Western Times News

Gujarati News

સાયન્સ સિટીમાં ‘નેશનલ વર્કશોપ ઓન ગ્રાસરૂટ્સ ઇનોવેશન પાથવે’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ અને ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિ

જ્યારે આપણે ઘરો સુધી સીમિત પાયાના સંશોધનોને આધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગો સાથે જોડીશું, ત્યારે આ લોકલ ઇનોવેશન્સ દેશના વિકાસ માટે એક સબળ ચાલકબળ સાબિત થશે :- કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ

વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયથી લોકલ ઇનોવેશન્સ અને ટ્રેડિશનલ વિઝડમને ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડવા મહત્વપૂર્ણ નેશનલ વર્કશોપનો શુભારંભ

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ અને ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશનલ વર્કશોપ ઓન ગ્રાસરૂટ્સ ઇનોવેશન પાથવે: ફ્રોમ લોકલ રેઝિલિયન્સ ટુ નેશનલ એડવાન્સમેન્ટ્સનો વિધિવત પ્રારંભ થયો છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (એન.આઈ.એફ.) દ્વારા આયોજિત આ બે દિવસીય નેશનલ વર્કશોપનો મુખ્ય આશય દેશના અંતરિયાળ વિસ્તારોમાં છુપાયેલા ઇનોવેટર્સ અને તેમની ક્ષમતાઓને મજબૂત નેશનલ ગ્રોથ સાથે જોડવાનો છે. 

૧૯ અને ૨૦ મે ૨૦૨૬ દરમિયાન યોજાનારી આ ઇવેન્ટમાં એગ્રીકલ્ચર, વોટર કન્ઝર્વેશન, હેલ્થકેર, રૂરલ લાઈવલીહુડ અને ક્લાઈમેટ રેઝિલિયન્સ જેવા ક્ષેત્રોમાં સ્થાનિક સ્તરે થતા નવતર પ્રયોગોને વ્યવસ્થિત સપોર્ટ સિસ્ટમ પૂરી પાડવા પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે આ નેશનલ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર કરી હતી. જેના લીધે ગુજરાત સાયન્સ સિટી આજે રાષ્ટ્રીય સ્તરના આયોજનો માટે આદર્શ  પ્લેટફોર્મ બની રહ્યું છે. 

નેશનલ વર્કશોપ ઓન ગ્રાસરૂટ્સ ઇનોવેશન પાથવેએક અત્યંત મૌલિક અને મહત્વનો વિષય છે એમ જણાવીને કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, ભારત પાસે અદ્ભુત હ્યુમન રિસોર્સ છે અને દેશના અડધાથી વધુ સફળ સ્ટાર્ટઅપ્સ આજે ટીયર-૨ અને ટીયર-૩ શહેરોમાંથી આવી રહ્યા છે, જેમની ક્ષમતા કે શોધ કોઈ ડિગ્રીની મોહતાજ નથી. હવે આપણી જવાબદારી એ છે કે ઘરો કે નાના પરિવારો સુધી સીમિત રહેલા આ પાયાના સંશોધનોને  કટિંગ એજ ટેકનોલોજી સાથે જોડીને તેમાં વેલ્યુ એડિશન કરવું, તેને સ્કેલ અપ કરવું અને તેને ઇન્સ્ટિટ્યુશનલ ફોર્મેટમાં લાવીને કોમ્યુનિટી ઇનોવેશનનો દરજ્જો આપવો. આ માટે ઇન્ફોર્મલ અને ફોર્મલ ઇકોસિસ્ટમ વચ્ચે કન્વર્જન્સ લાવવું પડશે, જેમાં સરકાર ઉપરાંત પ્રાઇવેટ સેક્ટર અને ઇન્વેસ્ટર્સની ભાગીદારી પણ એટલી જ અનિવાર્ય છે. 

પીએમ વિશ્વકર્મા યોજનાનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નવીન પહેલો થકી પરંપરાગત હુનરને નવી ટેકનોલોજી સાથે જોડીને રોજગારી વધારવાનું ઉત્તમ માધ્યમ છે. દેશના અંતરિયાળ વિસ્તારોમાં છુપાયેલી સ્થાનિક પ્રતિભાઓને આગળ લાવીને પ્રાદેશિક અસમાનતા દૂર કરી શકાય છે. વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણમાં દેશના આ તમામ નાના ઇનોવેટર્સનું યોગદાન અત્યંત મૂલ્યવાન સાબિત થશે એમ તેમણે ઉમેર્યું હતું.

