Western Times News

Gujarati News

પિતાના નિવૃત્તિના નાણાંનો વિવાદઃ ભાઈએ સગા ભાઈની કરી હત્યા

AI Image

આવેશમાં આવી ગયેલા સગા ભાઈએ વિજયભાઈ પર ઘાતક હુમલો કરી -માથાના ભાગે ફટકા મારી દેતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા.

વડોદરા, સરકારી સેવામાંથી નિવૃત્તિ બાદ પિતાને મળેલા નાણાંના હિસાબ અને વહેંચણી બાબતે સગા ભાઈઓ વચ્ચે થયેલો વિવાદ હત્યા થઈ હોવાનો મામલો સામે આવ્યો છે.

વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા વિજયભાઈ રાઠવા નામના શખ્સ પર તેમના જ સગા ભાઈએ માથાના ભાગે જીવલેણ હુમલો કરતા સારવાર દરમિયાન વડોદરાની સયાજી હોસ્પિટલમાં તેમનું મોત નિપજ્યું હતું.

વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલી ચાણકય નગરીમાં વિજયભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે રહેતા હતા. તાજેતરમાં તેમના પિતાજી સરકારી સેવામાંથી નિવૃત્ત થયા હોવાથી તેમને નિવૃત્તિના મળેલા પૈસાના હિસાબ-કિતાબ અને વહેંચણી માટે વિજયભાઈ પોતાના વતન કવાંટ ખાતે ગયા હતા.

જ્યાં પરિવારના સભ્યો અને ભાઈઓ વચ્ચે પૈસાની બાબતે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક મામલો બિચકયો હતો. ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ થયો હતો. આવેશમાં આવી ગયેલા સગા ભાઈએ વિજયભાઈ પર ઘાતક હુમલો કરી દીધો હતો. ભાઈએ વિજયભાઈના માથાના ભાગે ગંભીર ફટકા મારી દેતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા.

ત્યારબાદ વિજયભાઈને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર માટે બોડેલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્યાંથી વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રાત્રીના સમયે વિજયભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા.

ઘટનાની ગંભીરતાને જોતા કવાંટ પોલીસે તાત્કાલિક ધોરણે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પરિવારજનોના નિવેદન નોંધીને ફરાર આરોપી ભાઈને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.