Western Times News

Gujarati News

તીર્થધામોમાં રૂમ બુકિંગ કરાવતા પહેલાં ચેતજો !!

યુવકે તપાસ કરતા ખોટી વેબસાઇટ મારફતે તેની સાથે ૧૯,૮૦૦ રૂપિયા નું સાયબર ફ્રોડ થયુ હતું

દ્વારકામાં રૂમ બુક કરાવનાર યુવકે ગૂગલ સર્ચ કરતા ફેક વેબસાઇટથી છેતરાયો

અમદાવાદ,ગુજરાત સહિતના રાજ્યોમાં આવેલા તીર્થધામોની આસપાસ હોટલ, વાડીઓની ફેક વેબસાઇટથી અનેક લોકો સાથે છેતરપિંડીના અનેક કિસ્સા બનવા પામ્યા છે. અગાઉ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે આ નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ પણ હજુ લોકો ફેક વેબસાઇટથી સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. તેવામાં શહેરમાં રહેતા એક યુવકે દ્વારકા ખાતે કડવા પટેલ સમાજ ભવનમાં રૂમ બુક કરાવવા ગૂગલ સર્ચ કરતા ફેક વેબસાઇટના માધ્યમથી ગઠિયાઓએ સાયબર ફ્રોડ આચર્યુ હતું. આ મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હેબતપુર વિસ્તારમાં રહેતા અને ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા ૩૫ વર્ષીય યુવકને ગત તા.૧૧ એપ્રિલે પરિવાર સાથે દ્વારકા જવાનું આયોજન હતું. જેથી તેણે દ્વારકાના કડવા પટેલ સમાજ ભવનમાં રહેવા માટે એડવાન્સ બુકિંગ કરાવવાનું હતું. યુવકે દ્વારકા કડવા પટેલ સમાજ ગૂગલ સર્ચ કરતા એક વેબસાઇટ ખૂલી હતી. વેબસાઇટમાં વેલકમ ટુ કડવા પટેલ સમાજવાડીની સાથે કોલ એન્ડ વોટ્‌સએપ જેવા વિકલ્પ દર્શાવ્યા હતા. જેથી યુવકે વેબસાઇટમાં દર્શાવેલા નંબર પર ફોન કરતા એક વ્યક્તિએ વાત કર્યા બાદ વોટ્‌સએપ ચેટથી બુકિંગની વાતચીત શરૂ કરી હતી.

સામેવાળાએ ૬૫૦૦ ભાડું અને રૂ. ૧૦૦ રસીદના એમ બે દિવસના ૬૬૦૦ રૂ. ચાર્જ જણાવીને ક્યુઆર કોડ મોકલતા યુવકે ક્રેડિટકાર્ડથી રૂ. ૬૬૦૦નું પેમેન્ટ કર્યુ હતું. જે બાદ સામેવાળાએ ૬૫૦૦ અને ૧૦૦ એમ અલગ અલગ પેમેન્ટ કરવાનું કહીને બે વાર રૂ. ૬૬૦૦ મેળવી લીધા હતા. બાદમાં ગઠિયાએ યુવકને ખોટી રીતે ચૂકવણી કરી હોવાનું કહીને ત્રીજી વાર પેમેન્ટની માગણી કરી હતી. જે બાદ સર્વર એરર હોવાનું કહીને પેમેન્ટ ન મળ્યુ હોવાનું કહેતા યુવકે રકમ માગી હતી. બાદમાં ગઠિયાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું. યુવકે તપાસ કરતા ખોટી વેબસાઇટ મારફતે તેની સાથે ૧૯,૮૦૦ રૂ. નું સાયબર ફ્રોડ થયુ હતું. જેથી આ મામલે બોડકદેવ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.