Western Times News

Gujarati News

રાજસ્થાનના સાગવાડામાં 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું કરાયું આયોજન સંપન્ન

મોડાસા: અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના તત્વાવધાનમાં ગાયત્રી શક્તિપીઠ શ્રીરામ નગર દ્વારા તેમજ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે. પટેલની અધ્યક્ષતામાં અને મુખ્ય અતિથિ તરીકે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની હાજરીમાં 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ, પાટોત્સવ, સંસ્કાર ઉત્સવ શિક્ષક સન્માન અને શ્રીરામ ગુરૂકુળમ ભવનના શિલાન્યાસને લઈ સોમવારથી ગાલિયાકોટ રોડ પર સ્થિત ગાયત્રી શક્તિપીઠમાં ચાર દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.


આ સમગ્ર કાર્યક્રમ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ તેમજ પાટીદાર સમાજના અગ્રણી સી.કે. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ 19 ફેબ્રુઆરીના રોજ હાજરી આપી હતી. જેમનું જી.ડી. પટેલ (સમાજસેવી તેમજ મુખ્ય પ્રબંધ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ કોટા) તેમજ ગાયત્રી યજ્ઞમાં ઉમટી પડેલા અસંખ્ય લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગાયત્રી શક્તિપીઠ શ્રીરામ નગરના 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞમાં સી.કે. પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા ખાસ હાજરી આપવામાં આવી હતી અને યજ્ઞમાં આહુતી પણ આપી હતી. મુખ્ય મહેમાન તરીકે પધારેલા લોકસભાના સ્પીકર ઓમ બીરલાનું વિશ્વ ગુજરાતી સમાજના અધ્યક્ષ સી.કે. પટેલ સહિત દિલીપ કાનાણી, એમ.એ.પટેલ, વજુભાઈ પરસાણા, સુધીર એસ. રાવલ દ્વારા મોમેન્ટો આપી શુભેચ્છાઓની આપ લે કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે સી.કે. પટેલે જણાવ્યું હતું કે, ‘મારું આ સૌભાગ્ય છે કે સમગ્ર દુનિયામાં જેની પ્રતિષ્ઠા બહુમૂલ્ય છે એવા વિશ્વ ગુજરાતી સમાજના અધ્યક્ષની જવાબદારી મળ્યા બાદ અધ્યક્ષ હોવાના નાતે મારો પહેલો કાર્યક્રમ માં ગાયત્રીની કૃપા જ્યાં અનંત છે, પરમ પૂજનીય ગુરૂદેવ શ્રીરામ શર્મા આચાર્યના યુગ નિર્માણ સંકલ્પ અંતર્ગત જ્યાં પવિત્ર અભિયાન ચાલી રહ્યું છે અને 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું સ્વર્ણિમ અવસર છે એવી પવિત્ર ભૂમિ પર પાવન મહાનુભાવો અને ભક્તજનો સમક્ષ થઈ રહ્યો છે.’
‘ગુરૂદેવ શ્રીરામ શર્મા આચાર્યની યુગ નિર્માણ યોજના અને વિશ્વભરમાં તમારા જેવા કરોડો ભક્તજન જે ઘણા દાયકાઓથી અભિયાન ચલાવી રહ્યા છે તે અસાધારણ છે. મેં જ્યાં સુધી ગૂરદેવને જાણ્યા છે, વાંચ્યા છે…તેમના માટે સ્વર્ગ, મુક્તિ, સિદ્ધિ અને વિભૂતિ જેવી આકાંક્ષાઓ મહત્વપૂર્ણ નહોતી. તેમના માટે તો પરમાત્માની આજ્ઞા અનુસાર નિરંતર જનસેવા કરતા રહેવું એ જ જીવનનું લક્ષ્ય હતું.’
સમારોહમાં સમગ્ર પ્રાંતના શિક્ષકોએ ભાગ લીધો હતો. તેમાં શ્રીરામ આચાર્યના જીવન પર આધારિત ચિત્ર પ્રદર્શની લગાવવામાં આવી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાઓ તેમજ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.