Western Times News

Gujarati News

ગોમતીપુર વિસ્તારમાં વૃક્ષ પડવાની ઘટના: બગીચા ખાતાના કોન્ટ્રાક્ટર કાર્યવાહી કરવા રજુઆત

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)     અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતાની વધુ એક ગંભીર બેદરકારી ગોમતીપુર વિસ્તારમાં સામે આવી છે. ગોમતીપુર ખાતે હાથીખાઈ ગાર્ડન પાસે આવેલ ગરીબ આવાસ યોજનાના મકાનો નજીક તા. 27 મેના રોજ એક વૃક્ષની મોટી ડાળી તૂટી પડી હતી. સદનસીબે તે સમયે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હતું.

સ્થાનિક રહેવાસીઓ અને આગેવાનો દ્વારા તાત્કાલિક બગીચા ખાતાના ટેકનિકલ સુપરવાઇઝરને રજૂઆત કરવામાં આવી હતી કે આ વૃક્ષ ભારે પવનમાં ગમે ત્યારે પડી શકે તેવી જોખમી સ્થિતિમાં છે અને સમયસર કાર્યવાહી કરવામાં આવે.

ફરિયાદ મળ્યા બાદ સ્થળ પર ટ્રેક્ટર સાથે માત્ર બે કર્મચારીઓ આવ્યા હતા, પરંતુ “આ કામગીરી માટે હાઇડ્રોલિક મશીનની જરૂર છે અને હાલ મશીન ઉપલબ્ધ નથી” એવો ઉડાઉ જવાબ આપી કોઈ કામગીરી કર્યા વગર પરત ફરી ગયા હતા.

પરિણામે બગીચા ખાતાની ગંભીર બેદરકારીના કારણે તા. 30 મેની મધરાતે અંદાજે 12:45 વાગ્યે એ જ વૃક્ષ ભારે ધડાકા સાથે નીચે ધરાશાયી થયું હતું. આ ઘટનામાં અમીર પઠાણ (ઉં. 38), વકાર શેખ (ઉં. 39) તથા અબ્દુલ હસન (ઉં. 42)ને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. બનાવ બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં અમીર પઠાણને કમર, શોલ્ડર તથા પાસળીઓમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.વૃક્ષ રસ્તા પર પડી જતાં સમગ્ર માર્ગ અવરોધાઈ ગયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર પહોંચી કટર મશીનની મદદથી વૃક્ષ કાપી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં ગોમતીપુર પોલીસ પણ સ્થળ પર પહોંચી ઘટના અંગેની વિગતો મેળવી હતી.

પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખના જણાવ્યા મુજબ બગીચા ખાતા દ્વારા લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટરોને ચૂકવણીઓ કરવામાં આવે છે, છતાં સ્થળ પર જરૂરી મેનપાવર, ટ્રક, ટ્રોલી, હાઇડ્રોલિક મશીન, આઇવા ગાડી તથા અન્ય આધુનિક સાધનો ઉપલબ્ધ નથી.

મળતી માહિતી મુજબ ટેન્ડર મુજબ બે હાઇડ્રોલિક મશીનો ફરજિયાત રાખવાની શરત હોવા છતાં ઘણા સમયથી એક મશીન સદંતર બંધ હાલતમાં છે. આ બાબત તમામ જવાબદાર અધિકારીઓના ધ્યાનમાં હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જે અત્યંત ગંભીર બાબત છે.

વધુમાં પૂર્વ ઝોનમાં સિનિયર સેક્શન ઓફિસર, સેક્શન ઓફિસર, ગાર્ડન ઇન્સ્પેક્ટર તથા ટેકનિકલ સુપરવાઇઝરની જગ્યાઓ ભરેલી હોવા છતાં ગોમતીપુર વોર્ડમાં કાયમી મજૂર તરીકે ફક્ત એક જ કર્મચારી ફરજ બજાવે છે, જ્યારે મહેકમ મુજબ ઓછામાં ઓછા સાત મજૂરો હોવા જોઈએ. ખામણા રીંગ, રોપા, રોડ વચ્ચેના ડિવાઇડર ઉપરના છોડ તથા વૃક્ષોને પાણી આપવાની કામગીરી સહિતના તમામ કામો ટેન્ડર આધારિત મજૂરો મારફતે કરવામાં આવે છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય સુપરવિઝન કરવામાં આવતું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.