Western Times News

Gujarati News

કેન્યાથી બે નર અને બે માદા ચિત્તા ગુજરાત લાવવામાં આવશે

ભુજ, ગુજરાતની ધરતી પર ચિત્તાની ઘરવાપસી માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન આૅથોરિટીએ લીલીઝંડી આપતા હવે ટૂંક સમયમાં ચિત્તા ગુજરાતમાં જોવા મળશે. કચ્છના બન્ની ઘાસિયા વિસ્તારમાં ચિત્તાને લાવવામાં આવનાર હોવાની વાત ચાલી રહી છે.

જેમાં ૨ નર અને ૨ માદા ચિત્તા જુલાઈ-ઓગસ્ટ સુધીમાં ગુજરાતની ધરતી પર પગ મૂકે તેવી શક્્યતાઓ છે. જોકે, બન્ની વિસ્તારનો માલધારી સમાજ આ નિર્ણયને લઈ નાખુશ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે, જો ચિત્તા બન્ની વિસ્તારમાં વસવાટ કરશે તો તેમના પાલતુ પશુઓને ખતરો છે.

મધ્ય પ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બાદ હવે ગુજરાત ચિત્તાઓનું નિવાસસ્થાન ધરાવતું બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. કચ્છના બન્ની વિસ્તારમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ ચાર ચિત્તાઓને સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપી દીધી છે.

જોકે, અંતિમ મંજૂરી માટે કેન્દ્ર સરકારની સત્તાવાર મંજૂરી બાકી છે તે મળ્યા બાદ જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં કેન્યાથી બે નર અને બે માદા ચિત્તાઓ ગુજરાત લાવવામાં આવશે. એક વર્ષમાં તબક્કાવાર કુલ ૧૨ ચિત્તાઓને બન્નીમાં વસાવવાની યોજના છે.

ભારત સરકારે દેશમાં ચિત્તાનાં પુનઃ સ્થાપન માટે રચેલી નેશનલ સ્ટિયરિંગ કમિટી ફોર ચિત્તા સાથે સંકળાયેલા નિષ્ણાતોની ટીમે તાજેતરમાં કચ્છનાં બન્ની ઘાસિયા વિસ્તારમાં ચકાસણી હાથ ધરી હતી.

ચાર સભ્યોની ટીમે બન્ની પ્રોજેક્ટની ઝીણવટભરી ચકાસણી કરીને તેનો રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો. જેના આધારે અંતે બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાને વસાવવા માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ પ્રાથમિક તબક્કે ચાર ચિત્તા માટે મંજૂરી આપી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ ચિત્તાઓને પ્રથમ ભુજ લાવવામાં આવશે અને ત્યારબાદ બન્નીમાં ખસેડવામાં આવશે, જ્યાં દેશનું પ્રથમ સમર્પિત ચિત્તા સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર વિકસાવવામાં આવી રહ્યું છે. કુનોમાં નામિબિયાના ચિત્તાઓ લાવવામાં આવ્યા હતા જેના બદલે ગુજરાત માટેના ચિત્તાઓ કેન્યાથી લાવવામાં આવશે. અને ખુલ્લા વિસ્તારમાં છોડતા પહેલાં લગભગ એક મહિના સુધી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે.

ત્યારબાદ તેમને કેન્યાના સવાના જેવા કુદરતી પર્યાવરણને અનુરૂપ તૈયાર કરાયેલા ૫૦૦ હેક્ટરના વિશેષ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. ચિત્તા બહાર ભાગી ન જાય કે અન્ય શિકારી પ્રાણીઓ અંદર પ્રવેશી ન શકે તે માટે આશરે ૯.૮ કિલોમીટર લાંબી ચેઈન-લિંક વાડ પણ ઉભી કરવામાં આવી છે.

વિભાગ અને એનટીસીએ દ્વારા બન્નીમાં એક વિશાળ પ્રી-રિલીઝ એન્કલેવ તૈયાર કરવામાં આવ્યો છે. આ એન્કલેવમાં ચિત્તાઓના શિકાર માટે પહેલેથી જ નીલગાય, કાળિયાર, ચિંકારા જેવા તૃણભક્ષી પ્રાણીઓને મોટી સંખ્યામાં છોડવામાં આવ્યા છે. ચિત્તા અહીંના વાતાવરણમાં ઢળી જાય એ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.