ટાટા પાવર ભૂતાનમાં 5,000 મે.વો. સ્વચ્છ ઊર્જા ક્ષમતા વિકસાવવા મદદ કરશે
ટાટા પાવર અને ડ્રક ગ્રીન પાવર કોર્પોરેશને 5,000 મે.વો. સ્વચ્છ ઊર્જા ક્ષમતા વિકસાવવા કૌશલ્ય વિકાસની ઈકોસિસ્ટમના નિર્માણ માટે સમજૂતી કરાર કર્યાં
આ વ્યૂહાત્મક ભાગીદારીનો ઉદ્દેશ્ય હેઠળ મોટા કદના સ્વચ્છ ઊર્જા પ્રોજેક્ટ્સની દેખરેખ અને કામકાજ સંભાળવા માટે ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ કુશળ કર્મચારીઓ તૈયાર કરવાનો છે
- ભૂતાનની રાજધાની થિમ્ફુ ખાતે કરાયેલા આ સમજૂતી કરારના સમારંભમાં ભૂતાનના માનનીય વડાપ્રધાન લ્યોનછેન શેરિંગ તોબગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
- આ તમામ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ટાટા પાવર સ્કીલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પૂરા પાડવામાં આવશે
અમદાવાદ / થિમ્ફુઃ 18 મે 2026: ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓ પૈકીની એક, ટાટા પાવર અને ભૂતાનની એકમાત્ર વીજ ઉત્પાદક કંપની ડ્રક ગ્રીન પાવર કોર્પોરેશન (DGPC) વચ્ચે ભૂતાનના થિમ્ફુ ખાતે બંને દેશો વચ્ચે કૌશલ્ય વિકાસ માટે એક વ્યાપક ઇકોસિસ્ટમ તૈયાર કરવા એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ કરાર હેઠળ તાલીમનું વ્યવસ્થિત માળખું તૈયાર કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ કુશળ કર્મચારીઓ તૈયાર કરવાનો છે. આ કર્મચારીઓ સ્વચ્છ ઊર્જા પ્રોજેક્ટ્સના સંયુક્ત વિકાસ માટે ટાટા પાવર અને DGPC વચ્ચેની ભાગીદારી હેઠળની તાત્કાલિક અને લાંબા ગાળાની જરૂરિયાતોને પૂરી કરશે.
આ કરાર પર હસ્તાક્ષર કરવા માટેના સમારંભમાં ભૂતાનના માનનીય વડાપ્રધાન લ્યોનછેન શેરિંગ તોબગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કરાર પર ટાટા પાવરના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ડો. પ્રવીર સિંહા અને DGPC ના મેનેજિંગ ડિરેક્ટર દાશો છીવાંગ રિનઝિન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમારંભમાં ટાટા પાવરના પ્રેસિડેન્ટ-જનરેશન સુશ્રી અંજલિ પાંડે સહિત ટાટા પાવર, DGPC અને સંબંધિત સંસ્થાઓના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.
વીજ ક્ષેત્રે કૌશલ્યની તાલીમ આપવાના પોતાના બહોળા અનુભવ અને કુશળતાનો ઉપયોગ કરીને, ટાટા પાવર સ્કીલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (TPSDI) દ્વારા આ તમામ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ પૂરા પાડવામાં આવશે.
ટાટા પાવરના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ડો. પ્રવીર સિંહાએ જણાવ્યું હતું કે, “DGPC સાથેની આ ભાગીદારી, ભૂતાનના વૃદ્ધિ પામી રહેલા સ્વચ્છ ઊર્જા ક્ષેત્ર માટે ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ પ્રતિભાઓની ઇકોસિસ્ટમ તૈયાર કરવાના અમારા સામૂહિક વિઝનને દર્શાવે છે. પાવર સેક્ટરમાં તાલીમ આપવાના પોતાના મજબૂત અનુભવ અને વિશ્વસનીયતાનો ઉપયોગ કરીને, ટાટા પાવર સ્કીલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (TPSDI) સુરક્ષિત કામગીરી, નવી ટેકનોલોજી અને પ્રોજેક્ટ્સની દેખરેખ તેમજ જાળવણીમાં સંપૂર્ણ કુશળતા ધરાવતા વ્યાવસાયિકો તૈયાર કરવામાં મદદ કરશે.
આ કાર્યક્રમોના અસરકારક અમલીકરણ માટે ટાટા પાવર TPSDI દ્વારા ટેકનિકલ કુશળતા, તાલીમ માટેનું માળખું, અભ્યાસક્રમ અને માન્યતા માટે સપોર્ટ પૂરો પાડશે. જ્યારે DGPC તાલીમાર્થીઓને એકત્રિત કરવા અને તેમને તૈનાત કરવાની જવાબદારી સંભાળશે, જેથી આ કરાર અને તે પછીના અંતિમ કરારો હેઠળ કામગીરી સરળતાથી થઈ શકે.
