GCAS પોર્ટલ પર શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ ની પ્રવેશ પ્રક્રિયા અંગે અગત્યનું જાણવા જેવું
ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલ પર શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ ની પ્રવેશ પ્રક્રિયા અંગે અગત્યની અપડેટ્સ
Ahmedabad, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા, એકરૂપતા અને વિદ્યાર્થીઓની સરળતા માટે ‘ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ‘ (GCAS) પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ ની પ્રવેશ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે, તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે નીચે મુજબની અગત્યની અપડેટ્સ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે:
- સતત રજિસ્ટ્રેશન (Continuous Registration): યુનિવર્સિટીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને અને વિદ્યાર્થીઓની સુવિધા માટે, હવેથી પ્રવેશ પ્રક્રિયાના શિડ્યુલ દરમિયાન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સતત (Continuous) ચાલુ રહેશે. નવા અપડેટ થયેલ શિડ્યુલ મુજબ વિદ્યાર્થીઓ નીચે દર્શાવેલ સમયગાળા દરમિયાન રજિસ્ટ્રેશન કરી શકશે:
-
- રાઉન્ડ ૧: તા. ૦૭.૦૫.૨૦૨૬ (સવારે ૧૧.૦૦ કલાક) થી તા. ૨૮.૦૫.૨૦૨૬ (રાત્રે ૧૧.૫૯ કલાક સુધી)
- રાઉન્ડ ૨: તા. ૩૦.૦૫.૨૦૨૬ (સવારે ૧૧.૦૦ કલાક) થી તા. ૦૬.૦૬.૨૦૨૬ (રાત્રે ૧૧.૫૯ કલાક સુધી)
- રાઉન્ડ ૩: તા. ૦૮.૦૬.૨૦૨૬ (સવારે ૧૧.૦૦ કલાક) થી તા. ૧૩.૦૬.૨૦૨૬ (રાત્રે ૧૧.૫૯ કલાક સુધી)
- રાઉન્ડ ૪: તા. ૧૫.૦૬.૨૦૨૬ (સવારે ૧૧.૦૦ કલાક) થી તા. ૨૦.૦૬.૨૦૨૬ (રાત્રે ૧૧.૫૯ કલાક સુધી)
અન્ય તમામ બાબતો જેવી કે, ટેકનિકલ પ્રોસેસના દિવસો અને પ્રવેશ કન્ફર્મેશનના દિવસો અગાઉના શિડ્યુલ મુજબ યથાવત રહેશે.
- અરજીની અંતિમ તારીખ અને કટ–ઓફ: વિદ્યાર્થીઓને મહત્તમ લાભ મેળવવા માટે તારીખ ૨૮.૦૫.૨૦૨૬ અથવા તે પહેલાં તેમની ઓનલાઈન અરજી સબમિટ કરવા માટે ખાસ પ્રોત્સાહિત કરવામાં આવે છે. ખાસ નોંધ લેવી કે આગામી રાઉન્ડમાં નવા વિદ્યાર્થીઓ ઉમેરાવાને કારણે મેરીટ કટ–ઓફ આગળ અથવા ઊંચા પણ જઈ શકે છે.
- કેટેગરી બદલવાની સુવિધા: GCAS પોર્ટલ પર મંગળવાર તા.૨૬.૦૫.૨૦૨૬થી કેટેગરી બદલવાની સુવિધા ઉપલબ્ધ થઇ ગઈ છે. જે વિદ્યાર્થીઓએ અનામત (Reserved) અથવા PwBD કેટેગરીમાં અરજી કરી હોય અને તેઓ જનરલ કેટેગરીમાં બદલવા માંગતા હોય, તો તેઓ બાકીની ફી રૂ. ૧૫૦/- ભરીને ફેરફાર કરી શકશે (બિનઅનામત કેટેગરી માટે ફી રૂ. ૩૦૦/- અને અનામત/PwBD માટે રૂ. ૧૫૦/- છે). જે વિદ્યાર્થીઓ જનરલ કે અન્ય અનામત/PwBD કેટેગરીમાંથી બીજી કોઈપણ કેટેગરીમાં ફેરફાર કરવા માંગતા હોય તેઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકશે.
- નોન–ક્રીમી લેયર સર્ટિફિકેટ અંગે રાહત: જે વિદ્યાર્થીઓને હજુ સુધી નોન–ક્રીમી લેયર સર્ટિફિકેટ મળ્યું નથી, તેમના માટે ઓનલાઈન અરજી વખતે આ સર્ટિફિકેટ અપલોડ કરવું હવે ફરજિયાત નથી. વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ વિના પણ અરજી સબમિટ કરી શકે છે. પરંતુ, યુનિવર્સિટી/કોલેજના નિયમો અનુસાર પ્રવેશ કન્ફર્મ કરાવતી વખતે માન્ય સર્ટિફિકેટ રજૂ કરવું અનિવાર્ય રહેશે.
- લાઈવ પબ્લિક ડેશબોર્ડ: GCAS પોર્ટલ પર પબ્લિક ડેશબોર્ડ લાઈવ કરવામાં આવ્યું છે. આ ડેશબોર્ડ મારફતે કોઈપણ વ્યક્તિ કુલ રજિસ્ટ્રેશન અને સબમિટ થયેલી અરજીઓની સંખ્યા, તેમજ યુનિવર્સિટી મુજબના આંકડા સરળતાથી જોઈ શકશે.
- પ્રવેશના નિયમોની પારદર્શિતા: તમામ યુનિવર્સિટીઓને તેમના પ્રવેશના નિયમો GCAS પોર્ટલ પર દર્શાવવા માટે સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોર્ટલ પર આપેલા ‘Student Corner’ માં ‘Admission Rules’ ટેબ હેઠળ તમામ યુનિવર્સિટીઓના પ્રવેશ નિયમો ચકાસી શકે છે.
PG પ્રોગ્રામ્સનું શિડ્યુલ: અનુસ્નાતક (PG) પ્રોગ્રામ્સ જેવા કે LLB, LLM, B.Ed, M.Ed અને અન્ય અલાઈડ હેલ્થકેર પ્રોગ્રામ્સ માટેના પ્રવેશ શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આથી વિદ્યાર્થીઓને નિયમિતપણે અધિકૃત GCAS પોર્ટલ (https://gcas.gujgov.edu.in) ની મુલાકાત લેવા સલાહ આપવામાં આવે છે.