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. દેશમાં સાડા ત્રણ લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે, પરંતુ આજના સમયમાં ગ્રાસરૂટ્સ ઇનોવેશન એટલે કે પાયાના સંશોધનોનું મહત્વ ખૂબ વિશેષ છે. આપણી માતા-બહેનો, ખેડૂતો અને પરંપરાગત કારીગરો જેવા કે લુહાર અને સુથારે હંમેશા પોતાની સૂઝબૂઝથી સ્થાનિક સ્તરે નવતર પ્રયોગો કરીને માનવ જીવનને સરળ બનાવ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ ગ્રામીણ વિસ્તારમાં બનેલું વલોણું યંત્ર છે. આવા પરંપરાગત જ્ઞાન અને કલાને, જેમ કે પાટણના પટોળા અને સુરેન્દ્રનગરના વણાટકામની સંસ્કૃતિને સાચવી રાખવી અને તેને આધુનિક ડિઝાઇન ઇન્ટરવેન્શન તથા માર્કેટ લિંકેજ પૂરું પાડીને ઇન્સ્ટિટ્યુશનલ ફોર્મેટમાં લાવવું અનિવાર્ય છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ (NEP) વિદ્યાર્થીઓમાં આવી ક્રિએટિવિટી અને ઇનોવેશનને બહાર લાવવા પર જ ભાર મૂકે છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દરેક નાગરિક અને યુવા કૌશલ્યવાન બને તે જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાત આજે સેમિકન્ડક્ટર, બાયોટેકનોલોજી (BSL-4 લેબ) અને સ્પેસ સેક્ટરમાં સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં દેશભરમાં અગ્રેસર રહ્યું છે, ત્યારે ગ્રામીણ અને પાયાના સંશોધનો સ્થાનિક સ્તરે જ રોજગારીની નવી તકોનું સર્જન કરશે, જેનાથી શહેરો તરફનું સ્થળાંતર અટકશે અને દેશના જીડીપી (GDP)માં પણ મોટું યોગદાન મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બે દિવસીય નેશનલ વર્કશોપમાં સ્થાનિક સંશોધનોના આઇડેન્ટિફિકેશન, વેલિડેશન, ઇન્ક્યુબેશન, આઇપીઆર પ્રોટેક્શન અને સ્કેલિંગ માટે ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરવામાં આવશે. આ નેશનલ વર્કશોપમાં વિવિધ ગ્રાસરૂટ્સ ઇનોવેશન મોડલ્સ અને ઇન્ટર-સ્ટેટ કોલેબોરેશન વધારવા અંગે સત્રો યોજાશે, જે સ્થાનિક ઇનોવેશન્સને સ્કેલેબલ નેશનલ સોલ્યુશન્સમાં પરિવર્તિત કરવા માટે ઉપયોગી રોડમેપ તૈયાર કરશે. આ પ્લેટફોર્મના માધ્યમથી ઇનોવેટર્સને પોલિસીમેકર્સ, ઇન્વેસ્ટર્સ અને રિસર્ચર્સ સાથે સીધા કનેક્ટ કરીને સસ્ટેનેબલ અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ તરફ આગળ વધવાના પ્રયાસો હાથ ધરાશે. 

આ વર્કશોપમાં ભારતની ઇનોવેશન ઇકોસિસ્ટમનું પ્રતિનિધિત્વ કરતા આશરે ૨૦૦ જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા છે. જેમાં દેશભરના વિવિધ સ્ટેટ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલના મેમ્બર્સ, અગ્રણી ટેકનોલોજી ઇન્ક્યુબેટર્સના પ્રતિનિધિઓ તેમજ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. 

નીતિ આયોગના પૂર્વ સભ્ય અને DRDO ના પૂર્વ ચેરમેન ડૉ. વી. કે. સારસ્વત, INSA ના પૂર્વ પ્રેસિડેન્ટ અને પૂર્વ કેન્દ્રીય DST સચિવ પ્રો. આશુતોષ શર્મા અને એન.આઈ.એફ.ના અધ્યક્ષ પ્રો. અનિલ સહસ્રબુદ્ધેએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. ગુજકોસ્ટના સલાહકાર ડૉ. નરોત્તમ સાહૂએ સ્વાગત ઉદબોધન કરતા સૌને આવકાર્યા હતા તથા નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર પ્રો. વિવેક કુમાર સિંઘે આભાર પ્રવચન કર્યું હતું. 

વક્તાઓએ ઇનોવેશન મોડલ્સ શેર કરવા, ઇન્ટર-સ્ટેટ કોલેબોરેશન વધારવા અને સ્થાનિક શોધોને નેશનલ સ્કેલેબલ સોલ્યુશન્સમાં પરિવર્તિત કરીને દેશના સસ્ટેનેબલ અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટમાં ફાળો આપીને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં 

 આ નેશનલ વર્કશોપને મહત્વનું પ્લેટફોર્મ ગણાવી હતી.

આ પ્રસંગે દેશના નામાંકિત વૈજ્ઞાનિકો, ગ્રાસરૂટ ઇનોવેટર્સ તેમજ ઉચ્ચ અધિકારીઓ આ પ્રસંગે હાજર રહીને ઇનોવેટર્સ પ્રોત્સાહિત કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.