Western Times News

Gujarati News

સરખેજ-ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલવે માટે 3 મેગા બ્રિજ, 39 રોડ અન્ડર બ્રિજ તથા 2 રેલ ઓવર રેલ બ્રિજનું નિર્માણ કરાશે

સરખેજ-ધોલેરા નવી સેમી હાઈ સ્પીડ રેલવે બ્રોડ ગેજ ડબલ લાઇન પ્રોજેક્ટના અમલીકરણ માટે બેઠક યોજાઈ

પશ્ચિમ રેલવે અમદાવાદની સર્વે અને નિર્માણ સંસ્થાએ 28.05.2026 સરખેજ-ધોલેરા નવી સેમી હાઈ સ્પીડ રેલવે બ્રોડ ગેજ ડબલ લાઇન પ્રોજેક્ટના અમલીકરણના વિષયમાં રસ ધરાવતા બિડર્સ સાથે મુખ્ય પ્રશાસનિક અધિકારી કાર્યાલય સ્થિત કોન્ફરન્સ હોલમાં બેઠક યોજી હતી.

પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રોજેક્ટ સંબંધિત ચીફ એન્જિનિયર કમલેશ કુમાર, ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આર. ડી. મીના, Dy CSTE રતન બાસુ તેમજ નિર્માણ વિભાગના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

મીટિંગની શરૂઆતમાં પ્રશાંત સિંહ, ડેપ્યુટી ચીફ એન્જિનિયરે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. પ્રોજેક્ટના નિર્માણ ટેન્ડરમાં રુચિ ધરાવતા સિવિલ, ઇલેક્ટ્રિકલ તથા S & T (સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન) ક્ષેત્રોની 20થી વધુ ફર્મોએ ભાગ લીધો હતો.

જેમાં લાર્સન એન્ડ ટુબ્રો, અફકોન્સ ઇન્ફ્રા, KPTL, HOG પ્રોજેક્ટ, મિરાલ ઇન્ફ્રા, ખોડલ કોર્પોરેશન, ગંગા કન્સ્ટ્રક્શન, નીલકંઠ ઇન્ફ્રા, સુભાષ ઇન્ફ્રા વગેરે ફર્મોના પ્રતિનિધિઓએ પ્રોજેક્ટના અમલીકરણને વધુ અસરકારક બનાવવા માટે પોતાના સૂચનો રજૂ કર્યા હતા.

બેઠક દરમિયાન પ્રોજેક્ટના અમલીકરણ, પેકેજિંગ તથા ટેકનિકલ પાસાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સિવિલ, ટ્રેક, ટ્રેક્શન અને S&T સંબંધિત ટેન્ડર તેમજ ઇન્ટરફેસ કાર્યો, ડિઝાઇન ડિટેલ્સના કોન્ટ્રાક્ટ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ઘણી ફર્મોએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પણ ભાગદારી કરી હતી.

આ પ્રસંગે પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ બેઠકનો મુખ્ય હેતુ પ્રોજેક્ટને સફળ અને અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવાનો છે. રુચિ ધરાવતા બિડર્સના સૂચનો પર વિચારણા કર્યા બાદ પ્રોજેક્ટના અમલીકરણ માટે EPC ટેન્ડર ફ્લોટ (float) કરવામાં આવશે.

આશરે 134 કિલોમીટર લાંબી આ નવી ડબલ રેલવે લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR), આગામી ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથક તથા લોથલ સ્થિત નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને અદ્યતન રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રોજેક્ટની ડિઝાઇન ગતિ 220 કિમી પ્રતિ કલાક તથા પરિચાલન ગતિ 200 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. આ કોરિડોર પર કુલ 11 સ્ટેશનો વિકસાવવામાં આવશે.

પ્રોજેક્ટ હેઠળ 3 મેગા બ્રિજ, 74 કિલોમીટર વાયાડક્ટ, 39 રોડ અન્ડર બ્રિજ તથા 2 રેલ ઓવર રેલ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. કુલ ટ્રેક લંબાઈ આશરે 293 કિલોમીટર રહેશે. પ્રોજેક્ટને આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આશરે ₹20,667 કરોડના ખર્ચવાળો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેની પ્રથમ સ્વદેશી ટેક્નોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ બનશે, જેના પર ભવિષ્યમાં નમો ભારત ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના અનુરૂપ વિકસાવવામાં આવી રહ્યો છે, જેનો મુખ્ય હેતુ મલ્ટી-મોડલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવાનો

અને ભારતની લોજિસ્ટિક્સ કાર્યક્ષમતાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનો છે. આ કોરિડોર ગુજરાતને આધુનિક, હરિત અને ઉચ્ચ ગતિ પરિવહન અવસંરચનાના નવા યુગમાં પ્રવેશ કરાવતી ઐતિહાસિક પહેલ સાબિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.