વડોદરા શહેરમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર
બળાત્કારી આધેડની ધરપકડ
છાણીમાં ૮ વર્ષની બાળકી સાથે અને અકોટામાં ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મના બે અલગ-અલગ બનાવ; બંને આરોપીઓ ઝડપાયા
વડોદરા,સંસ્કારી નગરી વડોદરામાં સગીરાઓ પર યૌન અત્યાચારના બે ચોંકાવનારા બનાવ સામે આવ્યા છે. છાણી અને અકોટા વિસ્તારમાં અલગ-અલગ બે આરોપીઓએ સગીરાઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાના મામલા પોલીસ ચોપડે નોંધાયા છે. બંને કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, છાણી પોલીસ મથકમાં નોંધાયેલા બનાવમાં આઠ વર્ષની બાળકી યૌન અત્યાચારનો ભોગ બની છે.
છાણી વિસ્તારના નારાયણનગર ગરનાળા સામે રહેતા જગદીશ પુંજાભાઈ ગોહિલ (ઉ.વ. ૫૫), જે વેરહાઉસમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે, તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ બાળકીને ચોકલેટ અને અન્ય લાલચ આપીને બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.બીજા બનાવમાં અકોટા વિસ્તારમાં ૧૭ વર્ષની સગીરા સાથે વિધિના બહાને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે.
૭૦ વર્ષીય નરેન્દ્ર દિનકરભાઈ ભટ્ટ સામે અકોટા પોલીસ મથકે બળાત્કારનો ગુનો નોંધાયો છે.ફરિયાદ મુજબ, દીકરીનું મન શાંત કરવા માટે પરિવારનો આરોપી સાથે પરિચય થયો હતો. આરોપીએ વિધિના બહાને ઘરે આવી સગીરાને રૂમમાં લઈ જઈ અંદાજે ૨૦ દિવસ દરમિયાન ચાર વખત વિધિ કરવાના નામે બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પીડિતાએ આ અંગે તેના ધર્મના ભાઈને જાણ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.અકોટા પોલીસે આરોપી નરેન્દ્ર દિનકરભાઈ ભટ્ટ (રહે. જ્ઞાનસુધા ફ્લેટ્સ, ગોકુળનગર ટાઉનશિપ પાસે, ગોત્રી) સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.SS1
