RPF અમદાવાદે આભૂષણોથી ભરેલુ પર્સ મહિલા પેસેન્જરને પરત આપ્યું
રેલવે પ્રોટેકશન ફોર્સ, અમદાવાદ મંડળ દ્વારા સરાહનીય કાર્ય- ગુમ થયેલા બાળકને સુરક્ષિત સંરક્ષણ આપવામાં આવ્યું
મહિલા મુસાફરને ખોવાયેલો કિંમતી સામાન પરત આપવામાં આવ્યો
પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ માં રેલવે પ્રોટેકશન ફોર્સ (RPF) દ્વારા મુસાફરોની સુરક્ષા અને સહાય માટે સતત સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં તા. 16 મે 2026 ના રોજ RPF અમદાવાદ મંડળ દ્વારા બે મહત્વપૂર્ણ કેસોમાં તત્પરતા અને માનવીય સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું
· RPF દ્વારા આભૂષણોથી ભરેલુ પર્સ સુરક્ષિત રીતે પરત આપ્યું
પ્રથમ ઘટનામાં રેલ મદદ પર ફરિયાદ પ્રાપ્ત થઈ કે ગાડી નંબર 22962 વંદે ભારત એક્સપ્રેસના કોચ નંબર C-8 ની સીટ નંબર 53 પર એક મહિલા મુસાફરનું લેડીઝ પર્સ રહી ગયું હતું. ફરિયાદકર્તાની પત્ની સુરત સ્ટેશન પર ઉતરી ચૂક્યાં હતાં. ફરિયાદ મળતાં જ ASI છગનલાલ અને કોન્સ્ટેબલ સમરપાલે તાત્કાલિક સંબંધિત કોચમાં જઈ તપાસ કરી અને સીટ નંબર 53 પરથી ભૂરા રંગનું લેડીઝ પર્સ મળી આવ્યું હતું. હાજર મુસાફરોની હાજરીમાં પર્સની તપાસ કરતા તેમાં ₹4300 રોકડ, એક ડેબિટ કાર્ડ અને સોનાના આભૂષણો મળ્યાં હતાં. ફરિયાદકર્તાની પત્ની શ્રીમતી શ્વેતા સાથે મોબાઇલ પર સંપર્ક કરી પર્સની ઓળખની પુષ્ટિ કરવામાં આવી. બાદમાં ગાડી નંબર 22961 વંદે ભારત એક્સપ્રેસ સુરત સ્ટેશન પર સાંજે 6:50 વાગ્યે પહોંચતાં મુસાફરને તેમનું પર્સ સુરક્ષિત અને યથાવત્ સ્થિતિમાં પરત સોંપવામાં આવ્યું હતું.
પર્સમાં કુલ અંદાજે ₹3,01,300 કિંમતનો સામાન હતો, જેમાં સોનાનું મંગળસૂત્ર, ચેઇન, કાનની બાલીઓ, અંગૂઠીઓ, બ્રેસલેટ, ઈયરબડ્સ તેમજ રોકડ રકમનો સમાવેશ થતો હતો. મુસાફર તથા તેમના પરિવારજનોએ RPFની તત્પરતા અને ઈમાનદારીની ભરપૂર પ્રશંસા કરી હતી.
· ગુમ થયેલા બાળકને સુરક્ષિત સંરક્ષણ મળ્યું
બીજી ઘટનામાં અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એક ગુમ થયેલા બાળકને સુરક્ષિત સંરક્ષણ આપવામાં આવ્યું. મુંબઈના ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં BNS-2023 ની કલમ 137(2) હેઠળ નોંધાયેલા કેસ સંદર્ભે અમદાવાદ નિરીક્ષક દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે RPF સ્ટાફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી. આ દરમિયાન LHC હેતલ સોનીને પ્લેટફોર્મ નંબર 4 પર મણિનગર તરફ એક બાળક જોવા મળ્યું હતું, જેની ઓળખ માટે મળેલા ફોટા સાથે મેળ ખાતાં તે જ બાળક હોવાનું જાણવા મળ્યું હતું.
માહિતી મળતા જ ડ્યૂટી પર રહેલા સેક્ટર ઇન્ચાર્જ ASI અરુણ સિંહ દ્વારા બાળકને RPF પોસ્ટ અમદાવાદ ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ સંબંધિત કેસના તપાસ અધિકારી PSI ઘનશ્યામ દરેકર, મુંબઈ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. જરૂરી કાગળપત્રોની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાળકને પ્રયાસ જુવેનાઇલ સહાયતા કેન્દ્ર સોસાયટી, સરસપુરના સુપરિન્ટેન્ડન્ટને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો.
