અમદાવાદના રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં માણસોની તંગી: LPGની તંગીથી માલિકો પરેશાન
પ્રતિકાત્મક
કર્મચારીઓને વહેલા બોલાવવા માટે ફ્લાઈટની ટિકિટ પણ ઓફર કરી હતી, પરંતુ ઈન્સેન્ટિવ અને બોનસ છતાં ઘણા લોકો હજુ પાછા ફરી શક્યા નથી.
અમદાવાદ: શહેરમાં ગરમીનો પારો ચઢવાની સાથે જ અમદાવાદના રેસ્ટોરન્ટ માલિકો માટે એક નવી મુસીબત ઊભી થઈ છે. હાલમાં લગ્નસરાની મોસમ, ચૂંટણી અને અગાઉ સર્જાયેલી LPG સિલિન્ડરની અછતને કારણે મોટાભાગનો સ્ટાફ વતન જતો રહેતા શહેરની અનેક હોટલો અને રેસ્ટોરન્ટ્સ મેનપાવરની ભારે તંગીનો સામનો કરી રહ્યા છે.
અમદાવાદના જાણીતા રેસ્ટોરન્ટ માલિક ઋષભ પુરોહિત અત્યારે લગભગ એકલા હાથે પોતાની ગુજરાતી થાળીની રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે. અખાત્રીજ અને વૈશાખ મહિનામાં પરિવારમાં લગ્ન હોવાથી મોટાભાગનો સ્ટાફ રજા પર ઉતરી ગયો છે, જ્યારે કેટલાક કર્મચારીઓ LPG સિલિન્ડરની અછત દરમિયાન થયેલી અવ્યવસ્થાને કારણે વતન પરત ફર્યા હતા.
ઋષભ પુરોહિતે જણાવ્યું હતું કે, “અત્યારે અમારી પાસે લગભગ કોઈ સ્ટાફ બચ્યો નથી. ટેબલ સર્વિસ મેનેજ કરવી અશક્ય હોવાથી અમે હાલમાં ડાઈન-ઈન (બેસીને જમવાની સુવિધા) બંધ કરી દીધી છે. અત્યારે હું પોતે બધું સંભાળી રહ્યો છું અને માત્ર લિમિટેડ ઓર્ડર પર ટેક-અવે (પાર્સલ) સુવિધા જ ચાલુ રાખી છે.”
આ સ્થિતિ માત્ર એક રેસ્ટોરન્ટની નથી. શહેરની એક સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટના માલિક સાઈ સુમંતે જણાવ્યું કે તેમના કુલ સ્ટાફના ચોથા ભાગના કર્મચારીઓ રજા પર છે. તેમણે કહ્યું, “અમારો ૫૦% સ્ટાફ રાજસ્થાનથી અને ૧૦% પશ્ચિમ બંગાળથી છે. પશ્ચિમ બંગાળનો અડધો સ્ટાફ ચૂંટણીમાં મતદાન માટે વતન ગયો છે. અમે કર્મચારીઓને વહેલા બોલાવવા માટે ફ્લાઈટની ટિકિટ પણ ઓફર કરી હતી, પરંતુ ઈન્સેન્ટિવ અને બોનસ છતાં ઘણા લોકો હજુ પાછા ફરી શક્યા નથી.”
સ્ટાફની અછતને કારણે રસોડાની કામગીરી પર માઠી અસર પડી છે. ગરમીને કારણે લોકો રાત્રિના સમયે જમવા માટે વધુ બહાર નીકળતા હોય છે, ત્યારે ઓછા શેફ, હેલ્પર અને વેઈટર્સ સાથે કામ કરવું પડકારજનક બન્યું છે. જો પરિસ્થિતિ જલ્દી નહીં સુધરે, તો રેસ્ટોરન્ટ માલિકોએ મેનૂમાં કેટલીક વાનગીઓ ઘટાડવાની (Menu Cut) પણ વિચારણા શરૂ કરી છે.
તબીબી અને વ્યવસાયિક જગતની જેમ જ હવે સર્વિસ સેક્ટરમાં પણ ‘ટેમ્પરરી વર્કર્સ’ પર વધતી નિર્ભરતા હોટલ ઉદ્યોગ માટે ઉનાળાની આ સિઝનમાં માથાનો દુખાવો સાબિત થઈ રહી છે.
