Western Times News

Gujarati News

કાયદાકીય રક્ષણ અને સરકારી યોજનાઓથી બાવળા તાલુકાની મહિલાઓને માહિતગાર કરાઈ

બલદાણા ગામે યોજાયેલ મહિલા જાગૃતિ સેમિનારમાં ઘરેલું હિંસા અને મહિલા અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની પહેલ થકી મહિલાઓ માટે કાર્યક્રમ સંપન્ન કરાયો

અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બાવળા તાલુકાના બલદાણા ગામ ખાતે સ્થાનિક ગૃહિણીઓ અને મહિલાઓ માટે ઘરેલું હિંસા અધિનિયમ અંગે એક વિશેષ જાગૃતિ સેમિનાર સફળ રીતે યોજવામાં આવ્યો હતો.

આ ખાસ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને તેમના કાયદાકીય અધિકારો, સુરક્ષાત્મક જોગવાઈઓ અને વિવિધ સરકારી સહાય યોજનાઓથી માહિતગાર કરી તેમનું સશકતીકરણ કરવાનો હતો.

આ સેમિનારમાં પેરા લીગલ વોલન્ટિયર (PLV) શ્રી હાર્દિકભાઈએ ઉપસ્થિત રહીને ઘરેલું હિંસા અધિનિયમ-2005 હેઠળ મહિલાઓને મળતા કાયદાકીય રક્ષણ, કાનૂની ફરિયાદની પ્રક્રિયા, ઉપલબ્ધ સહાય સેવાઓ અને ન્યાયિક ઉપાયો અંગે ઉપસ્થિત મહિલાઓને વિસ્તૃત કાનૂની માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

આ સાથે જ દહેજ પ્રતિબંધક અધિકારી સુશ્રી તન્વી એમ. ચાવડા દ્વારા પણ મહિલાઓ સામે થતા દહેજ સંબંધિત અત્યાચારો, તેને રોકવા માટેની કડક કાયદાકીય જોગવાઈઓ તેમજ સમાજમાં મહિલાઓના સમાન અધિકારો અંગે અત્યંત માહિતીસભર અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના દ્વિતીય ચરણમાં “સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન” યોજના અંતર્ગત જિલ્લા મિશન કોઓર્ડિનેટર શ્રી જીતેશ સોલંકી તથા સુશ્રી હેમલ બારોટ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકાતી વિવિધ કલ્યાણકારી, સુરક્ષા અને આર્થિક સશક્તિકરણ સંબંધિત યોજનાઓનો ચિતાર રજૂ કરાયો હતો. તેમણે ગ્રામીણ મહિલાઓને સ્વનિર્ભર બનવા માટે સરકારની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરી હતી.

આ જાગૃતિ સેમિનારમાં બલદાણા ગામની સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહી હતી અને પોતાના અધિકારો તેમજ સરકારી યોજનાઓ વિશે ખૂબ જ રસપૂર્વક માહિતી મેળવી હતી. 

કાર્યક્રમના અંતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના પ્રતિનિધિઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભવિષ્યમાં પણ મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવાના ઉદ્દેશ્ય સાથે આવા સશકતીકરણ કાર્યક્રમો સતત યોજવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.