૩૫ લાખથી વધુ યુઝર્સ, ૬ લાખ ડ્રાઇવર્સ: ‘ભારત ટેક્સી’ એ શહેરોમાં પોતાની પકડ મજબૂત કરી
પ્લેટફોર્મ સાથે જોડાયેલા ડ્રાઇવરોની માસિક આવકમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો થયો-મુસાફરો પણ સરેરાશ લગભગ ૧૫ ટકા ઓછું ભાડું ચૂકવી રહ્યા છે.
ગાંધીનગર, ૨૮ મે: ચાલુ વર્ષની શરૂઆતમાં ડ્રાઇવરોની માલિકીની સહકારી મોબિલિટી સોસાયટી તરીકે શરૂ થયેલી ‘ભારત ટેક્સી’ (Bharat Taxi) એ સમગ્ર ભારતમાં ૩૫ લાખથી વધુ યુઝર્સ અને ૬ લાખથી વધુ ડ્રાઇવરો સુધી પોતાનો વ્યાપ વધાર્યો છે. આ સાથે જ તે દેશના સૌથી મોટા સહકારી-આધારિત પરિવહન પ્લેટફોર્મ પૈકીનું એક બની ગયું છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા ગત ૫ ફેબ્રુઆરીના રોજ લોન્ચ કરાયેલું આ પ્લેટફોર્મ ‘ઝીરો-કમિશન’ (શૂન્ય કમિશન) મોડલ પર કામ કરે છે, જેમાં ડ્રાઇવરોને કર્મચારીઓ તરીકે નહીં પરંતુ હિસ્સેદારો (સ્ટેકહોલ્ડર્સ) તરીકે ગણવામાં આવે છે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ મોડલના કારણે પ્લેટફોર્મ સાથે જોડાયેલા ડ્રાઇવરોની માસિક આવકમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો થયો છે, જ્યારે સ્થિર અને પારદર્શક કિંમતોને કારણે મુસાફરો પણ સરેરાશ લગભગ ૧૫ ટકા ઓછું ભાડું ચૂકવી રહ્યા છે.
ભારત ટેક્સીના ચેરમેન અને અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ આ પહેલને ટેક્નોલોજી આધારિત સહકારના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ગણાવી છે. તેમણે કહ્યું કે, “ભારત ટેક્સીએ ડ્રાઇવરોની માલિકીના મોડલને હકીકતમાં બદલી નાખ્યું છે. આ પ્લેટફોર્મ પર રાઇડની ૧૦૦ ટકા કમાણી કોઈપણ પ્રકારના કાપ વિના સીધી ડ્રાઇવરોના ખાતામાં પહોંચે છે. આજે તે વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ તરીકે ઉભરી આવી છે, જેણે ડ્રાઇવરોના આત્મસન્માનમાં વધારો કર્યો છે અને સાથે જ ‘સહકારથી સમૃદ્ધિ’ ના વિઝન માટે એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે.”
કંપનીએ જણાવ્યું હતું કે, પરંપરાગત એગ્રીગેટર સિસ્ટમ્સ (ખાનગી ઓનલાઈન ટેક્સી કંપનીઓ) હેઠળ ભારે કમિશન અને અનિશ્ચિત આવક અંગે ડ્રાઇવરોની લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓનો ઉકેલ લાવવા માટે આ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ સહકારી માળખા હેઠળ, કોઈ વચેટિયા કે કોર્પોરેટ કમિશન કપાત નથી, અને ડ્રાઇવરો સીધા તેમના બેંક ખાતામાં રાઇડના નાણાં મેળવે છે.
આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા ડ્રાઇવર પ્રવિણ ઠાકોરે જણાવ્યું હતું કે, અગાઉના એગ્રીગેટર મોડલ્સ ઘણા ડ્રાઇવરો માટે આર્થિક રીતે નુકસાનકારક બની ગયા હતા. તેમણે કહ્યું, “અન્ય કંપનીઓ સાથે કામ કરવું હવે નફાકારક રહ્યું નહોતું. પરંતુ ભારત ટેક્સીમાં જોડાયા પછી અમને વધુ સારા દર અને રિસ્પોન્સ મળી રહ્યા છે. આ મોડલ સાથે જોડાઈને કોઈ પણ ડ્રાઈવર સારી કમાણી કરી શકે છે અને પોતાના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે.”
