Western Times News

Gujarati News

અમદાવાદના મોટેરામાં મેગા ડિમોલિશન: સ્ટેડિયમ નજીકનો રસ્તો 61 મીટર પહોળો કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગ પર રોડલાઇન અમલની કામગીરી હાથ ધરી

(એજન્સી)અમદાવાદ, આગામી વર્ષોમાં અમદાવાદને આંતરરાષ્ટ્રીય રમતગમતના કેન્દ્ર તરીકે વિકસાવવાના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ અને ભાવિ ઓલિમ્પિકના આયોજનની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસના વિસ્તારને વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધાઓથી સજ્જ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે .

તથા તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે  સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગ પર રોડલાઇન અમલની કામગીરી હાથ ધરી હતી. વહેલી સવારથી જ ભારે મશીનરી સાથે ડિમોલિશન શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ખૂબ ચહલપહલ જોવા મળી હતી.

કોર્પોરેશનના આયોજન મુજબ હાલનો ૧૮ મીટર પહોળો રોડ વધારીને ૬૧ મીટર કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભવિષ્યમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવની સ્પર્ધાઓ દરમિયાન લાખો દર્શકો, ખેલાડીઓ, અધિકારીઓ અને મહાનુભાવોની અવરજવર સરળ બને તેમજ ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે હેતુથી આ રોડને પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોડલાઇન અમલ માટે અગાઉ અસરગ્રસ્ત મિલકતધારકોને નોટિસો આપવામાં આવી હતી. નોટિસની મુદત પૂર્ણ થતાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં જનપથ ત્રણ રસ્તાથી ડી-માર્ટ સુધીના અંદાજે ૫૦૦ મીટરના વિસ્તારમાં આવેલી પ૦થી વધુ કોમર્શિયલ મિલકતોને દૂર કરવામાં આવી રહી છે. દુકાનો, ગોડાઉન અને અન્ય વ્યાવસાયિક એકમો રોડલાઇનમાં આવતાં હોવાથી તેમને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. હાલ રહેણાક મકાનોને આ કાર્યવાહીમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે.

કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ ડી-માર્ટ બાદ આવેલાં કેટલાંક કોમર્શિયલ અને રહેણાંક બાંધકામોને લઈને હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી ત્યાં હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ઉપરાંત સામે આવેલી ઓએનજીસીની કચેરીના સ્થળાંતરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ તે વિસ્તાર અંગે નિર્ણય લેવામાં આવશે.
ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકનું ડાઈવર્ઝન કરવામાં આવ્યું હતું.

એસ્ટેટ વિભાગ, દબાણ શાખા, ટ્રાફિક વિભાગ અને અન્ય શાખાઓના અધિકારીઓ સ્થળ પર હાજર રહી સમગ્ર કામગીરીનું સંકલન કરતા જોવા મળ્યા હતા. ભારે મશીનરી દ્વારા એક પછી એક દુકાનો દૂર કરવામાં આવતાં લોકોની મોટી ભીડ પણ એકત્ર થઈ હતી. ડિમોલિશનથી અસરગ્રસ્ત વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. અનેક વેપારીઓએ જણાવ્યું કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ વર્ષોથી ચાલતા વ્યવસાય અચાનક બંધ થતાં તેમના પરિવારની રોજી-રોટી પર સીધી અસર પડી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.