Western Times News

Gujarati News

ભારતમાં ગરીબોની સંખ્યા ચકાસવા માટે રાષ્ટ્રવ્યાપી સર્વે શરૂ કરાયો

પ્રતિકાત્મક

નવીદિલ્હી, ભારતમાં ગરીબોની સંખ્યા ચકાસવા માટે રાષ્ટ્રવ્યાપી સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સાથોસાથ પીવાના પાણી, રાંધણગેસ, આરોગ્ય સવલતોની પણ વિગતો એકત્રીત કરવામાં આવશે. ગરીબી રેખાની વાત અભેરાઈએ ચડાવી દેવાયાના વર્ષો પછી તથા રાષ્ટ્રવ્યાપી કવાયતના આધારે ભારતમાં ગરીબોની સંખ્યાનો આંકડો મળી શકશે. સામાજીક કાર્યક્રમો નકકી કરવા માટે ગરીબી માત્રા કોઈપણ સરકાર માટે મહત્વની છે. ૨૦૧૪માં એનડીએ સરકારે ગરીબીને લગતો સી.રંગરાજન કમીટીનો રીપોર્ટ ફગાવી દીધો હતો. આ રિપોર્ટમાં આગલા અંદાજ કરતા ગરીબોની સંખ્યા ૧૦ કરોડ વધુ દર્શાવવામાં આવી હતી.

કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું છે કે, સ્ટેટેસ્ટીક એન્ડ પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને નીતિ આયોગ દ્વારા મોનીટરીંગ કરવામાં આવ્યું છે. આ સર્વેના પરિણામો યુનોને સોંપવામાં આવશે.  યુનોની કમીટી દ્વારા આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણ આધારે વિશ્વના દેશોને ગરીબીના ક્રમ આપવામાં આવતા હોય છે. નીતિ આયોગ તથા પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય વચ્ચે તાજેતરમાં બેઠક થઈ હતી. ગરીબી નકકી કરવા માટેના માપદંડો તથાગણતરી પ્રક્રિયા નકકી કરવામાં આવી હતી તેના આધારે નીતિ આયોગ ગરીબી ઈન્ડેકસ નકકી કરશે તથા સમગ્ર દેશના રાજયો-કેન્દ્ર શાસીત પ્રદેશોને ક્રમાંક આપશે. ગરીબી ક્રમાંકના આધારે રાજયો ગરીબી નાબુદી માટેના શ્રેણીબદ્ધ પગલા લેવા પ્રેરાય તેવો આશય છે. વૈશ્વિક માપદંડો અંતર્ગત માત્ર નારાકીય આવકના આધારે ગરીબી નકકી નથી થતી. આરોગ્ય, જીવનધોરણ, હિંસાના જોખમ જેવા પાસાઓને પણ લક્ષ્યમાં લેવામાં આવતા હોય છે.

કુપોષણ પણ મહત્વનુ પાસુ છે. આરોગ્યમાં બાળપોષણ-કુપોષણ, શિક્ષણમાં એનરોલમેન્ટ, જીવન ધોરણમાં પાણી-વિજળી-રાંધણગેસ સંપતિ જેવા પાસા લક્ષ્?યમાં લેવાય છે. સૂત્રોએ કહ્યું કે, પીવાના પાણી તથા સફાઈ-સ્વચ્છતાના પાસાને ગણતરી પ્રક્રિયામાં અલગ તારવી લેવામાં આવ્યા છે. કારણ કે આ સુવિધા ધરાવતા પરિવારોનો આંકડો મેળવીને તેમાં સુધારો કરવાનો ટારગેટ છે. યુનોના આંકડાકીય અંદાજ મુજબ ૨૦૦૫-૦૬માં ભારતમાં ૬૪ કરોડ ગરીબો હતા અને ૨૦૧૫-૧૬માં ૩૬.૯ કરોડ હતા. રંગરાજન કમીટીએ ૩૬.૩ કરોડ ગરીબો હોવાનો અંદાજ મુકયો હતો. જયારે તેંડુલકર કમીટીએ આંકડો ૨૬.૯ કરોડનો દર્શાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.