દંપતીએ લગ્નના બહાને કુટુંબીઓ અને પાડોશીઓ પાસેથી ૪૫ લાખ ચાંઉ કર્યા
લગ્નના નામે વધુ એક છેતરપિંડી
મહિલાની ફરિયાદના આધારે પોલીસે ઠગ દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં સંબંધોને લાંછન લગાડતો વિશ્વાસઘાત-ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નપ્રસંગના બહાને દંપતીએ કુટુંબીઓ અને પાડોશીઓ પાસેથી સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ ૪૫.૯૨ લાખની માલમત્તા ચાંઉ કરી લીધી હોવાનો કિસ્સો માણસા પોલીસમાં નોંધાયો છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ઠગ દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.ઠગાઇ અંગે ઉષાબા ગીરીરાજસિંહ રાઠોડ (રહે.માણસા)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગાંધીનગરના સેક્ટર-૨૭ ખાતે રહેતા તેમના કુટુંબી ભાભી કૈલાશબા અને તેના પતિ જીતેન્દ્રસિંહ રણજીતસિંહ રાઓલે અનેક પરિવારોને પોતાની જાળમાં ફસાવ્યા છે. તે મૂળ માણસાના વતની છે.
ગત ૨૭ માર્ચ, ૨૦૨૧ના રોજ આ દંપતીએ લગ્ન પ્રસંગના બહાને ઉષાબા પાસેથી ૨૦ હજાર ઉછીના લીધા હતા અને બે મહિનામાં પરત આપવાનું વચન આપી લખાણવાળું વાઉચર આપ્યું હતું. તે પછી દંપતીએ ૨૮ એપ્રિલ, ૨૦૨૧ના રોજ ફરીથી લગ્નમાં પહેરામણી કરવાના બહાને સોનાના ઘરેણાં માંગ્યા હતા. ભાઈ-ભાભી પર વિશ્વાસ રાખીને ઉષાબાએ સોનાનો સેટ, મંગળસૂત્ર, સોનાનો પંજો અને કાનની સેર મળી કુલ રૂ.૧૧.૩૭ લાખના દાગીના આપ્યા હતા. સમય મર્યાદા પૂર્ણ થતાં ઉષાબાએ પોતાના ઘરેણાં અને રોકડ રકમ પરત માંગવાનું શરૂ કર્યું ત્યારે ઠગ દંપતીએ ગલ્લા-તલ્લા શરૂ કર્યા હતા.
જેથી ઉષાબાને શંકા જતાં તેમણે આસપાસ અને સગાંઓમાં તપાસ કરી તો જાણવા મળ્યુ કે આ દંપતીએ પાડોશમાં અને સંબંધોમાં રહેતા અન્ય ૫ પરિવારોને પણ આ જ રીતે વિશ્વાસમાં લઈ લાખોના દાગીના પડાવ્યા છે. આમ, ઠગ દંપતીએ પોતાના નજીકના લોકો પાસેથી કુલ રૂ. ૪૫,૯૨,૩૦૦ની મત્તાના દાગીના અને રોકડ મેળવી વાઉચરો લખી આપ્યા હતા, પરંતુ આજદિન સુધી કોઈને રકમ કે ઘરેણાં પરત ન આપી છેતરપિંડી આચરી હતી. ss1
