Western Times News

Gujarati News

‘હોર્મુઝ બાદ બાબ અલ મંદેબ પણ બંધ કરી દઈશુ’ : ઈરાન

ઈરાનની ધમકીથી દુનિયાના શ્વાસ અધ્ધર

ઈરાન હવે યમનમાં સક્રિય પોતાના સમર્થિત ‘હૂતી’ લડવૈયાઓનો ઉપયોગ કરીને ‘બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ’ જળમાર્ગને નિશાન બનાવી શકે છે

મુંબઈ, પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો તણાવ હવે સંપૂર્ણપણે કાબૂ બહાર જઈ ચૂક્યો છે. એપ્રિલ મહિનાના યુદ્ધવિરામ બાદ તેહરાનથી થયેલા સીધા મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયલે ઈરાન પર ‘શક્તિશાળી વળતો પ્રહાર’ (જવાબી હુમલો) કરી દીધો છે. ઈઝરાયલના આ આકરા સૈન્ય એક્શન બાદ હવે ઈરાન તરફથી વિશ્વને હચમચાવી દેનારી આંતરરાષ્ટ્રીય ધમકી ઉચ્ચારવામાં આવી છે, જેના કારણે વૈશ્વિક વેપાર અને તેલ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જવાનો ખતરો પેદા થયો છે.

આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ઈરાનના વરિષ્ઠ નેતા અલી વિલાયતીએ વર્તમાન પરિસ્થિતિ અંગે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, “હાલના સંજોગો જોઈને દુશ્મને કોઈ પણ પ્રકારની ગેરસમજમાં રહેવાની જરૂર નથી.” તેમણે ઈઝરાયલને સ્પષ્ટ સંદેશ આપતા ધમકી આપી છે કે હવે તેની પાસે માત્ર બે જ રસ્તા બચ્યા છે; કાં તો તે પોતાની બેવકૂફી (સૈન્ય હુમલા) તાત્કાલિક બંધ કરે અથવા તો એવા ગંભીર પરિણામોનો સામનો કરવા તૈયાર રહે જ્યાં વિશ્વના બે સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગાે પર તેને સણસણતો અને સંતુલિત જવાબ મળી શકે.

વ્યૂહાત્મક અને સૈન્ય નિષ્ણાતોના મતે, અલી વિલાયતીનો ઈશારો સીધો જ વૈશ્વિક દરિયાઈ પરિવહન અને વેપારી જહાજોની અવરજવર પર દબાણ વધારવા તરફ છે. ઈરાન હવે યમનમાં સક્રિય પોતાના સમર્થિત ‘હૂતી’ લડવૈયાઓનો ઉપયોગ કરીને ‘બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ’ જળમાર્ગને નિશાન બનાવી શકે છે. આ એ જ મહત્વપૂર્ણ સમુદ્રી રસ્તો છે જે યમન, જિબૂતી અને ઇરિટ્રિયા વચ્ચે આવેલો છે અને યુરોપ, એશિયા તેમજ આરબ દેશો વચ્ચેના કરોડો અબજોના વ્યાપાર માટે કરોડરજ્જુ સમાન માનવામાં આવે છે.

જો ઈરાન અને હૂતી લડવૈયાઓ દ્વારા આ દરિયાઈ માર્ગાે પર જહાજોની અવરજવર રોકવામાં આવે અથવા તેમના પર હુમલા તેજ કરાય, તો તેની સીધી અને વિનાશક અસર વૈશ્વિક વેપાર અને ક્‰ડ ઓઈલની સપ્લાય ચેઈન પર પડશે. તેલ પુરવઠો ખોરવાઈ જવાથી ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચશે અને મોંઘવારીનો નવો વિસ્ફોટ થવાની ચિંતા જગતના અર્થશાસ્ત્રીઓને સતાવી રહી છે. હાલમાં સમગ્ર વિશ્વની નજર એ વાત પર ટકેલી છે કે ઈઝરાયેલના આ પલટવાર અને ઈરાનની નવી આર્થિક-સૈન્ય ધમકી બાદ સુપરપાવર અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સમયમાં શું પગલું ભરે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.