ટ્રમ્પે PM મોદી સાથેની વાતચીતને ‘ખૂબ સારી’ ગણાવી; પાકિસ્તાન જવાની પણ તૈયારી દર્શાવી
File Photo
ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે જો ચાલુ રાજદ્વારી પ્રક્રિયા હેઠળ કોઈ સમજૂતી ફાઈનલ થશે તો તેઓ પાકિસ્તાન જઈ શકે છે.
વોશિંગ્ટન, ૧૭ એપ્રિલ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીતને “ખૂબ જ સારી” ગણાવી છે. આ સાથે જ તેમણે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
વ્હાઇટ હાઉસના પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે PM મોદી વિશે કહ્યું કે, “મેં તેમની સાથે ખૂબ જ સારી વાતચીત કરી છે… તેઓ શાનદાર કામ કરી રહ્યા છે.”
આ જ વાતચીત દરમિયાન ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે જો ચાલુ રાજદ્વારી પ્રક્રિયા હેઠળ કોઈ સમજૂતી ફાઈનલ થશે તો તેઓ પાકિસ્તાન જઈ શકે છે. તેમણે કહ્યું કે, “હા, હું પાકિસ્તાન જઈશ… જો ઈસ્લામાબાદમાં સમજૂતી પર હસ્તાક્ષર થશે, તો હું ચોક્કસ જઈશ. તેઓ ઈચ્છે છે કે હું ત્યાં આવું.” તેમણે પાકિસ્તાન સાથેના સંબંધોના પણ વખાણ કરતા કહ્યું કે, “પાકિસ્તાન શાનદાર રહ્યું છે, તેઓ ખૂબ જ સહયોગી રહ્યા છે.”
ઈઝરાયેલ-લેબનોન યુદ્ધવિરામ
ટ્રમ્પની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકા મધ્ય પૂર્વમાં ઈરાન સાથેની વાટાઘાટો અને ઈઝરાયેલ-લેબનોન સરહદ પર દુશ્મનાવટ રોકવા માટે સક્રિય છે. તેમણે જણાવ્યું કે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામની રૂપરેખા તૈયાર થઈ રહી છે અને તેમાં હિઝબુલ્લાહ પણ સામેલ હોઈ શકે છે.
ટ્રમ્પે કહ્યું કે, “તેઓ બધા સંમત થઈ રહ્યા છે… આ લગભગ એક અઠવાડિયા માટેનું એક ખૂબ જ સરસ પેકેજ છે.” તેમણે ઉમેર્યું કે તેઓ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને લેબનોનના નેતૃત્વ સાથે સતત સંપર્કમાં છે.
આ ઘટનાક્રમને મહત્વપૂર્ણ ગણાવતા ટ્રમ્પે કહ્યું કે, “આ ખૂબ જ રોમાંચક છે કારણ કે ૪૮ વર્ષ બાદ આવું થઈ રહ્યું છે.” તેમણે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે સીધી વાતચીતની શક્યતા પણ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ૪૪ વર્ષમાં પ્રથમવાર વ્હાઇટ હાઉસમાં આવી બેઠક યોજાઈ શકે છે.
હિઝબુલ્લાહ વિશે પૂછવામાં આવતા તેમણે અપેક્ષા વ્યક્ત કરી હતી કે તેઓ યુદ્ધવિરામનું પાલન કરશે. તેમણે કહ્યું કે, “અમારો ઉદ્દેશ્ય હિંસા ઘટાડવાનો છે. અમે નથી ઈચ્છતા કે સતત બોમ્બમારો થતો રહે… અમે જોવા માંગીએ છીએ કે શું લેબનોન અને ઈઝરાયેલ વચ્ચે શાંતિ સ્થાપી શકાય છે.” ટ્રમ્પના મતે આગામી એક કે બે અઠવાડિયામાં આ દિશામાં પ્રગતિ થઈ શકે છે.
