Western Times News

Gujarati News

હિંમતનગર પાલિકાના દ્વારા ગણપતિ મંદિર રોડના ટીપી રોડ પરથી ૭૦થી વધુ દબાણોનો સફાયો

(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર) હિંમતનગર નગરપાલિકામાં નવું બોર્ડ અસ્તિત્વમાં આવે તે પૂર્વ વહીવટદારના શાસન દરમ્યાન પાલિકાના ચીફ ઓફિસર તથા દબાણ વિભાગ દ્વારા બુધવારે ટીપી રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેના ભાગરૂપે ગણપતિ મંદિર વિસ્તારથી શરૂ કરીને ઉમિયા સોસાયટીથી શાંતિપાર્ક સુધી ૭૦થી વધુ કાચા-પાકા દબાણોનો સફાયો કરી દેવામાં આવતાં દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગે ચીફ ઓફિસર ઉપેદ્ર ગઢવી તથા દબાણ વિભાગના વડાના જણાવાયા મુજબ ચુંટણી અગાઉથી જ હિંમતનગર નગરપાલિકાની હદમાં દબાણ દુર કરવાનું મુલત્વી રાખવામાં આવ્યું હતું જોકે હવે સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ પૂર્ણ થઈ ગયા બાદ તેની સાથે જ આચારસંહિતા પણ સમાપ્ત થઈ ગઈ છે.

જેથી બુધવારે નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ગણપતિ મંદિરથી નિકળતા ટીપી રોડ તથા ઉમિયા સોસાયટી અને શાંતિપાર્ક વચ્ચેના નડતર રૂપ દબાણો દુર કરવા માટે આયોજન કરી દેવાયું હતું. દબાણની કામગીરી દરમ્યાન કોઈ અડચણ ન આવે તે માટે પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.

ત્યારબાદ બુધવારે નગરપાલિકાની ટીમોએ જેસીબી તથા મજુરો સાથે દબાણ દુર કરવા માટેની કાર્યવાહીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. દબાણ દરમ્યાન નગરપાલિકાની ટીમે કેટલાક મકાનોની કમ્પાઉન્ડ વોલ, પગથિયાં અને પતરાના શેડ સહિતના દબાણો હટાવાયા હતા.

દબાણ મુક્ત રોડ પર તંત્ર દ્વારા ૯ મીટર પહોળાઈ અને ૫૦૦ મીટર વિસ્તારમાં હયાત રોડ કરતાં હવે પછી તૈયાર થનાર રોડ વિશાળ હોવાને કારણે સ્થાનિકો તથા વાહન ચાલકોને અવર જવર કરવામાં કોઈ મુશ્કેલી નડશે નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.