ભૂતાન સરકાર અને ત્યાંના સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી તમામ જરૂરી મંજૂરીઓ મેળવવાની જવાબદારી DGPC ની રહેશે, જ્યારે ટાટા પાવર ભારત સરકાર પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવશે.
DGPCના મેનેજિંગ ડિરેક્ટર દાશો છેવાંગ રિનઝિને જણાવ્યું હતું કે, “આ સમજૂતી કરાર 5,000 મેગાવોટ સ્વચ્છ ઊર્જા ક્ષમતા વિકસાવવા માટે ચાલી રહેલી ભાગીદારી અંતર્ગત જરૂરી સ્થાનિક ક્ષમતાઓને મજબૂત કરવા તરફનું એક વ્યવહારુ પગલું છે. DGPC ભૂતાનના સંબંધિત સત્તાધિકારીઓ અને હિતધારકો સાથે મળીને તાલીમની જરૂરિયાત ઓળખવા, જ્યાં યોગ્ય હોય ત્યાં તાલીમાર્થીઓને એકત્રિત કરવા અને આ કાર્યક્રમ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને ટેકો આપે તેમજ ભૂતાનની રોયલ સરકારના વ્યાપક કાર્યબળ વિકાસના પ્રયાસોને પૂરક બને તે સુનિશ્ચિત કરવા માટે કામ કરશે.
આ કરાર હેઠળ પ્રસ્તાવિત સ્કીલ ડેવલપમેન્ટની પહેલોને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે:
પ્રથમ તબક્કો: સાઇટ પર પ્રવેશતા પહેલાં કર્મચારીઓની સજ્જતા સુનિશ્ચિત કરવા માટે, પ્રોજેક્ટના કામદારો માટે ફરજિયાત સેફ્ટી ઇન્ડક્શન પ્રોગ્રામ્સ સહિતની ત્વરીત સુરક્ષા તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
બીજો તબક્કો: પ્રોજેક્ટના બાંધકામની જરૂરિયાતોને અનુરૂપ ટેકનિકલ કૌશલ્ય વિકાસનું વિસ્તરણ કરવું, જેમાં કન્સ્ટ્રક્શન, મટીરીયલ હેન્ડલિંગ અને અર્થ-મુવિંગ ઇક્વિપમેન્ટ્સના સંચાલનની તાલીમનો સમાવેશ થાય છે.
ત્રીજો તબક્કો: સ્વચ્છ ઊર્જા પ્રોજેક્ટ્સની લાંબા ગાળાની દેખરેખ, સંચાલન અને જાળવણી માટે ખાસ પ્રકારની વિશેષ ક્ષમતાઓ અને કુશળતા વિકસાવવી.
વીજ ક્ષેત્રમાં રહેલી કુશળતાની અછતને દૂર કરવા માટે ટાટા પાવર સ્કીલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (TPSDI)ની સ્થાપના કરવામાં આવી હતી. જે ઉદ્યોગોને અનુરૂપ અને મોડ્યુલર ટ્રેઈનિંગ તેમજ સર્ટિફિકેશન કાર્યક્રમો ચલાવે છે. TPSDI સુરક્ષા તાલીમ આપવા, મૂલ્યાંકન કરવા અને સંયુક્ત પ્રમાણપત્રો જારી કરવા માટે નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (NSC) દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા છે. નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) ના એક મંજૂર તાલીમ ભાગીદાર અને નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (NCVET) દ્વારા માન્યતા પ્રાપ્ત ડ્યુઅલ એવોર્ડિંગ બોડી તરીકે, TPSDI સમગ્ર ભારતમાં એક મજબૂત તાલીમ નેટવર્ક ચલાવે છે. આ સંસ્થા સમગ્ર પાવર વેલ્યુ ચેઇનમાં પ્રેક્ટિકલ તાલીમ આપે છે, જેમાં થર્મલ, હાઇડલ અને રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી જેવી કે સોલાર, વિન્ડ અને ગ્રીન હાઇડ્રોજનનો સમાવેશ થાય છે.
આ સમજૂતી કરાર ભૂતાનના સ્વચ્છ ઊર્જા ક્ષેત્રના વિકાસ માટે જરૂરી કૌશલ્યો વિકસાવવાની દિશામાં એક સહયોગી અને વ્યવહારુ અભિગમને દર્શાવે છે, જેમાં DGPC ભૂતાનના સંબંધિત સત્તાધિકારીઓ સાથે મળીને કામ કરશે અને ટાટા પાવર ટેકનિકલ ટ્રેનિંગ સપોર્ટ પૂરો પાડશે.
