Western Times News

Gujarati News

‘નો એન્ટ્રી-૨’નું કામ યોગ્ય ગતિએ ચાલી રહ્યું છે : અનીસ બાઝમી

શીડ્યુલિંગમાં થોડી તકલીફ છે અને કાસ્ટમાં ફેરફાર થઈ રહ્યા છે

નિર્માતા બોની કપૂરે શરૂઆતમાં વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંઝની નવી ત્રિપુટી સાથે ફિલ્મની જાહેરાત કરી હતી

મુંબઈ,નો એન્ટ્રી ૨ ને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી અટકળો વચ્ચે ફિલ્મનાં ડિરેક્ટર અનીસ બાઝમીએ સ્પષ્ટ કર્યું છે કે આ સીક્વલનું કામ ચાલુ જ છે. જોકે ફિલ્મ હજુ પણ શીડ્યુલિંગનાં અને કાસ્ટમાં થતા ફેરફારોના અહેવાલો વચ્ચે આગળ વધી રહી છે.એક ઇન્ટરવ્યુ દરમિયાન અનીસ બાઝમીએ ફિલ્મ વિશે વધુ વિગતો આપવાનું ટાળ્યું, પરંતુ તેના ભવિષ્ય અંગેની તમામ શંકાઓને ફગાવી દીધી છે. જ્યારે ફિલ્મની સીક્વલ બને છે કે નહીં, તે અંગે તેમણે જવાબ આપ્યો, “૧૦૦ ટકા આ ફિલ્મ બની રહી છે.”

ફિલ્મના વિલંબ અંગે વાત કરતાં બાઝમીએ કહ્યું કે આ વિલંબ પાછળ કોઈ મોટું કારણ નથી, પરંતુ સમયનો પ્રશ્ન છે. તેમણે કહ્યું, “હું માનું છું કે કેટલીક ફિલ્મોની કુંડળી હોય છે. કેટલીક ફિલ્મો ઝડપથી બની જાય છે, તો કેટલીક મોડેથી બને છે. પરંતુ, અમારી સૌની કોશિશ છે કે આ ફિલ્મ બને.”સ્ક્રિપ્ટ પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું, “મેં આ ફિલ્મ ખુબ જ પ્રેમથી લખી છે. આ મારી સૌથી સારી રીતે લખાયેલી ફિલ્મોમાંની એક છે. થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ ફિલ્મ ચોક્કસ બની રહી છે.”છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રોજેક્ટને લઈને અનિશ્ચિતતા હોવા છતાં બાઝમીનું માનવું છે કે ફિલ્મ સાથે જોડાયેલા દરેક વ્યક્તિનો ઉત્સાહ યથાવત છે.

તેમણે કહ્યું, “જે પણ લોકો આ ફિલ્મ સાથે જોડાયેલા છે, બધા ખૂબ ઉત્સાહિત છે અને લોકોને આ ફિલ્મ ખુબ ગમશે.”નો એન્ટ્રી ૨ સતત પોતાની બદલાતી કાસ્ટને કારણે ચર્ચામાં રહી છે. નિર્માતા બોની કપૂરે શરૂઆતમાં વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંઝની નવી ત્રિપુટી સાથે ફિલ્મની જાહેરાત કરી હતી.પરંતુ બાદમાં શીડ્યુલ બાબતની સમસ્યાઓ અને કાસ્ટિંગમાં ફેરફારોના અહેવાલો સામે આવ્યા હતા. દિલજીત દોસાંઝે અંતે ફિલ્મમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. બોની કપૂરે જણાવ્યું હતું કે આ નિર્ણય પરસ્પર સહમતીથી લેવામાં આવ્યો હતો અને તેનું મુખ્ય કારણ તારીખોની સમસ્યા હતી.તાજેતરમાં એવા અહેવાલો પણ સામે આવ્યા કે વરુણ ધવન પણ હવે ફિલ્મનો ભાગ નહીં રહી શકે.

જોકે નિર્માતાઓએ જણાવ્યું હતું કે ચર્ચાઓ હજુ ચાલુ છે.આ અનિશ્ચિતતા વચ્ચે શાહિદ કપૂરનું નામ પણ ફિલ્મ સાથે જોડાયું હતું, પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.૨૦૦૫માં આવેલી ‘નો એન્ટ્રી’ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. તેથી ‘નો એન્ટ્રી ૨’ અંગે દર્શકોમાં ભારે ઉત્સુકતા છે અને અનીસ બાઝમીના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે ફિલ્મ ભલે મોડી આવે, પરંતુ ચોક્કસ આવશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.