Western Times News

Gujarati News

BAPSના પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીને અસ્મિતા મહાસન્માનથી સન્માનિત કરવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક મંચ પર ભારતે એક નવી અને મજબૂત ઓળખ ઊભી કરીજ્યારે કોઈ વ્યક્તિ મનમાં કંઈક કરી છૂટવાનો દ્રઢ સંકલ્પ કરી લે છે ત્યારે તે સમાજમાં અદભુત બદલાવ લાવી શકે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘અસ્મિતા સન્માન પુરસ્કાર ૨૦૨૬’ યોજાયો હતો. એબીપી અસ્મિતા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન કરનારા ૯ ઉત્કૃષ્ટ મહાનુભાવોને સન્માનની ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘અસ્મિતા સન્માન પુરસ્કાર ૨૦૨૬’ મેળવનાર સૌને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ એક વ્યક્તિ મનમાં કંઈક કરી છૂટવાનો દ્રઢ સંકલ્પ કરી લે છે ત્યારે તે સમાજમાં અદભુત બદલાવ લાવી શકે છે. બદલાવ અને સત્કાર્યની શરૂઆત કરવા માટે ક્યારેય કોઈની રાહ જોવી પડતી નથી. તેમણે અસ્મિતા સન્માન પુરસ્કાર મેળવનારા લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગકાર મુકેશભાઈ પટેલ અને ૪૦ વર્ષથી એકલા હાથે વૃક્ષારોપણ કરતા મોહનભાઈ ઠુંમરના ઉદાહરણો આપીને જણાવ્યું કે આ તમામ વિભૂતિઓ સમાજ માટે પ્રેરણારૂપ છે.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ અને ૧૨ વર્ષના સુશાસનનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ દેશનું ગૌરવ વૈશ્વિક સ્તરે વધાર્યું છે. તેમના સક્ષમ નેતૃત્વમાં વૈશ્વિક મંચ પર ભારતે એક નવી અને મજબૂત ઓળખ ઊભી કરી છે. આજે દુનિયાના ૩૨ જેટલા દેશોએ વડાપ્રધાનશ્રીને પોતાના દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે, જે પ્રત્યેક ભારતીય અને ખાસ કરીને ગુજરાત માટે ડબલ ગૌરવની બાબત છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં  ગુજરાત પાણી, ૨૪ કલાક વીજળી અને રોડ નેટવર્ક જેવા પ્રત્યેક ક્ષેત્રમાં અગ્રેસર બનવા સાથે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. લોકશાહીમાં લોકહિતને હંમેશા પ્રાધાન્ય આપવું જોઈએ અને ટીકાઓને પણ સકારાત્મકતાથી પચાવીને આગળ વધવું પડે છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ માટે ‘વિકસિત ગુજરાત’ બનાવવાના સંકલ્પ સાથે રાષ્ટ્રપ્રેમની ભાવનાથી સરકારને સહકાર આપવા અને સાથે મળીને આગળ વધવા સૌને આહવાન કર્યું હતું.

આ પ્રસંગે અસ્મિતા સન્માન પુરસ્કાર મેળવનારાઓમાં બેડમિન્ટન સ્ટાર તસ્લીમ મીર (ખેલકૂદ), પ્રખ્યાત ગાયિકા ફરીદાબેન મીર (લોકસંગીત), બોલિવૂડ પ્લેબેક સિંગર ઐશ્વર્યા મજુમદાર (સંગીત), આદિવાસી સાહિત્યના સંશોધક ડૉ. ભગવાનદાસ પટેલ (સાહિત્ય), કલા વારસો દીપાવતા શ્રી હિતુ કનોડિયા અને શ્રીમતી મોના કનોડિયા (મનોરંજન), દીકરીઓને ફૂટબોલ સાથે જોડી ડ્રોપઆઉટ રેશિયો ઘટાડનાર શિક્ષક શ્રી રંગતજી ઠાકોર (શિક્ષણ), ૮૫ વર્ષની ઉંમરે ૧૧,૦૦૦ વૃક્ષો વાવનાર શ્રી મોહનભાઈ ઠુંમર (સેવા), વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરનાર લેબગ્રોન ડાયમંડના પ્રણેતા શ્રી મુકેશ કાંતિભાઈ પટેલ (વ્યાપાર-ઉદ્યોગ) નો સમાવેશ થાય છે.

વૈશ્વિક સ્તરે ભવ્ય મંદિરોના નિર્માણમાં યોગદાન થકી સનાતન સંસ્કૃતિના વ્યાપમાં મહામૂલું યોગદાન આપનારા BAPSના પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીજીને અસ્મિતા મહાસન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બ્રહ્મવિહારી સ્વામીએ પ્રેરક વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે, બીજાના ઉત્કર્ષને ઉત્સવ બનાવવો અને બીજાને આદર આપવો એ જ ખરી મહાનતા છે. સમાજના જુદા જુદા ક્ષેત્રની આ પ્રતિભાઓ પાસે રહેલી કળા, રૂપ, વિચાર કે શક્તિ એ અંતે તો ઈશ્વરની જ દેન છે, તેથી આ શ્રેષ્ઠીઓનું સન્માન એ વાસ્તવમાં ભગવાનનું જ સન્માન છે. તેમણે ઉમેર્યું કે, જગતમાં કોઈ પણ વ્યક્તિ અન્યોના સાથ-સહકાર વગર અધૂરી છે; આપણે સૌ એકબીજાના સહકારે અને સથવારે આપણા ગુજરાત અને દેશનું ગૌરવ વૈશ્વિક સ્તરે વધારતા રહીએ એમ તેમણે ઉમેર્યું હતું.

એબીપી અસ્મિતાના એડિટર શ્રી રોનકભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, એબીપી અસ્મિતા દ્વારા સતત નવમા વર્ષે આ ગૌરવશાળી પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આપણું ગુજરાત તમામ ક્ષેત્રોમાં અગ્રેસર છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાતિ, જાતિ કે ધર્મના વાડાથી પર રહીને માત્ર પવિત્ર ભાવે પ્રતિભાની પરખ કરીને જુદા જુદા ક્ષેત્રોના ૯ શ્રેષ્ઠીઓને સન્માનિત કરવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે. ગુજરાતની વિકાસયાત્રા સતત આગળ વધતી રહે અને આ વિશિષ્ટ મહાનુભાવોના અપ્રતિમ યોગદાનથી સમાજના અન્ય લોકો પણ પ્રેરણા મેળવી આગળ વધે તે જ આ પુરસ્કારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

આ પ્રસંગે એબીપી નેટવર્કના પ્રેસિડેન્ટ શ્રી મોના જૈન, અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તથા એબીપી અસ્મિતા અને એબીપી નેટવર્કના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.