પંચાયતી રાજ મંત્રાલય 9 જૂને ગાંધીનગરમાં આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર વર્કશોપનું આયોજન કરશે
ગુજરાતભરની પાત્ર ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડીને આ વર્કશોપ હાઇબ્રિડ મોડમાં યોજવામાં આવશે
Ahmedabad, ભારત સરકારનું પંચાયતી રાજ મંત્રાલય 9 જૂન 2026ના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર એક આઉટરીચ વર્કશોપનું આયોજન કરી રહ્યું છે. આ વર્કશોપ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજ; પંચાયતી રાજ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રીમતિ મુક્તા શેખર;
ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, અને ગુજરાત સરકારના એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ડો. ગૌરવ દહિયા તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (HUDCO) તથા નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) ના પ્રતિનિધિઓ અને પંચાયતના પ્રતિનિધિઓ તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે.
આ વર્કશોપ હાઇબ્રિડ મોડમાં યોજવામાં આવશે. ગાંધીનગરની આસપાસ આવેલી પાત્ર પંચાયતો રૂબરૂ ભાગ લેશે, જ્યારે તે ત્રિજ્યાથી બહારની પંચાયતો પોતપોતાની કચેરીઓમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જીવંત પ્રસારણમાં જોડાશે. આ આઉટરીચ (સંપર્ક) દ્વારા, મંત્રાલયનો ઉદ્દેશ્ય ગુજરાતભરના ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સ્તરના નેતાઓ સાથે સીધો સંવાદ કરવાનો અને તેમની સમક્ષ આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમનું વિઝન, ઉદ્દેશ્યો અને ઓપરેશનલ ફ્રેમવર્ક (કાર્યકારી માળખું) રજૂ કરવાનો છે.
વર્કશોપના કાર્યક્રમમાં પંચાયતી રાજ મંત્રાલયના સચિવ દ્વારા આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમના વિઝન પર સંબોધન, રાષ્ટ્રીય નીતિના ઉદ્દેશ્યો, ટેકનિકલ રોડમેપ અને અપેક્ષિત પરિણામો પર વિગતવાર પ્રસ્તુતિ, આત્મનિર્ભર પંચાયત પોર્ટલનું એન્ડ-ટુએન્ડ જીવંત પ્રદર્શન અને એક ઇન્ટરેક્ટિવ પ્રશ્નઉત્તરી સત્રનો સમાવેશ થાય છે. નાબાર્ડ (NABARD) અને હુડકો (HUDCO) ના પ્રતિનિધિઓ પણ સહભાગીઓને સંબોધિત કરશે, જે આ કાર્યક્રમ પ્રત્યે તેમની સંસ્થાકીય પ્રતિબદ્ધતાને પુનરોચ્ચારિતકરશે.
આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ એ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સંચાલિત ભારત સરકારની એક પહેલ છે, જે પંચાયતોની આર્થિક સ્વાયત્તતાને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવી છે. એક પારદર્શક રાષ્ટ્રીય પડકાર (ચેલેન્જ) પ્રક્રિયા દ્વારા, પંચાયતોને આવક પેદા કરતા પ્રોજેક્ટ્સ અને પહેલો માટેના વિચારો સબમિટ કરવા આમંત્રિત કરવામાં આવે છે
જે બિનઉપયોગી અસ્કયામતો અને વણવપરાયેલી સ્થાનિક તકોનો ઉત્પાદક ઉપયોગ કરી શકે. પસંદ કરાયેલા વિચારોને મંત્રાલય તરફથી વ્યવહારુ અને બેંકેબલ પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે સમર્પિત ટેકનિકલ સહાય મળશે, જેમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP), કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડ, બેંક ફાઇનાન્સ અને અન્ય સરકારી યોજનાઓના કન્વર્જન્સ (જોડાણ) માંથી નાણાકીય સહાય મેળવવામાં આવશે. આયોજનના દરેક તબક્કે ગ્રામસભાની ફરજિયાત ભાગીદારી દ્વારા સમુદાયની માલિકી સુનિશ્ચિત કરવામાં આવે છે.
ઓછામાં ઓછી રૂ. 50 લાખની પોતાની આવક (Own Source Revenue – OSR) ધરાવતી ગ્રામ પંચાયતો અને ઓછામાં ઓછી રૂ. 1 કરોડની OSR ધરાવતી તાલુકા પંચાયતો, જે બંનેનો કાર્યકાળ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો બાકી હોય, તેઓ આ ચેલેન્જ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પાત્ર છે.
પંચાયતી રાજ મંત્રાલયે ગ્રામીણ પ્રોજેક્ટ વિકાસમાં સંસ્થાકીય કુશળતા પૂરી પાડવા અને પાત્ર પંચાયતોને નાણાકીય સહાય સરળ બનાવવા માટે નાબાર્ડ અને હુડકો સાથે ભાગીદારી કરી છે.
આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. તે સ્વાયત્ત, આર્થિક રીતે આત્મવિશ્વાસુ પંચાયતોની એક નવી પેઢીનું નિર્માણ કરવાનું વિઝન ધરાવે છે, જેમાંથી દરેક પંચાયત એ પ્રદર્શિત કરશે કે આર્થિક સ્વતંત્રતા અને સારું સ્થાનિક શાસન બંને સાથેસાથે ચાલે છે. મંત્રાલયના વિઝન મુજબ, આત્મનિર્ભર પંચાયત એ આત્મનિર્ભર ભારતનો સૌથી મજબૂત પાયો છે. ગાંધીનગર વર્કશોપ ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમના આઉટરીચની
શરૂઆત દર્શાવે છે.
