Western Times News

Gujarati News

ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર પાણી-આરોગ્ય ટીમોની વિશેષ વ્યવસ્થા : અમદાવાદ કલેકટર

File Photo

અમદાવાદ મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને ૩ નગરપાલિકાઓ માટે યોજાશે ચૂંટણી

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે આવતીકાલે તા. ૨૬ એપ્રિલે મતદાન યોજાનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  સુજીત કુમાર દ્વારા અમદાવાદના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને પોતાના મતાધિકારનો અચૂક પ્રયોગ કરવા અપીલ કરી છે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે લોકશાહીમાં ચૂંટણી એ માત્ર પ્રક્રિયા નથી પણ એક પર્વ છે, જેમાં નાગરિકોને પોતાના પ્રતિનિધિ પ્રત્યક્ષ રીતે ચૂંટીને સ્થાનિક વહીવટમાં સહભાગી થવાની અમૂલ્ય તક મળે છે. તેમણે અમદાવાદના તમામ જાગૃત મતદારોને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓનો લાભ લઈ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, અમદાવાદ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને ત્રણ નગરપાલિકા વિસ્તારોમાં મતદારોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે, તે માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદારો તટસ્થ, નિષ્પક્ષ અને નીડર વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મતદારોને પોતાના મતદાન મથકની જાણકારી https://sec.gujarat.gov.in/ ની વેબસાઇટ પરથી સર્ચ કરી શકાશે તેમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં, હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથકો પર મતદારો માટે પૂરતા પ્રમાણમાં છાંયડા (શેડ) અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે વિવિધ મતદાન મથકો પર મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

અંતમાં, મતદાનના નિર્ધારિત સમય મુજબ સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા દરમિયાન દરેક નાગરિકો નજીકના મતદાન મથક પર જઈ, મતાધિકારનો ઉપયોગ કરવા પુનઃ અનુરોધ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.