Western Times News

Gujarati News

ચાબહાર પોર્ટ પર અમેરિકાનો સૈન્ય હુમલો: જાણો ભારત માટે કેમ મહત્ત્વનું છે આ બંદર અને યુદ્ધની શું થશે અસર

ભારતે રોકાણ કર્યું છે તે ચાબહાર પોર્ટ પર અમેરિકાનો મોટો હુમલો -ઈરાનનો અમેરિકાના એરબેઝો પર હુમલો

(એજન્સી) તહેરાન, અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર મોટાપાયે યુદ્ધ શરૂ થઇ ગયું છે. આ સૌની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે કોઈ ડીલ કરવાનો ઈનકાર કરી દીધો છે ત્યારબાદથી ઈરાનના અનેક ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યાની માહિતી મળી રહી છે. ત્યારે ઇરાને પણ હવે વળતો પ્રહાર કરતા અમેરિકાની શાન ઠેકાણે લાવી છે.

ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગલીબાફે કહ્યું કે અમેરિકા અમારી વાત સાંભળી લે, જો તે હુમલા કરશે તો તેને જડબાતોડ જવાબનો સામનો કરવો પડશે. અમારા શહીદોનો સંઘર્ષ વ્યર્થ નહીં જાય. હોર્મુઝ તો ઈરાનની મરજીથી જ ચાલશે તેમાં અમેરિકાની દખલ નહીં ચલાવી લેવાય.અમેરિકાના હુમલાના જવાબમાં ઇરાને બહેરીનમાં અમેરિકાની ફિફ્થ ફ્લિટ પર મિસાઇલોનો વરસાદ કરી દીધો હતો.

ભારત અને ચાબહાર બંદર, ઈરાન વચ્ચે માલસામાનની અવર -જવર પર 40%ની છૂટ એક વર્ષ માટે લંબાવવામાં આવી

જેમાં અમેરિકાને મોટું નુકસાન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બહેરીનમાં અનેક જગ્યાએ વિસ્ફોટો થવાની માહિતી સામે આવી છે. ઈરાને એક વીડિયો શેર કરી હોર્મુઝમાં અમેરિકન ડ્રોન સ્ઊ-૯ને ઠાર મારવાનો પણ દાવો કર્યાે છે. આની સાથે કુવૈતમાં પણ સાયરનો વાગી રહ્યા છે. ત્યાં પણ ઈરાને હુમલા કર્યાની માહિતી સામે આવી રહી છે.

અમેરિકાએ ઈરાનના દક્ષિણ-પૂર્વીય બંદર શહેર ચાબહાર પર પહેલીવાર મોટો સૈન્ય હુમલો કર્યો છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં થયેલા સીઝફાયર બાદ આ વિસ્તારમાં અમેરિકાની આ પ્રથમ મોટી સૈન્ય કાર્યવાહી છે. આ હુમલાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે અમેરિકા હવે હોર્મુઝથી આગળ વધીને ઈરાનના હિંદ મહાસાગર સાથે જોડાયેલા દરિયાકાંઠાના વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યું છે.

હુમલા દરમિયાન ચાબહાર શહેરમાં એક પછી એક અનેક બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો અને વીજળી ગુલ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સતત થયેલા ધડાકા બાદ રાહત અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતીઅને નુકસાનની સમીક્ષા શરૂ કરી હતી.

અમેરિકન સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઈરાનના માત્ર એ દરિયાઈ માળખા અને સૈન્ય ઠેકાણાઓને જ નિશાન બનાવાયા છે, જેનો ઉપયોગ વેપારી જહાજોને ધમકાવવા માટે થતો હતો. અહેવાલો મુજબ, આ હુમલામાં પોર્ટની જેટી, મરીન ટ્રાફિક કંટ્રોલ ટાવર અને આસપાસના સૈન્ય મથકોને નુકસાન થયું છે, જ્યારે સામાન્ય નાગરિકોના વિસ્તારો અને ઓઇલ જેવા મહત્ત્વના માળખાને જાણીજોઈને નુકસાનથી બચાવી લેવાયા છે.

ચાબહાર બંદરની ભૌગોલિક સ્થિતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે હોર્મુઝની બહાર ઓમાનની ખાડીમાં આવેલું છે. આ ઈરાનનું એકમાત્ર એવું ઊંડા પાણીનું દરિયાઈ બંદર છે જે તેને સીધું હિંદ મહાસાગર સાથે જોડે છે અને ઈરાન માટે તે આર્થિક રીતે કરોડરજ્જુ સમાન છે. ભારત માટે પણ આ પોર્ટ અત્યંત મહત્ત્વનું છે, કારણ કે ભારતે દક્ષિણ એશિયાને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે જોડતા વેપારી માર્ગ માટે અહીં મોટું રોકાણ કર્યું છે, જેથી પાકિસ્તાન પર નિર્ભર રહેવું ન પડે.

અત્યાર સુધી અમેરિકાના મોટાભાગના હુમલા બંદર અબ્બાસ અને હોર્મુઝની આસપાસના સૈન્ય ઠેકાણાઓ સુધી જ મર્યાદિત હતા, પરંતુ ચાબહાર પરનો આ હુમલો દર્શાવે છે કે અમેરિકા હવે ઈરાનના છેક પૂર્વીય દરિયાકાંઠા સુધી એક્શન લેવા તૈયાર છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાથી જ સીઝફાયરનો અંત આવી ગયો હોવાનું જાહેર કર્યું હતું અને ઈરાન પર વેપારી જહાજો પર હુમલા કરવાનો આરોપ લગાવ્યો હતો.

અમેરિકાનું કહેવું છે કે આ હુમલાનો હેતુ દરિયાઈ માર્ગો સુરક્ષિત કરવાનો છે, જ્યારે બીજી તરફ ઈરાને આ હુમલાને સીઝફાયરનું ઉલ્લંઘન ગણાવીને કડક ચેતવણી આપી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે તણાવ વધી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.