Western Times News

Gujarati News

પંચમહાલઃ ૩૮ દિવસમાં ૨૫થી વધુ બાળ લગ્ન અટકાવાયા

તંત્રની કડકાઈ છતાં યથાવત રહેલા દૂષણે ચિંતા વધારી

ગોધરા, પંચમહાલ જિલ્લામાં બાળ લગ્નના કેટલીક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે જિલ્લા બાળ સુરક્ષા વિભાગે બાળ લગ્ન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં બાળ સુરક્ષા વિભાગે ગોધરા અને શહેરામાં બે બાળ લગ્ન અટકાવ્યા છે. આમ બાળ સુરક્ષા વિભાગ દ્વારા માત્ર ૩૮ દિવસમાં ૨૫થી વધુ બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે.

પંચમહાલ જિલ્લામાં ચાલી રહેલી લગ્નની સિઝન વચ્ચે બાળ સુરક્ષા વિભાગની ટીમ દ્વારા ગોધરા અને શહેરા તાલુકામાં પહોંચી બાળ લગ્નો અટકાવામાં આવ્યા છે. જેમાં છેલ્લા દોઢ મહિનામાં તંત્રએ જે કામગીરી કરી છે તે સમાજ માટે એક લાલબત્તી સમાન છે.

સત્તાવાર વિગતો મુજબ, પંચમહાલ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ગોધરામાં ૯ મે, ૨૦૨૬ના રોજ અને શહેરા તાલુકામાં ૬મેના રોજ રાત્રિના સમયે બાળ લગ્ન વિરુધ કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં જિલ્લા બાળ સુરક્ષા વિભાગની ટીમને ૧૧૨ અને ૧૦૯૮ મળેલા કોલ તેમજ ગુપ્ત બાતમીના આધારે સ્થળ પર જઈને સગીરના વાલી તેમજ ગામના આગેવાનોને કાયદાકીય સમજ આપી બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા અને વાલીઓ પાસેથી બાંયધરી પણ લેવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લામાં ૧ એપ્રિલથી લઈને ૮ મે, ૨૦૨૬ સુધી માત્ર ૩૮ દિવસના ટૂંકા ગાળામાં જિલ્લા બાળ સુરક્ષા વિભાગે ૨૫થી વધુ બાળ લગ્ન અટકાવ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈપણ વ્યક્તિ બાળ લગ્નમાં સહભાગી થશે અથવા લગ્ન કરાવશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે, વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લા બાળ સુરક્ષા વિભાગે કુલ ૨૧ બાળ લગ્નનો અટકાવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.