Western Times News

Gujarati News

વર્ષોની ધીરજ અને આયોજનનું પરિણામ છે આ જીત, વિરાટ માટે આ ક્ષણ ખૂબ જ ખાસ: કૃણાલ પંડ્યા

આ અનુભવી ઓલરાઉન્ડરે ૧૧ સીઝનમાં પાંચમી વખત IPL ટ્રોફી જીત્યા બાદ પોતાની વ્યક્તિગત સિદ્ધિ વિશે વાત કરતા કહ્યું કે, “હું ખૂબ જ ખુશ અને આભારી છું કે ૧૧ વર્ષમાં પાંચ ટ્રોફી જીતવી, તે મારા માટે ખૂબ જ ખાસ છે.”

અમદાવાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ ફ્રેન્ચાઇઝી દ્વારા આઈપીએલ (IPL) ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કરવાને વર્ષોની ધીરજ અને આયોજનનું પરિણામ ગણાવ્યું છે. આ સાથે જ તેણે પોતાની કારકિર્દીની પાંચમી આઈપીએલ ટ્રોફી જીતવાની વ્યક્તિગત સિદ્ધિની પણ ઉજવણી કરી હતી.

છેલ્લી બે સીઝનથી આરસીબી (RCB)ની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવનાર કૃણાલે સ્વીકાર્યું હતું કે દરેક ચેમ્પિયનશિપ તેની કારકિર્દીમાં એક ખાસ સ્થાન ધરાવે છે અને તેમની વચ્ચે સરખામણી કરવી લગભગ અશક્ય છે.

જીત બાદ કૃણાલે જણાવ્યું હતું કે, “દરેક આઈપીએલ ટ્રોફી ખાસ હોય છે. તેમાં કોઈ શંકા નથી. તે બાળકો રાખવા જેવું છે, બરાબર ને? તમે કોઈ એકની પસંદગી ન કરી શકો. આઈપીએલ ટ્રોફીનું પણ એવું જ છે કારણ કે દરેક ટ્રોફી ઘણી સખત મહેનતથી મળે છે.”

આ અનુભવી ઓલરાઉન્ડરે ૧૧ સીઝનમાં પાંચમી વખત આઈપીએલ ટ્રોફી જીત્યા બાદ પોતાની વ્યક્તિગત સિદ્ધિ વિશે વાત કરતા કહ્યું કે, “હું ખૂબ જ ખુશ અને આભારી છું કે ૧૧ વર્ષમાં પાંચ ટ્રોફી જીતવી, તે મારા માટે ખૂબ જ ખાસ છે.”

આરસીબીના આ વિજયી અભિયાન દરમિયાન ભલે ખેલાડીઓને સૌથી વધુ પ્રસિદ્ધિ મળી હોય, પરંતુ કૃણાલે પડદા પાછળ કામ કરનારા લોકોના યોગદાનને પણ ઝડપથી સ્વીકાર્યું હતું. તેણે સતત બીજી વખત ચેમ્પિયન બની શકે તેવી ટીમ તૈયાર કરવા બદલ ફ્રેન્ચાઇઝીના મેનેજમેન્ટ અને કોચિંગ સ્ટાફને શ્રેય આપ્યો હતો.

કૃણાલે જણાવ્યું કે, “મારો મતલબ છે કે, દેખીતી રીતે જ આનો ઘણો શ્રેય સપોર્ટ સ્ટાફને જાય છે, બરાબર ને? મો બોબટ, એન્ડી ફ્લાવર, દિનેશ કાર્તિક, માલોલન, ઓમી (ઓમકાર સાળવી). મારો મતલબ એ છે કે, ગયા વર્ષે હરાજી (ઓક્શન) પહેલાં પણ તેઓએ જે રીતે તૈયારી કરી હતી અને જે રીતે ટીમ સેટ કરી હતી, ખાસ કરીને ટીમનું સંતુલન (બેલેન્સ), તે અદભુત હતું.”

કૃણાલના મતે, બેંગલુરુની આ સફળતાનો પાયો સીઝનનો પહેલો બોલ નંખાયો તે પહેલાં જ નખાઈ ગયો હતો.

ઓલરાઉન્ડરે ઉમેર્યું કે, “તેથી, ફરીથી કહું તો, કેટલીકવાર અડધી જંગ તો હરાજીમાં જ જીતી લેવાય છે. મને લાગે છે કે તેઓએ ઘણું સારું કામ કર્યું. અને ત્યાર પછી, મેદાન પર જઈને સારું પ્રદર્શન કરવાની જવાબદારી અમારા પર હતી. અને હા, મને આનંદ છે કે અમે સતત બીજી વખત ટ્રોફી પર પોતાનો કબજો જમાવી શક્યા.”

જો કે, આ ૩૫ વર્ષના ખેલાડી માટે આ સિદ્ધિ માત્ર ડ્રેસિંગ રૂમ પૂરતી મર્યાદિત નથી. કૃણાલે કહ્યું કે આ સતત બે જીત એવા ચાહકો (ફેનબેઝ) માટે ખાસ મહત્વ ધરાવે છે જેમણે ફ્રેન્ચાઇઝીના પ્રથમ ખિતાબની સાક્ષી બનવા માટે ૧૮ સીઝન સુધી લાંબી રાહ જોઈ હતી.

તેણે કહ્યું કે, “હા, ચોક્કસપણે. ફરીથી, એ ૧૮ વર્ષની લાંબી પ્રતીક્ષા અને ત્યાર પછી સતત બે ટ્રોફી જીતવી. આ જીત આરસીબીના ચાહકો માટે છે. અમે જ્યાં પણ ગયા છીએ, તેમણે અમને ભરપૂર સપોર્ટ કર્યો છે.”

તેણે આરસીબીના વર્ષો જૂના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો, જેણે આખરે ૨૦૨૫માં ટ્રોફી જીતવાનો સ્વાદ ચાખ્યો હતો અને આ સીઝનમાં પણ ફ્રેન્ચાઇઝીને પોતાનો ખિતાબ બચાવવામાં મદદ કરી હતી.

તેણે વાત પૂરી કરતા કહ્યું કે, “અને દેખીતી રીતે વિરાટ માટે આ ખૂબ જ ખાસ રહ્યું છે. ૧૮ અને ૧૯ સીઝન પછી સતત બે ટ્રોફી મેળવવી એ ખરેખત અદભુત છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.