હવે દરેક ગ્રાહકને ૧ દિવસમાં મહત્તમ ૨૦૦ લીટર ડીઝલ જ મળશે
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
કેન્દ્ર સરકારે તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને પેટ્રોલ પંપ સંચાલકોને આ નિયમનું કડકાઈથી પાલન કરવા આદેશ આપ્યો
નવી દિલ્હી,મધ્ય પૂર્વ (મિડલ ઇસ્ટ) માં ચાલી રહેલા ઇરાન સંઘર્ષ અને હોર્મુઝ સંકટના કારણે ઉભા થયેલા ભયના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે દેશમાં ઇંધણની સંગ્રહખોરી રોકવા માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ડીઝલની કોઈ અછત નથી, પરંતુ લોકોમાં ફેલાયેલા ડરનો સંગ્રહખોરો ફાયદો ન ઉઠાવે તે માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. આ અંતર્ગત કેન્દ્ર સરકારે સામાન્ય પેટ્રોલ પંપો પર હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર મર્યાદા નક્કી કરી દીધી છે.સરકાર દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા નવા આદેશ અનુસાર, હવેથી કોઈ પણ સામાન્ય ગ્રાહકને છૂટક પેટ્રોલ પંપ પરથી એક દિવસમાં મહત્તમ ૨૦૦ લીટર ડીઝલ જ આપવામાં આવશે. એટલે કે કોઈ પણ વ્યક્તિ એક દિવસમાં ૨૦૦ લીટરથી વધુ ડીઝલ ખરીદી શકશે નહીં.
તાજેતરના દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ઇંધણની બિનજરૂરી વધારાની ખરીદી અને સ્ટોક જમા કરવાની આશંકાઓ જોવા મળી હતી. જો મોટી માત્રામાં ઇંધણની ખરીદી અને સંગ્રહખોરી પર નિયંત્રણ ન રાખવામાં આવે, તો બજારમાં કૃત્રિમ અછત ઊભી થવાનો ખતરો વધી શકે તેમ હતો. આથી બજારમાં કાળાબજારી અને અનાવશ્યક ભંડારણ રોકવા તેમજ પેટ્રોલિયમ ઉત્પાદનોની સરળ ઉપલબ્ધતા જાળવી રાખવા સરકારે આ મર્યાદા નક્કી કરી છે.નવા નિયમો મુજબ, જે ગ્રાહકોને વ્યાવસાયિક કે ઔદ્યોગિક જરૂરિયાતો માટે મોટી માત્રામાં ઇંધણની જરૂર છે, તેઓ સામાન્ય રિટેલ પેટ્રોલ પંપ પરથી આ ખરીદી નહીં કરી શકે.
આવા ગ્રાહકોએ પોતાની અધિકૃત સુવિધાઓ, નિર્ધારિત ડેપો અથવા સત્તાવાર પંપો પરથી જ ઇંધણ ખરીદવું પડશે, જેથી સામાન્ય ગ્રાહકો માટેના રિટેલ નેટવર્ક પર વધારાનું દબાણ ન આવે.સરકારે સ્પષ્ટતા કરી છે કે આ કાયમી નિયમ નથી પરંતુ એક અસ્થાયી યવસ્થા છે, જે મહત્તમ ૯૦ દિવસ સુધી પ્રભાવી રહેશે. આગામી દિવસોમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ આદેશમાં જરૂરી ફેરફાર કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને પેટ્રોલ પંપ સંચાલકોને આ નિયમનું કડકાઈથી પાલન કરવા આદેશ આપ્યો છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય ગ્રાહકો, વાહનવ્યવહાર સેવાઓ, કૃષિ ક્ષેત્ર અને અન્ય આવશ્યક સેવાઓ માટે ડીઝલનો પુરવઠો નિયમિત રાખવાનો છે.SS1
