Western Times News

Gujarati News

ઈન્ડોનેશિયાના જાકાર્તામાં સ્ટેશને ઊભી ટ્રેન સાથે અથડાઈ સુપરફાસ્ટ એક્સપ્રેસ

જકાર્તા, ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા નજીક આવેલા બેકાસી તિમુર સ્ટેશન પર સોમવારે બે ટ્રેનો વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં ૭ લોકોના મોત થયા છે અને ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા છે.

આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ‘આર્ગાે બ્રોમો એન્ગ્રેક’ નામની લાંબા અંતરની ટ્રેને સ્ટેશન પર ઉભેલી એકન ટ્રેનના છેલ્લા ડબ્બાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેનનો ડબ્બો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને અનેક મુસાફરો મલબામાં ફસાઈ ગયા હતા.

રેલવે કંપની પીટી કેરેતા આપિ ઈન્ડોનેશિયાએ ૩૮ મુસાફરોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે, જ્યારે બચાવ દળ હજુ પણ ડબ્બામાં ફસાયેલા અન્ય મુસાફરોને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.ચિંતાજનક બાબત એ છે કે, અકસ્માતનો ભોગ બનેલો ટ્રેનનો છેલ્લો ડબ્બો મહિલાઓ માટે અનામત હતો, જેના કારણે સ્ટેશન પર અફરાતફરી અને ચીખ-પુકાર મચી ગઈ હતી.

જોકે, અથડાનારી આર્ગાે બ્રોમો ટ્રેનમાં સવાર તમામ ૨૪૦ મુસાફરો સુરક્ષિત હોવાના અહેવાલ છે. જકાર્તા પોલીસ અને રેલવે સત્તાધીશોએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે, જ્યારે સરકારી રેલવે કંપનીએ આ ગંભીર બેદરકારી બદલ લોકોની માફી માંગી છે.

ઈન્ડોનેશિયામાં જૂના રેલ નેટવર્કને કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાતા રહે છે. અગાઉ ૨૦૧૦માં પણ આવી જ રીતે બે ટ્રેનો અથડાતા ૩૬ લોકોના મોત થયા હતા અને જાન્યુઆરી ૨૦૨૪માં પણ ટ્રેન દુર્ઘટનામાં ૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જે ફરી એકવાર રેલવે સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.