સુરતમાં પત્નીની છેડતી કરતા રિક્ષાચાલકને પતિએ પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યાે
પ્રતિકાત્મક
ક્રાઈમ બ્રાન્ચે કલાકોમાં આરોપીની ધરપકડ કરી
પતિએ રોમિયો રિક્ષાચાલક રાહુલને મગદલ્લા રોડ ઉપર જાહેરમાં પથ્થર મારી હત્યા નિપજાવી દીધી
સુરત,સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો હોય તેમ અલથાણ વિસ્તારમાં સતત બીજા દિવસે હત્યાનો વધુ એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. રોમિયો જેવા રિક્ષાચાલક રાહુલ દ્વારા પત્નીની વારંવાર છેડતી અને હેરાનગતિથી કંટાળેલા પતિએ તેને સિમેન્ટના પથ્થર વડે માથામાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો છે.
આ ઘટનાની સાથે ચાલુ વર્ષમાં સુરતમાં હત્યાનો આંક ૫૦ પર પહોંચ્યો છે, જ્યારે છેલ્લા ૩૦ દિવસમાં જ ૧૯ હત્યાના બનાવ નોંધાયા છે.પોલીસના જણાવ્યા મુજબ પાંડેસરાના બમરોલી તેરેનામ રોડ પર રહેતો ૩૫ વર્ષીય રાહુલ સભાજિતસિંહ રાજપૂત રિક્ષા ચલાવતો હતો. આશરે દોઢ વર્ષ પહેલાં આરોપી રાજીવકુમાર સતિષસિંહ ઠાકુરની પત્ની પિંકીદેવી તેની રિક્ષામાં મુસાફરી કરતી હતી, ત્યારથી રાહુલ મહિલાની છેડતી કરતો અને પીછો કરીને પરેશાન કરતો હતો. શનિવારે સાંજે મગદલ્લા હાઈવે પર આવેલા રાજહંસ સિમ્ફોનિયા નજીક મહિલાનો રસ્તો રોકી તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કરતાં મહિલાએ પોતાના પતિને ફોન કર્યાે હતો.
ઘટનાસ્થળે પહોંચેલા રાજીવકુમાર અને રાહુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવેલા રાજીવકુમારે નજીકમાં પડેલા પથ્થર વડે રાહુલના માથામાં ત્રણ ઘા ઝીંકતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસને મેસેજ મળતાં જ તપાસ હાથ ધરાઈ હતી અને ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાજીવને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.
મૃતકના ભાઈ અશોક રાજપૂતની ફરિયાદના આધારે અલથાણ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.સુરતમાં પાંચ મહિનામાં ૫૦ હત્યાસુરતમાં ગંભીર ગુનાઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધવા માંડ્યુ છે. હત્યાના બનાવો તો ઉપરાછાપરી નોંધાઈ રહ્યાં છે. છેલ્લા પાંચ મહિનામાં જ ૫૦ હત્યા નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન ગત વર્ષે ૨૩ હત્યા નોંધાઈ હતી, તેની સામે આ વર્ષે ૨૭ ઘટના વધારે નોંધાઈ હોવાનું શહેર પોલીસનો રેકર્ડ કહે છે.ss1
