વડનગરના વડબાર પાટિયા પાસેથી યુવકનું અપહરણ કરી ૧૦ લાખ માગ્યા
Files Photo
આરોપી ફરાર થતાં પોલીસે પકડવાની કવાયત હાથધરી
વડનગર પોલીસે ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરીને અપહૃત યુવકને છોડાવી : ગુનામાં વપરાયેલી કાર જપ્ત કરી
મહેસાણા,વડનગર-વિસનગર રોડ પર વડબાર પાટિયા નજીકથી એક યુવકનું કાળા કલરની ગાડીમાં અપહરણ કરી છોડાવવા માટે તેની પત્ની પાસે રૂ.૧૦ લાખની ખંડણી માંગીને યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી છે. વડનગર પોલીસે વિજાપુર તાલુકાના ટેચાવા ગામના એક શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને અપહૃત યુવકને છોડાવી લીધો છે.વિસનગર તાલુકાના મગરોડા ગામે રહેતાં કોકીલાબેન ચૌધરીએ વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ સોમવારે સવારે પતિ કિરણભાઈ ફૂલજીભાઈ ચૌધરી (ઉં.વ.૪૬) વડનગર ખાતે બ્લડ કેમ્પમાં લોહી આપવા જવાનું કહીને પોતાનું બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા.
સાંજે ચારેક વાગ્યે તેમના પતિના ફોન નંબર પરથી એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને ‘તમારા પતિ મારી પત્ની સાથે વાતચીત કરે છે, જેથી મેં તેમનું અપહરણ કરી લીધું છે અને તે હાલ મારી પાસે છે. જો તેમને જીવતા છોડાવવા હોય તો તાત્કાલિક રૂ.૧૦ લાખ લઈને રણસીપુર આવી જાઓ, નહીં તો કિરણને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.જેથી ગભરાયેલા પરિવારે કિરણભાઈની શોધખોળ શરૂ કરતાં કિરણભાઈ વિજાપુરના ટેચાવા ગામના અલ્પેશજી કનુજી ઠાકોરની પત્ની સાથે ફોન પર અવારનવાર વાતચીત કરતા હતા, જે બાબતે અગાઉ પતિ-પત્ની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.
સોમવારે કિરણભાઈ અને આરોપીની પત્ની વડનગર ખાતે મળ્યા બાદ બાઇક પર વિસનગર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન વડબાર પાટિયા નજીક કાળા રંગની કાર લઈને આવેલો અલ્પેશજી કિરણભાઈનું કારમાં અપહરણ કરીને લઈ ગયો હતો. વડનગર પોલીસે અલ્પેશજી ઠાકોર સામે ગુનો નોંધી અપહૃતની શોધખોળ શરૂ કરી હતી. વડનગર પીઆઈએ જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતા ધ્યાને રાખી સઘન તપાસ શરૂ કરી હતી, મંગળવારે સાંજે ટેચાવા ગામની સીમમાંથી અપહૃત કિરણભાઈને છોડાવી દીધા છે અને ગુનામાં વપરાયેલી કાર પણ જપ્ત કરી છે. આરોપી અલ્પેશજી ઠાકોરને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધરાયા છે.SS1
