Western Times News

Gujarati News

વૈભવ સૂર્યવંશીના માતા-પિતા પણ ટીમ ઈન્ડિયા સાથે યાત્રા કરશે: ખાસ મંજૂરી મળી

નિયમમાં કર્યો ફેરફાર-ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડના આગામી પ્રવાસ પર વૈભવ સૂર્યવંશીના માતા-પિતા પણ ટીમ ઈન્ડિયા સાથે યાત્રા કરશે

સચિન તેંડુલકરની જેમ વૈભવ સૂર્યવંશીને પણ મળી ખાસ મંજૂરી

નવી દિલ્હી, આઈપીએલ ૨૦૨૬મા રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર બેટિંગ કરનાર યુવા બેટર વૈભવ સૂર્યવંશીને ભારતીય ટી૨૦ ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો છે. આટલી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર મળેલી સફળતા વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડે એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડના આગામી પ્રવાસ પર વૈભવ સૂર્યવંશીની સાથે બે ખાસ વ્યક્તિ પણ ટીમ ઈન્ડિયાની સાથે યાત્રા કરશે.

વૈભવ સૂર્યવંશી આ સમયે ઉંમરમાં નાનો છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં અચાનક મળેલી લોકપ્રિયતા, મીડિયા અટેન્શન અને સીનિયર ટીમના મોટા દબાવને સંભાળવો કોઈપણ બાળક માટે માનસિક રૂપે પડકારજનક હોઈ શકે છે.

તેવામાં બીસીસીઆઈએ નિર્ણય લીધો છે કે ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડના આગામી પ્રવાસ પર વૈભવ સૂર્યવંશીના માતા-પિતા પણ ટીમ ઈન્ડિયા સાથે યાત્રા કરશે. વિદેશી પ્રવાસ પર માતા-પિતાની હાજરીથી વૈભવને ઘરેલું માહોલ મળશે અને તેને એકલતાનો અનુભવ થશે નહીં. તો વિદેશી પ્રવાસની નવી પરિસ્થિતિમાં ઢળવામાં મદદ મળશે.

આજ પ્રકારે જ્યારે સચિન તેંડુલકર ૧૯૮૯મા ભારત માટે પોતાનું પર્દાપણ કરવા પાકિસ્તાન ગયા હતા તો તેમના મોટા ભાઈ અજીત તેની સાથે ગયા. ત્યારે સચિનની ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી. તેવામાં વૈભવ સૂર્યવંશી માટે પણ બીસીસીઆઈએ મોટો નિર્ણય કર્યો છે.

બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું ‘તે હજુ બાળક છે, તેથી અમે તેના માતા-પિતાને તેની સાથે ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ જવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે, જેથી તે તેની સાથે રહી શકે અને તેને નવા માહોલમાં ઢળવામાં મદદ કરી શકે. બોર્ડ તેનો બધો ખર્ચ ઉઠાવશે.’

મહત્વનું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે વિદેશી પ્રવાસ અને લાંબી ટૂર્નામેન્ટ માટે પરિવારની હાજરીને લઈને કડક નિયમ લાગૂ કર્યાં છે. ખેલાડી સંપૂર્ણ પ્રવાસ દરમિયાન પોતાના પરિવાર કે પત્નીને સાથે ન રાખી શકે. જો કોઈ સિરીઝ કે ટૂર્નામેન્ટ ૪૫ દિવસથી લાંબી છે, તો પરિવારના સભ્યો ખેલાડી સાથે માત્ર ૧૪ દિવસ સુધી રહી શકે છે. પરંતુ વૈભવ માટે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

વૈભવ સૂર્યવંશીની ૧૫ વર્ષ ૭૧ દિવસની ઉંમરમાં ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. જો તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે તો તે સૌથી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર ભારતીય ક્રિકેટર બની જશે. તેની પહેલા જ્યારે સચિનને પસંદ કરવામાં આવ્યો તો તેની ઉંમર ૧૬ વર્ષ ૧૯૪ દિવસ હતી. સચિને પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં પર્દાપણ કરી લીધું હતું. હવે વૈભવને આવી તક મળી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.