બીજા એક ડ્રાઇવર જનક બારોટે જણાવ્યું હતું કે, ભાડાનું ઓછું માળખું ડ્રાઇવરો અને મુસાફરો બંનેને ફાયદો કરાવી રહ્યું છે. તેમણે ઉમેર્યું, “અહીં શૂન્ય કમિશન છે અને પેમેન્ટ સીધું અમારા ખાતામાં જમા થાય છે; અમે માલિક જેવો અનુભવ કરીએ છીએ. અન્ય કંપનીઓ કિલોમીટર દીઠ રૂ. ૩૦ વસૂલે છે, જ્યારે અમે ગ્રાહકો પાસેથી માત્ર રૂ. ૧૭-૧૮ ચાર્જ કરીએ છીએ, જે તેમના માટે પણ ફાયદાકારક છે. ભવિષ્યમાં સંસ્થાના વિસ્તરણ સાથે અમને પેન્શન અને વીમા જેવી યોજનાઓનો લાભ પણ મળશે.”
કંપનીના જણાવ્યા અનુસાર તેના ૧ લાખથી વધુ ડ્રાઇવરો ગુજરાતના છે. અમદાવાદ અને સુરતમાં પોતાની કામગીરીનો વિસ્તાર કર્યા બાદ, આ સહકારી સંસ્થા હવે તેના વિકાસના આગામી તબક્કાના ભાગરૂપે વડોદરામાં સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
તળિયાના સ્તરે પોતાની હાજરી મજબૂત કરવા માટે, ભારત ટેક્સીએ જણાવ્યું હતું કે તે યુઝર્સ અને ડ્રાઇવરો સાથે સીધા જોડાવા માટે આઈટી પાર્ક, એરપોર્ટ અને હાઉસિંગ સોસાયટીઓ જેવા વધુ અવરજવર વાળા વિસ્તારોમાં ‘બિલો-ધ-લાઇન’ (BTL) આઉટરીચ વ્યૂહરચના અપનાવી રહી છે.
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ અજય કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે ડ્રાઇવરોએ આ પ્લેટફોર્મના સહકારી માળખા અને સરળ ઓનબોર્ડિંગ પ્રક્રિયાને કારણે આમાં ભારે રસ દાખવ્યો છે. તેમણે કહ્યું, “ગ્રાહકો પણ આ બાબતથી ખૂબ આકર્ષાયા છે કે આ ‘આપણી પોતાની ભારતીય કંપની’ છે અને ડ્રાઇવરો પાસેથી કોઈ કમિશન લેવામાં આવતું નથી. તમામ ડ્રાઇવરોએ આ પ્લેટફોર્મ પર જોડાવું જોઈએ. આ પ્રક્રિયા એટલી સરળ છે કે એપ્લિકેશન પર દસ્તાવેજો સબમિટ કર્યાના માત્ર ૧૨ કલાકની અંદર જ મંજૂરી મળી જાય છે.”
કંપનીએ સલામતી અને ટેક્નોલોજીના સમન્વયને પણ તેની કામગીરીના મુખ્ય પાસાઓ તરીકે હાઇલાઇટ કર્યા છે. મુસાફરો અને ડ્રાઇવરો માટે કટોકટીના સમયે સપોર્ટ પૂરો પાડવા માટે ભારત ટેક્સીએ તેની SOS સિસ્ટમને ગુજરાત પોલીસ સાથે ઇન્ટિગ્રેટ (જોડાણ) કરી છે. આ ઉપરાંત, તેણે સોમનાથ અને દ્વારકા જેવા તીર્થસ્થાનો માટે ખાસ રૂટ કનેક્ટિવિટી પણ શરૂ કરી છે.
સેવાના ધોરણો સુધારવા માટે, પ્લેટફોર્મે જણાવ્યું હતું કે તેણે ૧૦,૦૦૦ થી વધુ ડ્રાઇવરોને ડિજિટલ સાક્ષરતા, ડિજિટલ હેન્ડલિંગ અને સોફ્ટ સ્કિલ્સ (નમ્ર વ્યવહાર) ની તાલીમ આપી છે. ભારત ટેક્સીએ ઉમેર્યું હતું કે મેટ્રો સેવાઓ, GSRTC (એસ.ટી. બસ) અને એરપોર્ટ સત્તાધિકારીઓ સાથેની તેની સંકલિત પરિવહન ભાગીદારીનો ઉદ્દેશ્ય ગુજરાતમાં લોકોને વધુ સીમલેસ (સરળ) જાહેર પરિવહનનો અનુભવ આપવાનો છે.
