હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ: 10 ભારતીય જહાજો સુરક્ષિત બહાર નીકળ્યા, ૧૪ હજુ પણ પર્સિયન ગલ્ફમાં
નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી ભારતીય જહાજોની સલામતી અંગે વિદેશ મંત્રાલયે મહત્વની માહિતી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે દિલ્હીમાં યોજાયેલી સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક અઠવાડિયામાં ૧૦ ભારતીય જહાજો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે, જ્યારે ૧૪ ભારતીય જહાજો હજુ પણ પર્સિયન ગલ્ફમાં છે.”
શું છે સ્થિતિ? હોર્મુઝની સામુદ્રધુની એ વિશ્વના તેલ અને ગેસના વેપારનો મહત્વનો માર્ગ છે, જ્યાંથી વૈશ્વિક વેપારનો લગભગ ૨૦ ટકા હિસ્સો પસાર થાય છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા ત્યારથી આ વિસ્તારમાં સતત તણાવ બનેલો છે.
ભારતીય જહાજો પર હુમલાની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય જહાજોને નિશાન બનાવવાની ઘટનાઓ સામે આવી છે:
-
બુધવારની ઘટના: ઇરાને હોર્મુઝની સામુદ્રધુનીમાં એક જહાજ પર હુમલો કર્યો હતો, જે ગુજરાતના મુન્દ્રા પોર્ટ તરફ જઈ રહ્યું હતું. રિપોર્ટ્સ મુજબ, આ ‘એપામિનોડાસ’ (Epaminodas) નામનું લાઈબેરિયન ફ્લેગવાળું જહાજ હતું, જેનું સંચાલન ગ્રીક કંપની દ્વારા કરવામાં આવે છે.
-
શનિવારની ઘટના: અગાઉ શનિવારે પણ ઇરાને બે ભારતીય જહાજો પર ગોળીબાર કર્યો હતો. આ જહાજો પાસે સામુદ્રધુનીમાંથી પસાર થવાની મંજૂરી હોવા છતાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
ભારતનો આકરો વિરોધ ભારતીય જહાજો પર થયેલા હુમલાઓને લઈને ભારતે ઇરાન સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે. ગત શનિવારે વિદેશ મંત્રાલયે ઇરાની રાજદૂત મોહમ્મદ ફતાલીને તલબ કર્યા હતા અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ તેમની સાથે બેઠક કરી હતી.
આ બેઠક દરમિયાન:
-
વિદેશ સચિવે ભારતીય ધ્વજ ધરાવતા જહાજો પર ગોળીબારની ઘટના અંગે ‘ઊંડી ચિંતા’ વ્યક્ત કરી હતી.
-
ભારતની દરિયાઈ સુરક્ષા અને વેપારી જહાજોની સલામતી પર ભાર મૂકવામાં આવ્યો હતો.
-
ઇરાનને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ પોતાના સત્તાવાળાઓને આ અંગે જાણ કરે અને ભારત તરફ જતા જહાજો માટે સામુદ્રધુનીમાંથી પસાર થવાનો માર્ગ ફરીથી સુલભ બનાવે.
વિદેશ મંત્રાલય સતત આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ભારતીય જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે તમામ સ્તરે પ્રયાસો કરી રહ્યું છે.
