Western Times News

Gujarati News

ઈન્સ્ટાગ્રામ પર રીલ જોઈ 1000 રૂ.ના કપડાંનો ઓર્ડર આપતાં યુવતીને 23 હજાર ગુમાવવા પડ્યા

સોશિયલ મીડિયા મારફતે ખરીદી કરવા જતા યુવક અને યુવતીએ મોટી રકમ ગુમાવી

બિલીંગ પ્રોસેસ અટકી ગઈ હોવાનું અને જીએસટી રિફંડના બહાના કાઢીને વિશ્વાસ જીતવા નકલી ઈન્વોઈસ મોકલ્યું હતું. રિ

(એજન્સી)અમદાવાદ,  અમદાવાદમાં ઓનલાઇન છેતરપિંડીના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર કોસ્મેટિક પ્રોડક્ટ્‌સ અને કપડાંની આકર્ષક જાહેરાતો જોઈને ઓર્ડર આપવા જતાં બે અલગ-અલગ કિસ્સામાં એક યુવક અને એક યુવતીએ કુલ ૫૮ હજાર રૂપિયાથી વધુની રકમ ગુમાવી છે. આ અંગે વાસણા અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર, વાસણા વિસ્તારમાં રહેતા અને સોલાર પેનલનો બિઝનેસ કરતા ૨૪ વર્ષીય જૈનિશકુમાર જોષી ગત ૨૦મી એપ્રિલના રોજ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા. આ દરમિયાન કોસ્મેટિક વસ્તુઓની એડ જોઈ લિંક પર ક્લિક કરતા ટેલિગ્રામ ઓપન થયું હતું. ગઠિયાઓએ પહેલા રજીસ્ટ્રેશનના નામે ૧૯૯ રૂપિયા અને ત્યારબાદ પ્રોડક્ટ ઓર્ડર તથા મેમ્બરશીપના નામે ૧૫૦૦ અને ૮૭૭૭ રૂપિયા પડાવ્યા હતા.

યુવકે જ્યારે પોતાનું બેંક એકાઉન્ટ ચેક કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેની જાણ બહાર ૮૭૭૭, ૭૦૦૦ અને ૮૭૭૭ રૂપિયાના ત્રણ ટ્રાન્ઝેક્શન થઈ ગયા હતા. આ રીતે ટુકડે-ટુકડે કુલ ૩૫,૦૩૦ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.

દાણીલીમડામાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી ૨૭ વર્ષીય યુવતીએ ૧૫ એપ્રિલના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક પ્રોફાઈલ પરથી ૧૦૦૦ રૂપિયાના કપડાંનો ઓર્ડર આપ્યો હતો. ઠગે બિલીંગ પ્રોસેસ અટકી ગઈ હોવાનું અને જીએસટી રિફંડના બહાના કાઢીને વિશ્વાસ જીતવા નકલી ઈન્વોઈસ મોકલ્યું હતું. રિફંડ કાર્ડ રિન્યુ કરવા અને અન્ય ટેકનિકલ કારણો આપી યુવતી પાસેથી વારંવાર પેમેન્ટ કરાવ્યું હતું.

યુવતી પાસેથી કુલ ૨૩,૦૪૦ રૂપિયા પડાવી લીધા બાદ વધુ ૧૧,૫૦૦ રૂપિયાની માંગણી થતા તેને છેતરાયાનો અહેસાસ થયો હતો. આ બંને કિસ્સામાં ભોગ બનનારાઓએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.