Western Times News

Gujarati News

નર્સ પત્નીએ ડ્રિપમાં ટોયલેટ ક્લીનર ભેળવી પતિનું કાસળ કાઢ્યું

પ્રતિકાત્મક

પત્નીએ પ્રેમીના મોહમાં પતિને અગાઉ ધાબા ઉપરથી ધક્કો પણ માર્યાે હતો

પોલીસે ૩૨ વર્ષીય સંધ્યા, તેના પ્રેમી અનિલ અને તેના મિત્ર વેંકટ સાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી

નિઝામાબાદ,તેલંગાણામાં એક નર્સે પોતાના પ્રેમી સાથે મળીને ૩૫ વર્ષીય પતિની હત્યા કરી હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસના જણાવ્યા મુજબ, મહિલાએ ૩૦ જૂને પહેલા પતિને ધાબા ઉપરથી ધક્કો મારીને મારી નાખવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ તે સમયે તે બચી ગયો, ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેની નસમાં લગાવેલી ડ્રિપમાં ટોયલેટ ક્લીનર ઇન્જેક્ટ કરવામાં આવ્યું, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે ૩૨ વર્ષીય સંધ્યા, તેના પ્રેમી અનિલ અને તેના મિત્ર વેંકટ સાઈની ધરપકડ કરી છે.

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, સંધ્યાએ લગ્નેતર સંબંધ માટે સુનિયોજિત કાવતરું ઘડી પતિની હત્યા કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ, આ સમગ્ર ઘટના નિઝામાબાદ જિલ્લાના ન્યાલાકલ ગામની આ ઘટનામાં પ્રશાંત થોડા સમય પહેલાં અખાતના દેશમાંથી પરત આવ્યો હતો. તે કયા દેશમાં હતો તેની માહિતી ઉપલબ્ધ નથી. ઘરે પરત આવ્યા પછી તેને સંધ્યાના લગ્નેતર સંબંધોની ખબર પડી જતા બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.

૩૦ જૂને ત્રણેય આરોપીઓએ પહેલા પ્રશાંતને ભારે માત્રામાં દારૂ પીવડાવ્યો. ત્યારબાદ તેની સાથે મારઝૂડ કરીને તેને ઘરના ધાબા ઉપરથી નીચે ધક્કો મારી દીધો. ગંભીર ઇજાઓ છતાં પ્રશાંતનો જીવ બચી ગયો. ત્યારબાદ આરોપીઓએ તેને હોસ્પિટલમાં પહોંચાડીને જણાવ્યું કે તે નશાની હાલતમાં પોતે જ પડી ગયો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંધ્યા અગાઉ એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરી ચૂકી હતી.

પોલીસનો આરોપ છે કે તેણે પોતાના તબીબી જ્ઞાનનો ઉપયોગ કરીને સારવાર દરમિયાન પતિની ડ્રિપમાં ટોયલેટ ક્લીનર અને એનેસ્થેશિયા ઇન્જેક્ટ કર્યું. પ્રશાંતના મૃત્યુ બાદ તેની માતાને સમગ્ર ઘટનામાં શંકા ગઈ. તેમણે ૧ જુલાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. તપાસ દરમિયાન પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી, જેમાં સમગ્ર કાવતરાનો ખુલાસો થયો. મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ ઘટનાનું સાચું કારણ સામે આવ્યું હતું. પોલીસની પૂછપરછ દરમિયાન સંધ્યાએ ગુનો કબૂલ કર્યાે હોવાનું જણાવાયું છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.