અમદાવાદના ૨૭ ખાદ્ય એકમોમાંથી એનાલોગ પનીર અને ૨૮ એકમોમાં સબસ્ટાન્ડર્ડ અને અનસેફ ફુડ મળ્યા
પ્રતિકાત્મક
મે મહિનામાં ૧૪૯૭ કિગ્રા અને ૧૫૩૯ લીટરનો બિનઅરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ એક્ટ-૨૦૦૬ અન્વયે શહેરમાં અલગ-અલગ ઝોનમાં સઘન ચેકિંગ હાથ ધરીને અખાદ્ય સામગ્રીનો નાશ, દંડનીય વસૂલાત અને દુકાનો સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ માટે મે મહિનામાં વિવિધ એકમોની તપાસ કરતાં ૧૪૯૭ કિગ્રા અને ૧૫૩૯ લીટરનો બિનઅરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો છે.
આ સાથે જ પાણીપુરીની લારીઓના ૭ નમૂનામાં ફુડ ગ્રેડ કલર મળતાં તેને જપ્ત કરવામાં આવી છે. જ્યારે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી સઘન ચેકિંગ પછી પણ ૨૭ એકમોમાં એનાલોગ પનીરનો જથ્થો મળી આવ્યો છે. આ સાથે જ ૭ એકમો સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટમાં કેસો દાખલ કરવામાં આવ્યા છે.
તેમજ જાણીતા આઉટલેટ્સ, હોટેલ્સ અને લારીઓ પરથી લેવાયેલા કુલ ૨૮ નમૂનાઓ અપ્રમાણિત જાહેર થયા છે. જેમાં ૭ નમૂનાઓ અત્યંત જોખમી એટલે કે ‘અનસેફ’ અને ૨૧ નમૂનાઓ હલકી ગુણવત્તાના એટલે કે ‘સબ સ્ટાન્ડર્ડ’ મળી આવ્યા છે. આ સાથે જ ૨૧ ખાદ્ય નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં ફૂડ બિઝનેસ ઓપરેટરો સમક્ષ કેસો દાખલ કરવામાં આવ્યા છે.
આ માટે શેફાયર ફુડસ (નિકોલ) જેવી મોટી બ્રાન્ડમાં ‘બળેલું તેલ’ વાપરવામાં આવતું હતું, જે સ્વાસ્થ્ય માટે ઘાતક છે. એટલું જ નહીં, મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (બાપુનગર) માંથી લેવાયેલો હળદર પાવડર પણ સબ સ્ટાન્ડર્ડ આવ્યો છે!
જ્યાં દર્દીઓ સાજા થવા આવે છે, ત્યાં જ આવો ભેળસેળવાળો ખોરાક પીરસાઈ રહ્યો છે. આ ઉપરાંત મસાલા, ઘી, માવો, પનીર, આઈસ્ક્રીમ અને બાળકોની પ્રિય પાણીપુરીના રગડા અને પાણીમાં પણ ભારે ભેળસેળ પકડાઈ છે.
સમગ્ર મે મહિના દરમિયાન ઉનાળાનીગરમીમાં કુલ ૧,૪૬૪ એકમોની તપાસ કરી અને ૭૨૪ નોટિસ ફટકારી છે. આ મહિનામાં કુલ ૧૪૯૭ કિલોગ્રામ/ અને ૧૫૩૯ લીટર અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે અને રૂ.૧૦,૫૧,૭૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
મે મહિનામાં લેવાયેલા ૮૬૨ નમૂનાઓમાંથી ૨૧ સબસ્ટાન્ડર્ડ અને ૦૭ અનસેફ (અસુરક્ષિત) જાહેર થતા સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે નામદાર કોર્ટ અને એજ્યુડીકેટીંગ ઓફિસર સમક્ષ કેસો દાખલ કરવામાં આવી રહ્યા છે.
સબ સ્ટાન્ડર્ડ નમૂનામાં ૨૧ એકમોમાં પાણીપુરીનું પાણી, રગડો-૨, હળદર પાવડર, ટોફુ, કેરીનો રસ, આઇસ્ક્રીમ/ટુટી-ફુટી/મેંગો આઇસ્ક્રીમ-૩, માખણ/બટર-૨, કુલ્ફી ફાલુદા, લો ફેટ પનીર/પનીર-૩, મોળો માવો, મેંગો મિલ્ક શેક, વેજીટેબલ સોસ, મન્ચુરીયન, પ્રોસેસ્ડ ચીઝ, કીવી જ્યુસ સહિતના સેમ્પલ મળી આવ્યા છે.
પાણીપુરીના વેપાર સાથે સંકળાયેલા એકમો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં પાણીના કુલ ૮૬ નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી ૦૭ નમૂનામાં પ્રતિબંધિત ફૂડ ગ્રેડ કલર મળી આવ્યો હતો. આ ભેળસેળયુક્ત અને કેમિકલયુક્ત પાણી વેચતી પાણીપુરીની લારીઓને જપ્ત કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યારે સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા સુધરે તે માટે ઊઇ કોડ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે, જેના માટે ૭,૩૪૮ થી વધુ સ્ટ્રીટ વેન્ડર્સ/લારીવાળાઓનું રજીસ્ટ્રેશન કરી તેમને યુનિક ઊઇ કોડ આપવામાં આવ્યા છે. જાહેર જનતા આ ઊઇ કોડ સ્કેન કરીને વેન્ડર્સની સ્વચ્છતા અને હાઇજીન બાબતે પોતાનો ફીડબેક આપી શકે છે, જેના આધારે તંત્ર દ્વારા મોનિટરિંગ અને કાર્યવાહી કરવામાં આવશે.
આ તરફ છેલ્લા ત્રણ મહિના દરમિયાન દૂધ કે પનીરના સ્થાને નકલી એટલે કે ‘એનાલોગ પનીર’ નો ઉપયોગ કરતા ખાદ્ય એકમો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તંત્ર દ્વારા લાંબા સમયથી જે પણ એકમ એનાલોગ પનીર વેચતા કે વાપરતા પકડાશે તેને સીલ કરી દેવામાં આવશે તેવી વાતો કરવામાં આવી રહી છે, તેમ છતાં અત્યાર સુધીમાં કુલ ૨૭ જેટલા એકમોમાં એનાલોગ પનીરનો ગેરકાયદેસર ઉપયોગ ઝડપાયો છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.
