Western Times News

Gujarati News

અપહરણ કેસમાં ૨૪ દિવસ બાદ બંને સગીરાઓ મુક્ત

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ગુમ થયેલી બે સગીરાઓના મામલામાં નરોડા પોલીસને મોટી સફળતા મળી છે. સગીરાઓને ભગાડી જનાર બન્ને આરોપીઓને પોલીસે અલગ-અલગ જિલ્લાઓમાંથી દબોચી લીધા છે. પોલીસે બન્ને સગીરાઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પરિવારને સોંપી દીધી છે, જ્યારે આરોપીઓ વિરૂદ્ધ પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી જેલ ભેગા કર્યા છે.

આ બન્ને આરોપી સગીરાઓને લઈને અમદાવાદ બહાર નાસી ગયા હતા. પોલીસે બન્ને સગીરાઓને આ નરાધમોની ચુંગાલમાંથી હેમખેમ છોડાવી પરિવારને સુપ્રત કરી છે. પ્રેમ પ્રકરણને કારણે ઘરેથી ભાગી ગયેલી બન્ને સગીરાઓને પોલીસે સુરક્ષિત રીતે શોધી પરિવારને સોંપી છે. પોલીસે ત્રણ અલગ અલગ ટીમો બનાવી ઝડપી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન આરોપી ઉમંગ વાલાને ગાંધીધામ પૂર્વ કચ્છ ખાતેથી ઝડપી લેવાયો અને આરોપી આકાશ સોઢાને ફાગવેલ કઠલાલ ખાતેથી હસ્તગત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, નરોડામાંથી બન્ને સગીરાઓના ગુમ થયાની ગંભીર ઘટનામાં ગત ૨૪ એપ્રિલથી ફરાર હતી. જેને પગલે અગાઉ નરોડા પોલીસ સ્ટેશન ખાતે સામાજીક આગેવાનો અને પરિવારજનો પણ રજુઆત સાથે ઝડપી કાર્યવાહીની માંગણી સાથે વિરોધ નોંધાવી ચુક્્યા હતા. પરંતુ શુકવારે પોલીસને સગીરા અંગે હયુમન ઇન્ટેલિજન્સ આધારે માહિતી મળતા સગીરાઓને પરિવારને સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું સામે આવ્યું છે. જો કે, સગીરાઓ નાબાલિક હોવાના કારણે નરોડા પોલીસે કાયદાનું કડક વલણ અપનાવ્યું છે. પકડાયેલા બંને આરોપીઓ વિરૂદ્ધ પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર કલમો લગાવીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર નરોડા પંથકમાં ચિંતા અને આક્રોશ જગાવનારા આ હાઈપ્રોફાઈલ કેસમાં આખરે કાયદાનો વિજય થયો છે. દીકરીઓ સહીસલામત ઘરે પરત ફરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.