Western Times News

Gujarati News

યુએસ નાકાબંધી હટાવે તો હોર્મુઝની ખાડી ખોલીશુંઃ ઈરાને નાક દબાવ્યું

વોશિંગ્ટન, યુએસ-ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાટાઘાટો શરૂ કરવાના પ્રયાસોમાં મળી રહેલી નિષ્ફળતાઓ સાથે બંને દેશ વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. હોર્મુઝની ખાડી ખોલવાની શરતી તૈયારી દર્શાવતા ઈરાને કહ્યું હતું કે, યુએસ દ્વારા થયેલી ઈરાનની નાકાબંધી હટાવી દેવાય અને યુદ્ધનો અંત લવાય તો આંતરરાષ્ટ્રી જળમાર્ગને અવરોધમુક્ત કરવા ઈરાન તૈયાર છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ મુદ્દે હાલ ચર્ચાની જરૂર નથી.

વાટાઘાટોના આગામી તબક્કામાં તેને સમાવવો જોઈએ. ઈરાનના આ પ્રસ્તાવને ફગાવી દેતાં અમેરિકાએ એલાન કર્યું હતું કે, હોર્મુઝની ખાડીમાં ઈરાનની જોહુકમી સહેજ પણ સાંખી લેવાશે નહીં.

તાજેતરમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી બે વખત પાકિસ્તાનમાં વાટાઘાટો માટે ગયા હતા. જેના પગલે પાકિસ્તાન તરફથી અમેરિકાને શાંતિ પ્રસ્તાવના મુદ્દા મોકલવામાં આવ્યા હતા, પરંતુ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ મુદ્દા સ્વીકાર્ય નથી. હોર્મુઝની ખાડી ખોલવાના પ્રસ્તાવ સંદર્ભે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કાે રુબિયોએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હોર્મુઝની ખાડીને ખોલવાના પ્રસ્તાવમાં પણ ઈરાનની જોહુકમી દેખાય છે.

ઈરાનની મંજૂરી લેવાય અને ચૂકવણી થાય તો હોર્મુઝના જળમાર્ગમાંથી જહાજ પસાર થઈ શકે, ઈરાન સાથે વાત ન થઈ હોય તો તેને ફૂંકી મારવામાં આવશે, તેમ ઈરાન કહે છે. આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે અને ઈરાને જે રીતે આ જળમાર્ગને ફરી ખોલવાનો નિર્ણય લીધો છે, તે કોઈપણ રીતે સ્વીકારી શકાય તેમ નથી.હોર્મુઝની ખાડીના મુદ્દે ઈરાન-યુએસ વચ્ચે મડાગાંઠ સર્જાયેલી છે અને તેના કારણે ગેસ-પેટ્રોલના વૈશ્વિક સપ્લાયમાં તકલીફો ઊભી થઈ છે.

યુએસ સૈન્ય દ્વારા નાકાબંધી કરાઈ હોવાથી ઈરાન માટે ઓઈલ વેચવાનું અઘરું બન્યું છે અને તેના કારણે આર્થિક ફટકો પડ્યો છે. ઈરાનમાં ઓઈલ સ્ટોરેજની જગ્યાઓ ભરાઈ ગઈ હોવાથી હવે ઉત્પાદન બંધ કરવું પડે તેવી સ્થિતિ છે. ઈરાનને પડી રહેલી તકલીફો વચ્ચે ટ્રમ્પ પર આ ખાડીને ખોલવા દબાણ વધી રહ્યું છે. યુએસમાં મધ્યવર્તી ચૂંટણી થવાની છે અને સાથી ખાડી દેશોમાં પણ ગેસ-ઓઈલની નિકાસ અટકી પડી છે.

સમગ્ર વૈશ્વિક અર્થતંત્રમાં હોર્મુઝની ખાડી બંધ રહેતા વિપરિત અસર પડી છે. ફર્ટિલાઈઝર, ખાદ્ય વસ્તુઓ તથા પાયાની ચીજોના ભાવ વધી રહ્યા છે. ટ્રમ્પનું માનવું છે કે, પરમાણુ શસ્ત્રો વિકસાવવાની ઈરાનની ક્ષમતા નષ્ટ કરવાના હેતુથી આ યુદ્ધ શરૂ થયુ હતું, પરંતુ હવે ઈરાન આ મુદ્દાને વિલંબમાં મૂકવા માગે છે.

પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હોવાના દાવા ઈરાન કરી રહ્યું છે, પરંતુ અમેરિકાને ઈરાનમાં રહેલા એનરિચ્ડ યુરેનિયમની ચિંતા છે. તેની મદદથી ઈરાન પરમાણુ બોમ્બ બનાવી શકે છે. પરમાણુ કાર્યક્રમો યથાવત રાખવા કે પછી શાંતિ કરારના માર્ગે આગળ વધવું તે હવે ઈરાને નક્કી કરવાનું છે.

આમ, યુદ્ધ વિરામની વચ્ચે પણ બંને દેશના વિરોધાભાસી વલણથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થયેલી છે. અમેરિકા સાથે બીજા તબક્કાની વાટાઘાટો સંદર્ભે અરાઘચીએ કહ્યું હતું કે, વાટાઘાટોની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સધાઈ છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાન અને ઓમાન બાદ રશિયાની મુલાકાત લીધી હતી. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન અને વિદેશ મંત્રી સર્જીયે લાવરોવ સાથે વાટાઘાટો દરમિયાન રશિયાએ મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા શક્ય તમામ પ્રયાસની ખાતરી આપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.