ભારતની ડેટા સેન્ટર ક્ષમતા વર્ષ 2031 સુધીમાં લગભગ 6 ગણી વધીને 10.5 GW થવાની શક્યતા
ડેટા સેન્ટરની વધારાની ક્ષમતા સાથે જોડાયેલ ઔદ્યોગિક મૂડી ખર્ચ (Capex) આશરે $60 અબજ (આશરે ₹5 લાખ કરોડ) રહેવાનો અંદાજ છે,
નવી દિલ્હી, 2 મે 2026 : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધતા ઉપયોગ અને ડેટા લોકલાઇઝેશન (માહિતીના સ્થાનિક સંગ્રહ) ની નીતિઓને કારણે માંગમાં વધારો થતા, ભારતની ડેટા સેન્ટર ક્ષમતા નાણાકીય વર્ષ 2031 સુધીમાં 1.8 GW થી લગભગ છ ગણી વધીને 10.5 GW થવા જઈ રહી છે, તેમ એક નવા અહેવાલમાં જણાવાયું છે.
ઇન્વેસ્ટમેન્ટ બેંક ‘મોર્ગન સ્ટેન્લી’ના અહેવાલ મુજબ, અંદાજિત ક્ષમતામાંથી આશરે 6.8 GW જેટલો હિસ્સો માત્ર AI વર્કલોડનો હોઈ શકે છે. આ ઉપરાંત લો-લેટન્સી પ્રોસેસિંગની વધતી માંગ, ડેટા સંગ્રહના કડક નિયમો અને વધતી જતી કમ્પ્યુટિંગ તીવ્રતા પણ આ વૃદ્ધિ પાછળના મુખ્ય પરિબળો છે.
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, ભૌગોલિક રાજકીય ફેરફારો અને ભારતનું મજબૂત નિયમનકારી માળખું ડેટા સેન્ટર્સમાં લાંબા ગાળાના રોકાણ ચક્રને વેગ આપી રહ્યા છે. ડેટા સેન્ટરની વધારાની ક્ષમતા સાથે જોડાયેલ ઔદ્યોગિક મૂડી ખર્ચ (Capex) આશરે $60 અબજ (આશરે ₹5 લાખ કરોડ) રહેવાનો અંદાજ છે, જેમાં જમીન, પાવર સિસ્ટમ્સ, કૂલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્કિંગ સાધનોનો સમાવેશ થાય છે.
પાવર ઇકોસિસ્ટમ માટે એવું કહેવામાં આવ્યું છે કે, ઉર્જા-સઘન સુવિધાઓને ટેકો આપવા માટે $20 અબજ થી વધુના રોકાણની જરૂર પડશે, જેમાં ઓપરેટરો વધુને વધુ રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઉર્જા) અને સ્ટોરેજ સોલ્યુશન્સ તરફ વળી રહ્યા છે.
અહેવાલમાં હાઇલાઇટ કરવામાં આવ્યું છે કે, ડેટા લોકલાઇઝેશનની શરતો, ડેટા સેન્ટર્સને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો અને નાણાકીય પ્રોત્સાહનો જેવા નીતિગત પગલાં મૂડી નિર્માણને વેગ આપી રહ્યા છે અને વૈશ્વિક હાઇપરસ્કેલર્સને આકર્ષી રહ્યા છે. “વ્યૂહાત્મક રીતે, સ્થાનિક ડેટા સ્ટોરેજ ડિજિટલ સાર્વભૌમત્વ વધારે છે, વિદેશી માળખાગત સુવિધાઓ પરની નિર્ભરતા ઘટાડે છે અને ભારતને વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ માટે પ્રાદેશિક હબ તરીકે સ્થાપિત કરે છે,” તેમ રિપોર્ટમાં ઉમેર્યું હતું.
જોકે, રિપોર્ટમાં આવા ઝડપી વિસ્તરણ સામેના પડકારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વસનીય અને સસ્તો વીજ પુરવઠો મેળવવો તેમજ અત્યાધુનિક કમ્પ્યુટિંગ હાર્ડવેર માટે ભારતની આયાત પરની નિર્ભરતા સામેલ છે.
મોર્ગન સ્ટેન્લીએ જણાવ્યું હતું કે 2030 સુધીમાં ભારતમાં થનારા કુલ વધારાના મૂડી ખર્ચના આશરે 60 ટકા હિસ્સો એનર્જી ટ્રાન્ઝિશન, ડેટા સેન્ટર્સ અને સંરક્ષણ (Defence) ક્ષેત્રે ફાળવવામાં આવે તેવી શક્યતા છે. મધ્ય પૂર્વના સંઘર્ષ અને અન્ય કારણોસર ભારત આગામી પાંચ વર્ષમાં આ ક્ષેત્રોમાં $800 અબજ નો સંચિત મૂડી ખર્ચ જોશે અને ભારતનો રોકાણ દર નાણાકીય વર્ષ 2030 માં જીડીપી (GDP) ના 37.5 ટકાને સ્પર્શી જશે.
