Western Times News

Gujarati News

વિશ્વ જંગલરાજ તરફ વધી રહ્યું છે, યુદ્ધ રોકવાં જરૂરી : જિનપિંગ

પુતિન સમક્ષ જિનપિંગની ચેતવણી

પશ્ચિમ એશિયાના સંકટ દરમિયાન ચીન અને રશિયા વચ્ચે બેઇજિંગમાં મહત્વના ૨૦ કરાર થયા

બેઇજિંગ,પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયેલના સૈન્ય તણાવની વચ્ચે ચીનમાં રાજકીય ગતિવિધિ તેજ થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીનની મુલાકાત લીધી છે. બુધવારે બેઇજિંગના ‘ગ્રેટ હોલ ઓફ ધ પીપલ’ ખાતે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી અને બંને દેશો વચ્ચે ૨૦ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ચીનના મીડિયા અહેવાલ અનુસાર, જિનપિંગે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને તાત્કાલિક રોકવા માટે આહવાન કર્યું હતું.

રાષ્ટ્રપતિ જિનપિંગે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, એકતરફી સૈન્ય કાર્યવાહી અને લાંબા સમય સુધી ચાલતું યુદ્ધ વૈશ્વિક સમુદાયને એવા કપરા કાળ તરફ ધકેલી શકે છે જ્યાં આંતરરાષ્ટ્રીય નિયમો નબળા પડી જાય. આવી પરિસ્થિતિમાં યુદ્ધવિરામ કરવો અત્યંત અનિવાર્ય છે. ચીનના રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યું કે, અમે વૈશ્વિક શાસનની એક નવી, વધુ તાર્કિક તેમજ ન્યાયી પ્રણાલીના નિર્માણ માટે અને વિશ્વને સમૃદ્ધિ તરફ દોરી જવા માટે (રશિયા સાથે) ખભેખભા મિલાવીને કામ કરવા તૈયાર છીએ.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, હવે વૈશ્વિક સ્તરે બહુધ્›વીય વ્યવસ્થા અમલી બનવી જોઈએ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નવા અભિગમો અપનાવવા જોઈએ.આ સિવાય, બંને નેતાઓએ રશિયા-ચીન વ્યુહાત્મક સંબંધોની ૩૦મી વર્ષગાંઠ અને મૈત્રીપૂર્ણ સહયોગ કરારની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરી હતી. જિનપિંગે જણાવ્યું કે રાજકીય પરસ્પર વિશ્વાસ અને આંતરરાષ્ટ્રીય ન્યાયની સુરક્ષાને કારણે બંને દેશોના સંબંધો આજે આ ઊંચાઈએ પહોંચ્યા છે. બેઠકના અંતે પુતિન અને જિનપિંગે વ્યાપક ભાગીદારી અને વ્યૂહાત્મક સહયોગને મજબૂત કરવા સંબંધિત જોઈન્ટ ડિકલેરેશન પર હસ્તાક્ષર કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.