝન માટે આરોગ્ય સેવા, આરોગ્ય સંસ્થાનોનુ અપગ્રેડેશન અને નવી સંસ્થાઓની સ્થાપના કેન્સરની સારવાર માટે અદ્યતન સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનો નિર્ધાર આ સંક્લ્પ પત્રમાં રજુ કરવામાં આવ્યો છે.

શ્રી પટેલે વધુમાં જણાવ્યુ કે, સમગ્ર શહેરમાં AI આધારિત ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ વિકસાવીને ટ્રાફિક સોલ્યુશનના તમામ પગલા લેવામાં આવશે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને વધુ સુદ્રઢ બનાવવા માટેના જરુરી પગલાઓ લેવામાં આવશે. સંપુર્ણ સ્લમ મુક્ત અમદાવાદ શહેર બનાવવાનો નિર્ધાર આ સંક્લ્પ પત્રમાં કરવામાં આવ્યો છે, તેના અંતર્ગત ૫૦ હજાર જેટલા રહેણાંક મકાનો બનાવવામાં આવશે.

હાલમાં ૪૩ ટકા જેટલી રિન્યુએબલ એનર્જીના ઉપયોગ થકી વર્ષે ૩ હજાર કરોડની બચત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યુ છે અને ભવિષ્યમાં ૧૦૦ ટકા લક્ષ્યાંકને પરિપુર્ણ કરવા વોટર બોડી પર સોલર એનર્જી પ્રોજેક્ટ મુકવામાં આવશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ૧૭ જેટલા ઓવર બ્રિજ અને ૩ અંડરપાસનુ નિર્માણ હાથ ધરવામાં આવશે.

શ્રી પટેલે જણાવ્યુ કે, કોમન વેલ્થ ગેમ-૨૦૩૦ની યજમાની માટે અમદાવાદ તૈયાર છે અને તેના અંતર્ગત પ્રત્યેક ઝોનમાં મિની સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તેમજ રમત-ગમતના મેદાન બનાવવાનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. હાલમાં અમદાવાદનુ ગ્રીન કવર ૧૨.૫ ટકા જેટલુ છે તેને ૧૮ ટકા સુધી લઇ જવા માટે આયોજન હાથ ધરવામાં આવશે અને તેની સાથે સાથે શહેરમાંથી પસાર થતી રેલવે લાઇનના બન્ને બાજુ અર્બન પ્લાન્ટેશન હાથ ધરવામાં આવશે.

નાના હસ્ત કલાના હેન્ડિક્રેફ્ટ અને પરંપરાગત ઉત્પાદનોના ઉત્પાદકો માટે મહાનગરના પુર્વ વિસ્તારમાં અમદાવાદ હાટ બનાવવાની યોજન હાથ ધરી છે તેમજ આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવા સ્ટાર્ટપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટપ ફેસ્ટિવલનુ આયોજન હાથ ધરવામાં આવશે. નાગરિકોને ઝડપી પારદર્શક અને ટેક્નોલોજી આધારિત સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ઇ-ગવર્નન્સ અને જીઓ ટેગિંગ સિસ્ટમને વધુ અસરકારક બનાવવામાં આવશે.

શ્રી પટેલે સ્વચ્છતાના આગામી આયોજન અંતર્ગત જણાવ્યુ કે, આગામી સમયમાં પિરાણાની ડમ્પ સાઇટને નેસ્ત-નાબુદ કરી તે જગ્યા પર સુંદર ગાર્ડન ડેવલોપ કરવામાં આવશે અને નવા પાંચ RTS અને ૨૦૦૦ હજાર મેટ્રિક ટન જેટલા કચરાને આધુનિક પધ્ધિતિથી નિકાલ કરવાનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે તેમજ કિચન વેસ્ટથી સી.એન.જી. ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. હયાત તળાવોના શુધ્ધિકરણ માટે સ્માર્ટ એરેટર અને ફાઉન્ટેન ડેવલોપમેન્ટનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

શ્રી પટેલે જણાવ્યુ કે, વર્લ્ડ હેરિટેઝ સિટિ અમદાવાદને જાળવણી માટે જગન્નાથ મંદિરને રથયાત્રા રુટને હેરિટેઝ વોક તરીકે ડેવલોપ કરવામાં આવશે તેમજ  હેરિટેઝ ગેટ તથા આસપાસના વિસ્તારોમાં બ્યુટિફિકેશન અને આધુનિક લાઇટીંગથી સજાવવામાં આવશે. મહાનગરમાં સમાવિષ્ટ તમામ શાળાઓને સ્માર્ટ સ્કુલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને સાથે સાથે અંગ્રેજી માધ્યમની નવી શાળાઓ શરુ કરવાની યોજના બનાવવામાં આવી છે. શહેરની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે ગરીબ તેમજ મધ્યમ વર્ગને ઓછા ખર્ચે વધુ સુવિધા મળી રહે તેવા પાર્ટી પ્લોટોનુ નિર્માણ કરવામાં આવશે.

શ્રી પટેલે જણાવ્યુ કે, માતા, બહેનો માટે સર્વાઇકલ કેન્સર અને ઓરલ કેન્સરનુ સ્ક્રિનિંગ હાથ ધરીને સમયસર તેનો ઇલાજ થાય તે માટે આરોગ્ય લક્ષી સેવાઓનો વિસ્તાર કરવામાં આવશે. BRTSમાં મહિલાઓ માટે  પિંક બસની વ્યવસ્થા કરવામાં આવશે, મહાનગરના દરેક વોર્ડમાં પિંક ટોઇલેટની વ્યવસ્થ કરવામાં આવશે તેમજ આગામી પાંચ વર્ષમાં દરેક વોર્ડમાં મહિલા જીમ બનાવવામાં આવશે. કોર્પોરેશનની તમામ ભરતીમાં ૩૩ ટકા મહિલા અનામતની જોગવાઇ કરવામાં આવશે. શહેરના સિનિયર સીટિઝનોને વિના મુલ્ય અમદાવાદ દર્શન કરાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. ૬૫ વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકો આનંદ, સ્મૃતિઓ અને સામાજિક જોડાણનો સુંદર અનુભવ કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.