Western Times News

Gujarati News

ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે વીર સાવરકરના તૈલચિત્રને પુષ્પાંજલિ

ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની ૧૪૩મી જયંતી –ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્થિત વીર સાવરકરના તૈલચિત્રને વિધાનસભા સચિવ ચેતન પંડ્યાએ પુષ્પાંજલિ અર્પણ કરી

ગાંધીનગર, ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના લડવૈયા અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની આજે ૧૪૩મી જયંતી છે. આ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્થિત તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના સચિવ શ્રી ચેતન પંડ્યાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ વેળાએ સમરસ છાત્રાલયના વિદ્યાર્થીઓ સહિત ગુજરાત વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહીને સ્વ. શ્રી વીર સાવરકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરનો જન્મ ૨૮ મે, ૧૮૮૩ના રોજ નાસિક જિલ્લાના ભગુર મુકામે થયો હતો અને ૨૬ ફેબ્રુઆરી, ૧૯૬૬ના રોજ તેમનું અવસાન થયું હતું. પુનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ કાયદાના અભ્યાસ અર્થે ઈંગ્લેન્ડ ગયા હતા, જ્યાં તેમણે દેશની આઝાદી માટે ‘ફ્રી ઈન્ડિયા સોસાયટી’ નામની સંસ્થા સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વેગવંત બનાવી હતી.

બ્રિટિશ સરકાર વિરુદ્ધ કાવતરાના કેસમાં તેમની ધરપકડ કરી તેમને ૫૦ વર્ષની આકરી કેદની સજા ફટકારવામાં આવી હતી. આ દરમિયાન તેમણે પ્રથમ આંદામાનની જેલમાં અને ત્યારબાદ રત્નાગીરીની જેલમાં અમાનવીય પરિસ્થિતિઓ વચ્ચે ૧૪ વર્ષનો કપરો જેલવાસ ભોગવ્યો હતો. જેલમુક્તિ બાદ પણ, સન ૧૯૩૭ થી ૧૯૪૭ દરમિયાન તેમણે દેશની અખંડિતતા જાળવી રાખવા અને ભારતને પૂર્ણ આઝાદી અપાવવા માટે અથાક પ્રયત્નો કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.